લૉકડાઉન ઉઠાવવા સામે ઠાકરેએ આપી ચેતવણી, લોકો મરવા લાગ્યા તો શું કરીશું?

26 July, 2020 11:31 AM IST  |  Mumbai Desk | Agencies

લૉકડાઉન ઉઠાવવા સામે ઠાકરેએ આપી ચેતવણી, લોકો મરવા લાગ્યા તો શું કરીશું?

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘આરોગ્ય અને અર્થતંત્રની બાબતોમાં સમતુલા જાળવવી જરૂરી જણાય છે, પરંતુ ફક્ત આર્થિક કારણોસર કોરોના વાઇરસના રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને પૂર્ણ રૂપે પાછું ખેંચવામાં નહીં આવે. લૉકડાઉન પૂર્ણ રૂપે ખોલવામાં આવશે એવું હું ક્યારેય નહીં કહું. પરંતુ મેં કેટલીક બાબતોને તબક્કાવાર રીતે ખોલવાનું શરૂ કર્યું છે, જે ક્ષેત્રોને ખોલવામાં આવ્યાં છે એમને ફરી બંધ કરવામાં નહીં આવે.’
શિવસેનાના મુખપત્ર ‘સામના’ના ગઈ કાલના અંકમાં પ્રકાશિત ઇન્ટરવ્યુમાં જણાવવામાં આવ્યું હતું કે ‘લૉકડાઉનનો હાલનો તબક્કો ૩૧ જુલાઈએ પૂરો થશે. રાજ્ય સરકારે ‘મિશન બિગિન અગેઇન’ હેઠળ વારાફરતી નિયંત્રણો હટાવવાની અને જુદા જુદા ક્ષેત્રોને ખોલવાની શરૂઆત કરી છે. રોગચાળા સામે વૈશ્વિક સ્તરે લડાઈ ચાલી રહી છે. જે દેશોએ રોગચાળો નાબૂદ થયો હોવાનું ધારીને લૉકડાઉન પાછું ખેંચી લીધું હતું, એ દેશોમાં ફરી બધી પ્રવૃત્તિઓ બંધ કરવાની નોબત આવી છે. ઑસ્ટ્રેલિયામાં રોગચાળો ડામવામાં લશ્કરની મદદ લેવાઈ રહી છે. ઘણા લોકો લૉકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. તેમના મત મુજબ લૉકડાઉનને કારણે અર્થતંત્ર પર વિપરીત અસર થાય છે. એવા લોકોને કહેવા માગું છું કે જો લૉકડાઉન હટાવી દીધું અને લોકો મરવા લાગ્યા તો એના માટે જવાબદાર કોણ?’
ઉપનગરીય ટ્રેન સેવા ફરી શરૂ કરવા બાબતે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘આખા પરિવારો માંદા પડે અને એમના ઘર સીલ કરવા પડે તો શું કરશો? એથી બધું વારાફરતી તબક્કાવાર રીતે કરવામાં આવશે. રોગચાળાને ડામવા માટે મુંબઈમાં લશ્કરને બોલાવવાની ક્યારેય જરૂર નહીં પડે, કારણકે મહાનગરપાલિકાના વહીવટી તંત્રે જમ્બો હૉસ્પિટલો સ્થાપવા સહિત અનેક વ્યવસ્થાઓ કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં રાખી છે. અમારી સરકારને છ મહિના પૂરા થયા. આ છ મહિનામાં કોરોના રોગચાળા અને વાવાઝોડા સહિતના પડકારોનો મુકાબલો કરીને સરકાર સ્થિર અને પ્રગતિશીલ છે. મને રાજકીય પડકારોની ચિંતા નથી, કારણકે રાજ્યના નાગરિકોને મારામાં વિશ્વાસ છે.’

mumbai mumbai news lockdown maharashtra uddhav thackeray