26 May, 2025 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલના સર્જ્યનની કોરોનાની ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેમને હૉસ્પિટલમાં જ આઇસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે. ડૉક્ટર હૉસ્પિટલના કૅમ્પસમાં જ રહે છે અને ફરજ બજાવે છે. તેમને કોરોનાનાં હળવાં લક્ષણો જણાઈ આવ્યાં હતાં. તેમણે હાલમાં કોઈ જગ્યાએ પ્રવાસ પણ કર્યો નથી.
કલવાની આ જ હૉસ્પિટલમાં શનિવારે મુમ્બ્રાના ૨૧ વર્ષના વાસિમ સૈયદનું કોરોનાને કારણે મોત થયું હતું. શુક્રવારે રાતે જ તેનો કોરોના પૉઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. હૉસ્પિટલના ડીન ડૉ. રાકેશ બારોટે કહ્યું હતું કે ‘શનિવારે અમારા એક સર્જ્યનનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમને આઇસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે. હવે હૉસ્પિટલના અન્ય ડૉક્ટરો જેઓ તેમના સંપર્કમાં આવ્યા હતા તેમનો પણ કોરોનાનો રિપોર્ટ કાઢવામાં આવશે.’
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં હાલ આઇસોલેશનની સુવિધા છે. એમ છતાં કોરોનાનો અલાયદો વૉર્ડ ઊભો કરવામાં આવ્યો છે અને ૧૯ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે.
35 મુંબઈમાં ગઈ કાલે નવા કેસ નોંધાયા
43 મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા નોંધાયેલા કેસ
209 મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા