પરિવારનો ગુસ્સો પ્રેમિકા પર ઉતાર્યો

04 September, 2022 09:53 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ગયા શુક્રવારે નાયગાંવ રેલવે સ્ટેશન પાસેથી અંધેરીમાં રહેતી ૧૫ વર્ષની ગુજરાતી સ્ટુડન્ટનો મૃતદેહ સૂટકેસમાંથી મળી આવ્યો હતો : પોલીસે ગુજરાતના પાલનપુરથી પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી

સૂટકેસમાં જેનો મૃતદેહ મળ્યો હતો એ અંધેરીની વંશિકા રાઠોડ (વચ્ચે) મમ્મી સાથે

ગુજરાતી સ્કૂલ-ગર્લની ફૅમિલીએ મળવાની ના પાડતાં પ્રેમીએ તેની હત્યા કરી હતી : ગયા શુક્રવારે નાયગાંવ રેલવે સ્ટેશન પાસેથી અંધેરીમાં રહેતી ૧૫ વર્ષની ગુજરાતી સ્ટુડન્ટનો મૃતદેહ સૂટકેસમાંથી મળી આવ્યો હતો : પોલીસે ગુજરાતના પાલનપુરથી પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી

અંધેરીમાં રહેતી ૧૫ વર્ષની ગુજરાતી સ્ટુડન્ટનો મૃતદેહ ગયા શુક્રવારે નાયગાંવ રેલવે સ્ટેશન પાસેથી સૂટકેસમાંથી મળી આવ્યો હતો. કિશોરીના પેટમાં ચાકુના અસંખ્ય ઘા મારવામાં આવ્યા હતા. કિશોરીની ફૅમિલીએ તેના પ્રેમીને સંબંધ કાપી નાખવાની સાથે તેના સંપર્કમાં ન રહેવાની ધમકી આપી હોવાથી એનો બદલો લેવા માટે પ્રેમીએ કિશોરીને જુહુમાં આવેલા એક ઝૂંપડામાં બોલાવીને તેના પેટમાં ચાકુના ઉપરાઉપરી ઘા મારીને હત્યા કર્યા બાદ મૃતદેહને એક સૂટકેસમાં મૂકી દીધો હતો અને ટ્રેનમાં બેસીને સૂટકેસ નાયગાંવ રેલવે સ્ટેશન પાસે ફેંકી દીધી હતી. 
અંધેરીમાં રહેતી ૧૫ વર્ષની ગુજરાતી સ્ટુડન્ટ વંશિકા કનૈયાલાલ રાઠોડનો સૂટકેસમાં મૂકેલો મૃતદેહ ગયા શુક્રવારે નાયગાંવ રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. વંશિકા સ્કૂલે જવા નીકળ્યા બાદથી ગાયબ હતી એટલે તેના પરિવારજનોએ બધે શોધખોળ કરી હતી, પરંતુ ક્યાંય પત્તો ન લાગતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.
બીજા દિવસે બપોર બાદ સૂટકેસમાં એક કિશોરીનો મૃતદેહ નાયગાંવના નવા બાંધવામાં આવેલા ફ્લાયઓવર પાસેની ઝાડીમાં પડ્યો હોવાની જાણ વાલિવ પોલીસને કોઈકે કરતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો. કિશોરીના પેટમાં ચાકુના ઉપરાઉપરી ઘા મારીને ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું હતું. સૂટકેસમાં મૃતદેહની સાથે કેટલાંક કપડાં હતાં. પોલીસે મૃતક કિશોરીના ફોટો સાથે આસપાસનાં પોલીસ સ્ટેશનોમાં મિસિંગની ફરિયાદ નોંધાઈ હોય તો તેની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગણતરીના સમયમાં જ આ મૃતદેહ અંધેરીમાં રહેતી અને એક દિવસ પહેલાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયેલી વંશિકા રાઠોડનો હોવાનું જણાઈ આવ્યું હતું. 
વાલિવ પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંધેરીથી લઈને વિરાર સુધીનાં રેલવે સ્ટેશનોના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં જણાયું હતું કે બે યુવક અંધેરીથી લોકલ ટ્રેનમાં એક સૂટકેસ સાથે ચડ્યા હતા અને તેઓ વિરાર રેલવે સ્ટેશને ઊતર્યા હતા ત્યારે તેમની સાથે સૂટકેસ નહોતી. આથી પોલીસે વંશિકાના પરિવારજનો અને બીજાઓની પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો હતો કે નજીકમાં જ રહેતો સંતોષ મકવાણા પણ ગાયબ છે. પોલીસે સીસીટીવી કૅમેરામાં કૅપ્ચર કરેલી બે યુવકોની ઇમેજ બતાવતાં વંશિકાના પરિવારજનોએ તે સંતોષ જ હોવાનું કહ્યું હતું. તેની સાથે તેનો મિત્ર વિશાલ જ હોવાનું પણ બાદમાં સ્પષ્ટ થયું હતું.
પોલીસે બન્નેના કૉન્ટૅક્ટ-નંબર મેળવીને કૉલ કરતાં એ સ્વિચ્ડ-ઑફ આવતા હતા. હત્યાના આ મામલામાં આરોપીઓને પકડવા માટે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને વાલિવ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગી હતી. આરોપીઓ ગુજરાતના પાલનપુરમાં છુપાયા હોવાનું જણાતાં ગઈ કાલે તેમની ધરપકડ કરીને વાલિવમાં લાવવામાં આવ્યા હતા.
વાલિવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કૈલાશ બર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વંશિકા રાઠોડની હત્યા કરવાના આરોપસર ૨૧ વર્ષના સંતોષ મકવાણા અને ૨૧ વર્ષના વિશાલની ધરપકડ ગુજરાતમાં આવેલા પાલનપુરમાંથી કરી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે સંતોષ મકવાણા વંશિકાને ચાહતો હતો, પણ તેના પરિવારજનોને આ પસંદ ન હોવાથી તેને વંશિકાથી દૂર રહેવાનું તેમણે કહ્યું હતું. આ વાતનો બદલો લેવા માટે તેણે વંશિકાને કોઈક રીતે જુહુમાં આવેલા એક ઝૂંપડામાં બોલાવીને મિત્ર વિશાલની મદદથી તેના પેટમાં ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. બાદમાં તેના મૃતદેહને સૂટકેસમાં નાખીને લોકલ ટ્રેનમાં લઈ ગયા હતા. નાયગાંવ પાસે તેમણે સૂટકેસને ફેંકી દીધી હતી, જે પોલીસને હાથ લાગી હતી.’
વંશિકાની હત્યા કરવા પહેલાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું પોલીસને અત્યાર સુધીની તપાસ પરથી જાણવા મળ્યું છે. ગઈ કાલે વંશિકાની મમ્મી ભાવના રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને શુક્રવારે મઘરાત બાદ ત્રણ વાગ્યે પોલીસનો ફોન આવ્યો હતો કે વંશિકાના હત્યારા પકડાઈ ગયા છે, પણ પોલીસે અત્યારે અમને આવવાની ના પાડી છે. તેમણે કહ્યું કે અમે તમને જણાવીએ ત્યારે આરોપીઓની ઓળખ માટે આવજો. મારી દીકરીનો જીવ લેનારને ફાંસીની સજા મળવી જ જોઈએ.’

Mumbai Mumbai news Crime News mumbai crime news prakash bambhrolia