26 December, 2025 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના થાણેમાંથી હચમચાવી મૂકે તેવા સમાચાર (Thane Crime) મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે થાણેમાં માત્ર સાત દિવસના એક નવજાત શિશુને વેચી મારવાનું કૃત્ય કરતાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચ આરોપીઓએ નવજાત શિશુને છ લાખ રૂપિયામાં વેચવાનું કાવતરું કર્યું હતું. થાણે પોલીસ આ બહુ જ મોટા હ્યુમન ટ્રાફિકિંગ રૅકેટનો પર્દાફાશ કર્યો છે.
માહિતીના આધારે થાણે પોલીસ (Thane Crime) આ કાર્યવાહી કરી હતી. થાણે પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા બુધવારે રાત્રે બદલાપુર પશ્ચિમ વિસ્તારમાં એક હોટલ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ મુદ્દે એક અધિકારીએ જણાવ્યું હતું કે એક ગ્રુપ જે નવજાતન શિશુને વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે તેની ખાતરી કરવા માટે તેઓએ નકલી ખરીદદાર ઊભો કર્યો હતો જેથી આરોપીઓને દબોચી શકાય. આ ગેંગને યુપીઆઈ દ્વારા વીસ હજાર રૂપિયા ટોકન મની તરીકે ચૂકવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. બાકીના 5.8 લાખ રૂપિયા રોકડમાં ચૂકવાયા હતા. પોલીસ દ્વારા જ એક નકલી ગ્રાહક ઊભો કરવામાં આવ્યો હતો. આ નકલી ગ્રાહકે ચેતવણી આપતાં જ પોલીસની એક ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સોદા માટે આવેલા તમામ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
Thane Crime: આરોપીઓની ઓળખ શંકર સંભાજી મનોહર (ઉંમર વર્ષ- 36), રેશ્મા શહાબુદ્દીન શેખ (ઉંમર વર્ષ-35), ઇગતપુરીના એજન્ટ નીતિન સંભાજી મનોહર (ઉંમર વર્ષ-33), શેખર ગણેશ જાધવ (ઉંમર વર્ષ-35) અને આસિફ ચંદ ખાન (ઉંમર વર્ષ-27) તરીકે થઈ છે. આ ઉપરાંત આ પાંચેય લોકોનો છઠ્ઠો સાથી કે જેની ઓળખ સબિના તરીકે થઈ છે, તે ફરાર છે અને પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે એમ માહિતી મળી છે. બદલાપુર (પશ્ચિમ) પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ આ બાબતે માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે, "આ ટોળકીએ નવજાતને છ લાખ રૂપિયામાં વેચવા માટે સોદો કર્યો હતો. અમને શંકા છે કે આ એક મોટા કૌભાંડનો ભાગ છે જેમાં નિઃસંતાન યુગલોને શિશુઓનું અપહરણ કરીને વેચવામાં આવતા હતા. અમે જે આ સાત દિવસનું નવજાત શિશુ મળ્યું છે તેના મૂળ માબાપ કોણ છે તેની તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હાલમાં બાળકને સ્પેશ્યલ કૅર હૉમમાં ખસેડવામાં આવ્યું છે. પોલીસ એ બાબતની પણ તપાસ કરી રહી છે કે શું હૉસ્પિટલો અથવા નર્સિંગ હૉમનું જ કોઈ નેટવર્ક આ તસ્કરોને નવજાત શિશુઓ મેળવી આપવામાં મદદ કરતું હતું કે કેમ."
આ સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે નોકરી આપવાની લાલચમાં આધાર અને પાનકાર્ડનો દુરુપયોગ કરતી ગેંગ (Thane Crime) પણ પકડાઈ છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે ૩૫ કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો માટે ઓળખ દસ્તાવેજોના કથિત દુરૂપયોગની તપાસ શરૂ કરી છે, એમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.