10 June, 2025 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિસળ, પરાંઠા અને છોલે-ભટૂરે
ટ્રેડિશનલ ફૂડ માટેની ટ્રાવેલ ઑનલાઇન ગાઇડ ટેસ્ટઍટલસે વિશ્વભરના નાસ્તાની વિવિધ ૫૦ વાનગીઓનાં વર્તમાન રૅન્કિંગ જાહેર કર્યાં છે, જેમાં ત્રણ ભારતીય નાસ્તાને સ્થાન મળ્યું છે. આ યાદીમાં મહારાષ્ટ્રિયન આઇટમ મિસળ અઢારમા ક્રમે, પરાંઠા ત્રેવીસમા ક્રમે અને છોલે-ભટૂરે બત્રીસમા ક્રમે છે. ટર્કિશ સંસ્કૃતિનું ભવ્ય ભોજન કહવલતી ટોચ પર છે.
મિસળ મહારાષ્ટ્રિયન ફૂડની સૌથી પ્રખ્યાત વાનગીઓમાંની એક છે. આ સ્વાદિષ્ટ વાનગીનું વર્ણન કરતી વખતે ટેસ્ટઍટલસે નોંધ્યું છે કે સાચા મિસળ માટે મસાલેદાર હોવું ફરજિયાત છે, જ્યારે એનો પાયો ક્રન્ચી હોવો જરૂરી છે. યાદીમાં સ્થાન મેળવનારી બીજી બે આઇટમો પરાંઠા અને છોલે-ભટૂરે પરંપરાગત રીતે ઉત્તર ભારતીય ભોજન સાથે સંકળાયેલાં છે. જોકે એ દેશના અન્ય ભાગોમાં પણ લોકપ્રિય છે અને તેમની પોતાની પ્રાદેશિક વિવિધતાઓ પણ છે. ટેસ્ટઍટલસે ઇન્સ્ટાગ્રામ પર ફક્ત ટોચના ૫૦ નાસ્તાનાં નામ જાહેર કર્યાં છે. એની વેબસાઇટ પરની યાદીમાં ૫૧થી ૧૦૦ સુધીની ક્રમાંકિત વાનગીઓનો પણ સમાવેશ થાય છે. અહીં નિહારી, શ્રીખંડ અને પાલક-પનીર સહિત વધુ ભારતીય વાનગીઓ દર્શાવવામાં આવી છે.