08 July, 2025 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
મરાઠીના મુદ્દે ઠાકરેબંધુઓનું મિલન થયું હોવાનું દર્શાવીને શનિવારે વરલી ડોમ ખાતે જોરદાર શક્તિ-પ્રદર્શન થયું હતું. એ પછી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બન્ને એક થઈને બન્ને પક્ષો શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વચ્ચે યુતિ થવાની સંભાવના કાર્યકરોમાં ફેલાઈ હતી અને તેઓ એ બદલ આશાવાદી દેખાઈ રહ્યા હતા. જોકે રાજ ઠાકરેએ તેમના પદાધિકારીઓ અને કાર્યકરોને બહુ સ્પષ્ટ આદેશ આપી દીધા છે કે યુતિ બાબતે કોઈએ કાંઈ બોલવું નહીં, બોલતાં પહેલાં મને પૂછવું.
એટલે રાજ ઠાકરેના મનમાં ચોક્કસ શું ચાલી રહ્યું છે એનો તાગ મળતો ન હોવાથી MNSના કાર્યકરો અસમંજસમાં છે પણ સાથે શિવસેના UBTના નેતાઓ અને કાર્યકરો પણ વિચારમાં પડી ગયા છે કે યુતિ થશે કે નહીં?
વિજય મેળાવડામાં રાજ ઠાકરેએ તેમના ભાષણને મરાઠી ભાષા અને મરાઠી માણૂસ પૂરતું સીમિત રાખ્યું હતું અને રાજ્ય સરકાર પર ટીકા કરવાનું ટાળ્યું હતું. જ્યારે ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકાર પર ટીકાની ઝડી વરસાવી હતી અને BMCની ચૂંટણીમાં અમને મત આપજો એવો રાગ આલાપ્યો હતો. આમ હવે આગળ જતાં યુતિ થશે કે નહીં એ વિશે હાલમાં પ્રશ્નાર્થ લાગી ગયો છે.