નોકરો અચાનક નવાં કપડાં અને મોંઘી ચીજો ખરીદવા માંડ્યા

06 April, 2026 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ જોઈને તાડદેવના ગુજરાતી વેપારીને શંકા ગઈ અને ઘરમાં થયેલી કરોડો રૂપિયાનાં ઘરેણાંની ચોરીનો પર્દાફાશ થયો

પ્રતીકાત્મક તસવીર

તાડદેવમાં સરદાર પાઉંભાજી નજીક આવેલી સોસાયટીમાં રહેતા તથા પ્રૉપર્ટી-કન્સલ્ટન્ટ તરીકે વ્યવસાય કરતા ૫૯ વર્ષના ગુજરાતી વેપારીના ઘરમાંથી આશરે ૧.૧૬ કરોડ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાંની ચોરી કરવાના આરોપસર તાડદેવ પોલીસે ગઈ કાલે ઘરના બે નોકર સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. લાંબા સમયથી વિશ્વાસપૂર્વક કામ કરતા આ બન્ને નોકરોએ અચાનક મોંઘી વસ્તુઓ ખરીદતાં તથા તેઓ નવાં કપડાંમાં દેખાતાં વેપારીને શંકા ગઈ હતી. ત્યાર બાદ બન્ને નોકરોની ગેરહાજરી દરમ્યાન તેમની વસ્તુમાંથી મળેલી બૅન્કની પાસબુક તપાસતાં તેમના ખાતામાં લાખો રૂપિયાની લેવડદેવડ થઈ હોવાનું જણાયું હતું અને એના આધારે તેઓ ઘરમાંથી ઘરેણાં ચોરતા હોવાનું જણાયું હતું. આ કેસમાં પોલીસે ચોરાયેલાં ઘરેણાં ખરીદનાર જ્વેલરની ભૂમિકા વિશે પણ તપાસ હાથ ધરી છે.

તાડદેવના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારી છેલ્લાં ઘણાં વર્ષોથી તાડદેવમાં રહે છે અને પરિવાર મોટો થતાં તેઓ બે વર્ષ પહેલાં નવા ફ્લૅટમાં રહેવા ચાલ્યા ગયા હતા. જૂના મકાનમાં ખાસ પ્રસંગે પહેરવા માટે સોના-ચાંદીનાં ઘરેણાં અને વાસણો કબાટમાં રાખ્યાં હતાં. નવેમ્બર ૨૦૨૫માં મોટા દીકરાનાં લગ્ન માટે વેપારી ઘરેણાં લેવા ગયા ત્યારે કબાટમાંથી ઘણાં ઘરેણાં ગાયબ હોવાનું જણાયું હતું. શરૂઆતમાં તો ઘરમાં જ અન્યત્ર મુકાયાં હશે એવી ધારણા હતી, પરંતુ બન્ને મકાનમાં ચેક કર્યા બાદ દાગીના ગુમ થયા હોવાની ખાતરી થઈ ગઈ હતી. એ દરમ્યાન ઘરના બન્ને નોકરો નવાં-નવાં બ્રૅન્ડેડ કપડાં અને મોંઘી વસ્તુઓની ખરીદી કરતા હતા એના પરથી વેપારીની શંકા વધુ મજબૂત બની હતી. એ પછી વેપારીએ ચાલાકીથી સીધેસીધો આરોપ લગાવતાં પહેલાં નોકરોની ઘરમાં રાખેલી સામગ્રી તેમની ગેરહાજરીમાં ચેક કરી હતી. એમાંથી બૅન્કની પાસબુક મળતાં એમાં લાખો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન થયાં હોવાનું જણાયું હતું. અંતે ઘરનોકરોની સંડોવણી હોવાનું જણાતાં પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’

તાડદેવના એક સિનિયર પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘આ મામલે ઘરના બે નોકર સહિત વર્ષો પહેલાં વેપારીની ઑફિસમાં કામ કરતા એક જણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બન્ને નોકરોએ ભેગા મળી દાગીના ચોર્યા હોવાની અને અગાઉ વેપારીની ઑફિસમાં કામ કરનાર માણસ મારફત ઘરેણાં વેચ્યાં હોવાની માહિતી મળી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

mumbai news mumbai tardeo gujarati community news mumbai crime news mumbai police