મુંબઈમાં મારો તાળાં અને પધારો સુરતમાં

20 January, 2022 07:59 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈમાં પૉલિશ્ડ હીરાનું કામકાજ કરતા વેપારીઓને સુરત ડાયમન્ડ બુર્સે આપી ઑફર, મુંબઈમાં ધંધો બંધ કરો અને અહીં આવો : ભારત ડાયમન્ડ બુર્સ કહે છે, અમે અમારો ભાઈ જ માન્યો હતો, પણ એ ભારત-પાકિસ્તાન કરે છે

સુરત ડાયમન્ડ બુર્સ

સુરત ડાયમન્ડ બુર્સ દ્વારા મુંબઈમાં આવેલી હીરાબજાર (ભારત ડાયમન્ડ બુર્સ)ના વેપારીઓ સુરત શિફ્ટ થાય એ માટે વિવાદાસ્પદ સરક્યુલર બહાર પાડ્યો છે. જેમાં એણે મુંબઈના પૉલિશ્ડ હીરાનું કામકાજ કરતા વેપારીઓ મુંબઈનું તેમનું કામ બંધ કરીને સુરત ડાયમન્ડ બુર્સમાં આવે અને જો ત્યાંથી પૉલિશ્ડ ડાયમન્ડનું વેચાણ કરે તો તેમને ૬ મહિના સુધી મેઇન્ટેનન્સ ફ્રી આપવાની તેમ જ સુરત ડાયમન્ડ બુર્સના રિસેપ્શન એરિયામાં બોર્ડ પણ લાગશે અને તેમનું નામ અગ્રણી સભાસદોની યાદીમાં લખવાની ઑફર પણ આપી છે. વળી એ બોર્ડ લાઇફ ટાઇમ એ રિસેપ્શન એરિયામાં રાખવામાં આવશે. આમ હવે સુરત ડાયમન્ડ બુર્સે આક્રમક બનવાનું શરૂ કરી દીધું છે. સામા પક્ષે બીડીબીના નામે ઓળખાતા ભારત ડાયમન્ડ બુર્સનું કહેવું છે કે ‘અમે તો તેમને પહેલાં અમારો ભાઈ જ માન્યો હતો, પણ હવે એ ભારત-પાકિસ્તાન કરે છે. તેમનું આ પગલું વેપારીને શોભે એવું નથી.’
આ બાબતે ‘મિડ-ડે’એ સુરત ડાયમન્ડ બુર્સના પ્રમુખ વલ્લભભાઈ લાખાણીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ મારો એકલાનો નહીં પણ કમિટીનો નિર્ણય છે. કમિટી દ્વારા આવી ઑફર આપવામાં આવતી હોય છે. હું એમાં બહુ માથું મારતો નથી. બાકી સુરત ડાયમન્ડ બુર્સની સ્થાપના કરવાની હતી ત્યારે વેપારીઓએ મને સુરત આવવા અને આગેવાની લેવા કહ્યું ત્યારે ૨૦૧૪માં જ મેં મારા પૂરતી જાહેરાત કરી હતી કે સુરત ડાયમન્ડ બુર્સ ચાલુ થશે ત્યારે હું મુંબઈ છોડીને સુરત આવી જઈશ. જોકે એ જાહેરાત મારા પૂરતી જ હતી.’
આ બાબતે ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)ના ટ્રેઝરર અનુપ ઝવેરીએ સુરત ડાયમન્ડ બુર્સના સરક્યુલર વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ જરાય વાજબી નથી. વ્યાપારી માણસ આવું કરે નહીં. આવું તો ઝઘડાળુ વ્યક્તિ જ કરી શકે. તેમનું વર્તન વેપારીને શોભે એવું નથી.’

એસડીબીની ઑફરનો પત્ર

અહીંના વેપારીઓને રોકવા માટે આપણે કોઈ ઑફર કરવાના છીએ કે કોઈ સવલત આપવાના છીએ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે કોઈને રોકવાના નથી. જેમને અહીં ફાવે તેઓ અહીં કામ કરે અને જેમને ત્યાં ફાવે તેઓ ત્યાં કામ કરે. લોકો આખી દુનિયામાં અલગ-અલગ જગ્યાએ કામ કરે જ છે. અત્યાર સુધી અમે તો સુરત ડાયમન્ડ બુર્સને અમારો ભાઈ જ માનતા હતા કે ચાલો, અહીં પણ કામ થશે અને ત્યાં પણ કામ થશે. પણ હવે એ લોકો ભારત-પાકિસ્તાન કરી રહ્યા છે.’
આ મુદ્દા પર બીડીબી કોઈ ઍક્શન લેવાનું વિચારી રહી છે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે વેપારી છીએ. આપણે વેપાર પર ધ્યાન આપવાનું હોય, ઝઘડામાં નહીં.’
સુરત ડાયમન્ડ બુર્સને મુંબઈમાં પૉલિશ્ડ હીરા વેપારીઓ વેચે એની સામે વાંધો છે, પણ એણે પોતાના સરક્યુલરમાં એવી સ્પષ્ટતા પણ કરી છે કે મુંબઈ કે બીજી કોઈ પણ જગ્યાએથી સભાસદ ખરીદી કરે તો એમાં બુર્સને કોઈ વાંધો નથી.
શિવસેનાનું શું કહેવું છે?
આ બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પ્રસિદ્ધિ સલાહકાર અને શિવેસેનાના મિડિયા ઇનચાર્જ હર્ષલ પ્રધાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે રીતે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી બનાવવામાં આવી છે એવી જ રીતે ડાયમન્ડ માર્કેટને પણ ગુજરાતમાં લઈ જવાનો આ પ્રકાર છે, પણ વેપારીઓએ જરાય ગભરાવાની કે તેમની વાતમાં આવવાની જરૂર નથી. નરેન્દ્ર મોદી એક નિષ્ફળ વડા પ્રધાન છે. તેમના રાજમાં મોંઘવારી, બેરોજગારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. તેમણે આમઆદમીને કોઈ રાહત નથી આપી. ભલે તેઓ દેશના વડા પ્રધાન હોય, પણ આજે પણ તેમનું લક્ષ્ય ગુજરાત છે એ આ કૃત્ય પરથી સિદ્ધ થાય છે. જેમ અચ્છે દિન ગાજર હતું એ જ રીતે સુરત ડાયમન્ડ બુર્સવાળા જે કહી રહ્યાં છે એ પણ એક ગાજર જ છે. લોકોએ તેમની વાતમાં આવવાની જરાય જરૂર નથી.’

mumbai mumbai news bandra surat bakulesh trivedi