સાવરકરને સન્માનિત કરવાના મુદ્દે સત્તાધારી પક્ષના વલણથી આશ્ચર્ય

28 February, 2020 08:03 PM IST  |  Mumbai Desk

સાવરકરને સન્માનિત કરવાના મુદ્દે સત્તાધારી પક્ષના વલણથી આશ્ચર્ય

સાવરકરને સન્માનિત કરવાનો ઠરાવ વિધાનસભામાં નામંજૂર કરવાના સત્તાધારી પક્ષના વલણ તરફ આશ્ચર્ય વ્યક્ત કરતાં બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘શિવસેનાને આટલી અસહાય, લાચાર અને નબળી સ્થિતિમાં ક્યારેય જોઈ નથી. અમે શિવસેનાને પચીસ-ત્રીસ વર્ષોથી જોઈએ છીએ. એક સમયે સાવરકરના વિષયમાં કૉન્ગ્રેસના નેતા મણિશંકર ઐયર સામે વિરોધ કરનારા હિન્દુ હૃદયસમ્રાટ શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેને જોયા છે અને આજે સાવરકરને ‘માફી વીર’ અને ‘બળાત્કારી’ કહેનારા પક્ષની જોડે બેસવાની લાચારી સત્તાની ભૂખને કારણે શિવસેના ભોગવે છે.’

સાવરકરને સન્માનિત કરવાનો ઠરાવ શિવસેના ફગાવી દે એ રાજ્ય વિધાનસભાના ઇતિહાસનો શરમજનક અને દુખદ અનુભવ હતો. સાવરકરને ‘માફી વીર’ અને ‘બળાત્કારી’ કહેનારા કૉન્ગ્રેસના મૅગેઝિન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. અગાઉ બીજેપીના સુધીર મુનગંટીવારની સાવરકરને સન્માનિત કરવાની દરખાસ્ત સ્પીકર નાના પાટોલેએ નામંજૂર કરી હતી.

બીજેપી રાષ્ટ્રવાદના ઢોંગી રાજકારણની આડશમાં વીર સાવરકરનો ઉપયોગ કરે છેઃ શિવસેના

બીજેપીના નેતાઓ ઢોંગી રાષ્ટ્રવાદનું રાજકારણ ખેલવા માટે સ્વાતંત્ર્ય વીર સાવરકરના નામનો ઉપયોગ કરતા હોવાનો આરોપ શિવસેનાએ મૂક્યો હતો. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં બીજેપીનો સાવકરપ્રેમ બનાવટી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કેન્દ્રમાં બીજેપીની સરકાર વીર સાવરકરને ‘ભારત રત્ન’ના ઇલ્કાબથી હજી સુધી સન્માનિત કેમ કરી શકી નથી એવો સવાલ પણ શિવસેનાએ કર્યો હતો.

‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘બીજેપીના મહારાષ્ટ્રના નેતાઓ વીર સાવરકરને મુદ્દે શિવસેનાને ભીંસવાના ઉદ્દેશથી કાર્યરત છે. તેઓ એવી જાહેરાત પણ કરી ચૂક્યા હોવાથી બીજેપી માટે સાવરકર શ્રદ્ધા કે માનના વિષયને બદલે રાજકારણ ખેલવાનું રમકડું હોવાનું સ્પષ્ટ થાય છે. વીર સાવરકર ફક્ત ચર્ચાનો વિષય નથી. તેમના વિચારો અને આદર્શોને જીવનમાં અપનાવવાની જરૂર છે. સાવરકરનું જીવન ત્યાગ, સિદ્ધાંતો, ક્રાંતિ અને સંઘર્ષના પ્રતિકરૂપ છે. બુધવારે સાવરકરની પુણ્યતિથિ હતી. એ દિવસે સંઘર્ષવીર સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કર્યાનો દાવો કરનારાઓ ખરેખર તેમને સમજ્યા છે? સાવરકરને નામે શિવસેનાને ભીંસમાં મૂકવા થનગનતા બીજેપીના નેતાઓએ સમજવું જોઈએ કે જે લોકો પોતે ભીંસાયેલા હોય તે લોકોએ અન્યોને દબાવવાનો પ્રયત્ન કરવો ન જોઈએ.’
‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વીર સાવરકારને ‘ભારત રત્ન’નો ઇલ્કાબ આપવાની ભલામણનાં પત્રો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યાં હતાં, એનું શું થયું? એ મહારાષ્ટ્રનું અને વીર સાવરકરનું અપમાન છે. આંદામાનની સેલ્યુલર જેલમાંથી છૂટ્યા પછી તેમણે રત્નાગિરિમાં રહીને સમાજસેવાને જીવન સમર્પિત કર્યું હતું. ત્યાં મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક હેડગેવાર તેમને મળ્યા હતા. ગાંધીજીને અસ્પૃશ્યતા નિવારણ અને સ્વદેશીના પ્રચારમાં સાવરકરનો સહયોગ માગ્યો હતો. આઝાદીની ચળવળમાં સાવરકરનું ભારે યોગદાન હતું, પરંતુ એ ચળવળમાં બીજેપી કે સંઘ પરિવાર ક્યાં હતા? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રાષ્ટ્રધ્વજને માન્ય રાખ્યો નહોતો. જે લોકો રાષ્ટ્રધ્વજનું અપમાન કરે તેમને દેશદ્રોહી કહેવાય છે.’

mumbai mumbai news shiv sena devendra fadnavis