મહારાષ્ટ્રના ઇતિહાસમાં એમવીએ સૌથી ભ્રષ્ટ સરકાર : દેવેન્દ્ર ફડણવીસ

17 October, 2021 01:02 PM IST  |  Mumbai | Dharmendra Jore

એનો એકમાત્ર એજન્ડા ખંડણી વસૂલ કરવાનો છે એમ જણાવીને કહ્યું કે પોતાના પિતા બાળાસાહેબ ઠાકરેને આજીવન શિવસૈનિક રહીને દેશસેવા કરવાનું આપેલું વચન પણ તેમણે ભુલાવી દીધું છે

દેવેન્દ્ર ફડણવીસ

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર-નિયંત્રિત એજન્સીઓની મદદ લીધા વિના તેમની સરકાર તોડી પાડવાનો પડકાર ફેંક્યાના બીજા દિવસે વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે આવી ચૅલેન્જ આપતાં પહેલાં પોતે સરકાર ચલાવી પણ શકે છે કે નહીં એની ખાતરી કરવી જોઈએ.

બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર આક્ષેપ કરતાં શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારને રાજ્યના ઇતિહાસની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી હતી, જેનો એકમાત્ર એજન્ડા ખંડણી વસૂલ કરવાનો છે. મહાવિકાસ આઘાડી સરકાર બેઈમાનીથી સત્તા પર આવી હોવાનું જણાવીને તેમણે રાજ્યમાં બીજેપી પાર્ટી નંબર વન હોવાનો દાવો કર્યો હતો. શિવસેનાના અધ્યક્ષ બાળ ઠાકરેએ દશેરાની રૅલીમાં બીજેપી પર શાબ્દિક પ્રહાર કર્યાના બીજા દિવસે તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન બનવાના અભરખાને કારણે પક્ષના વરિષ્ઠ નેતાઓને પક્ષ છોડવાની ફરજ પડી હતી. પોતાના પિતા બાળાસાહેબ ઠાકરેને આજીવન શિવસૈનિક રહીને દેશસેવા કરવાનું આપેલું વચન પણ તેમણે ભુલાવી દીધું છે એમ કહીને દેવેન્દ્ર ફડણવીસે ઈડી અને સીબીઆઈ જેવી સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાના ઉદ્ધવ ઠાકરેના આક્ષેપનું ખંડન કરતાં કહ્યું હતું ‘આ એજન્સીઓ હાઈ કોર્ટના આદેશ પર કામ કરે છે. રાજ્યમાં દલાલી એ હદે પહોંચી છે વડા પ્રધાન મોદી ક્યારેય આ એજન્સીઓનો દુરુપયોગ નથી કરતા. બીજેપી ઉદ્ધવ ઠાકરેની સત્તાને તોડવા નથી માગતી, પરંતુ આઘાડી સરકારનો ક્યારે અંત આવશે એની તેમને ખબર પણ નહીં પડે.’

mumbai mumbai news devendra fadnavis uddhav thackeray