દિવાળીમાં જલસો : દુકાનો રાત્રે ૧૧ અને હોટેલો ૧૨ સુધી ખુલ્લી રહેશે

19 October, 2021 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાની અસર ઓછી થવાથી ૨૨ ઑક્ટોબરથી થિયેટરો અને નાટ્યગૃહોની સાથે અમ્યુઝમેન્ટ પાર્ક પણ ખોલવાનો નિર્ણય ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવામાં આવ્યો

ફાઈલ તસવીર

મુંબઈમાં કોરોનાની બીજી લહેરની અસર ઓછી થવાને પગલે આ વર્ષની દિવાળી મોટા ભાગે પ્રતિબંધમુક્ત રહેશે. રાજ્ય સરકારે કોવિડના નિયમોને હળવા કરવાનો ગઈ કાલે નિર્ણય લીધો હતો. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની કોરોના ટાસ્ક ફોર્સ સાથેની બેઠકમાં હોટેલો અને દુકાનોનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય ૨૨ ઑક્ટોબરથી રાજ્યભરનાં થિયેટરો અને નાટ્યગૃહોની સાથે અમ્યુઝમેન્ટ પાર્ક પણ શરૂ કરવામાં આવશે. દુકાનો અને હોટેલો માટેની નવી ગાઇડલાઇન્સ તૈયાર કરવાનો આદેશ મુખ્ય પ્રધાને અધિકારીઓને આપ્યો હતો. જોકે, આ બધા વચ્ચે ગઈ કાલે રાત્રે રાજ્યના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કહ્યું હતું કે શુક્રવારથી દુકાનોને રાત્રે ૧૧ વાગ્યા સુધી અને હોટેલોને રાત્રે ૧૨વાગ્યા સુધી ખુલ્લી રહેવાની પરવાનગી આપવામાં આવશે. જ્યારે જે હોટેલમાં ટેક અવે સુવિધા હશે એ હોટેલવાળા મઘરાત બાદ ૧ વાગ્યા સુધી છેલ્લો ઑર્ડર લઈ શકશે.

દિવાળી માથા પર છે અને કોરોનાની અસર ઓછી થઈ રહી હોવાથી લોકોને કેવી અને કેટલી રાહત આપી શકાય એ બાબતે ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટાસ્ક ફોર્સમાં સામેલ અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક મળી હતી. રાજ્યભરની હોટેલો અને દુકાનોના સમયમાં કેવી અને કેટલી છૂટછાટ આપવામાં આવશે એની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનારી ગાઇડલાઇનમાંથી મેળવી શકાશે. દિવાળીને માત્ર બે જ અઠવાડિયાં બાકી છે ત્યારે નિયંત્રણોમાં રાહત આપવાના સરકારના નિર્ણયથી આ વર્ષે દિવાળીની ઉજવણી પુરજોશમાં કરવા માટેનો માર્ગ ખૂલ્યો છે. આનાથી સામાન્ય લોકોથી માંડીને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી હોટેલો અને દુકાનોમાં ગ્રાહકોની સંખ્યા વધવાની સાથે વેપારમાં વધારો થવાની આશા બંધાઈ છે.

જોકે ટાસ્ક ફોર્સની બેઠકમાં આઠમા ધોરણથી નીચેના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ચાલુ કરવા બાબતે કોઈ ચર્ચા નહોતી કરાઈ. આથી લાગી રહ્યું છે કે દિવાળીના વેકેશન બાદ સરકાર એ સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લે એવી શક્યતા છે.

બાળકોના વૅક્સિનેશન માટે તૈયાર રહો

૧૨ વર્ષની નાની ઉંમરનાં બાળકોના વૅક્સિનેશન માટે કેન્દ્ર સરકારના સંપર્કમાં રહીને રસી ઉપલબ્ધ કરાવવાની સાથે આ બાબતે નિર્ણય થયા બાદ રસીકરણની તૈયારી રાખવાનું નિયોજન કરવાની સૂચના મુખ્ય પ્રધાને સાર્વજનિક આરોગ્ય વિભાગને આપી હતી.

માસ્ક અને સુરક્ષિત અંતર જરૂરી

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર ઓછી થઈ હોવા છતાં આ જીવલેણ વાઇરસનું જોખમ કાયમ છે. આથી નિયમિત માસ્ક પહેરવો અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે. લોકોએ આ બાબતે બેદરકાર ન રહેવું. આ માટે મોટા પ્રમાણમાં જનજાગૃતિ કરવાની સૂચના તેમણે આપી હતી. કોરોનાની સારવાર માટે દુનિયામાં નવા-નવા પ્રયોગ થઈ રહ્યા છે અને નવી દવાઓ બની રહી છે. આવી દવાઓ કેટલી ઉપયોગી છે, એની કિંમત અને એની ઉપલબ્ધતાની અત્યારથી જ માહિતી લઈને સંબંધિતો સાથે સંપર્કમાં રહેવાનું તેમણે બેઠકમાં હાજર અધિકારીઓ અને ટાસ્ક ફોર્સના ડૉક્ટરોને કહ્યું હતું.

coronavirus covid19 mumbai mumbai news