આ કૉન્સ્ટેબલ છે મૃતકો માટે મસીહા

12 May, 2021 07:56 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા સૂરજ ગલાન્ડેએ અત્યાર સુધીમાં ૯૦૦થી વધારે મૃતદેહોનાં પોર્સ્ટમૉર્ટમ કરાવ્યાં છે. એટલું જ નહીં, અમુક લાવારિસ ડેડ બૉડીની અંતિમક્રિયા પણ તેઓ પોતે જ કરી નાખે છે

નાલાસોપારાના તુલિંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલો કૉન્સ્ટેબલ સૂરજ ગલાન્ડે.

નાલાસોપારાના તુલિંજ પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે કામ કરતો ૨૭ વર્ષનો સૂરજ ગલાન્ડે છેલ્લાં આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. છેલ્લાં બે વર્ષથી વધુ સમય દરમિયાન તેણે ૯૦૦થી વધુ ડેડ-બૉડીનાં પોસ્ટમૉર્ટમ કરાવ્યાં છે. એક પોસ્ટમૉર્ટમ કરવા માટે ૩ કલાકની ઉપરનો સમય જતો રહે છે. એમ છતાં એકેલે હાથે તે આ કામ કરે છે. સરકારી હૉસ્પિટલમાં આખો દિવસ મૃતદેહની વચ્ચે રહેવા તેણે પોતાનું મનોબળ ખૂબ મજબૂત રાખવું પડે છે. પરિવાર પહેલાં પોતાની ફરજને પ્રાધાન્ય આપીને તે ડ્યુટી નિભાવી રહ્યો છે. કોરોનાકાળમાં પોલીસ વિભાગ રાજ્ય સરકારે લાદેલા પ્રતિબંધોની અમલબજાવણી કરવા સુરક્ષાવ્યવસ્થામાં વ્યસ્ત છે ત્યારે આ કૉન્સ્ટેબલ પોસ્ટમૉર્ટમનું કામ પણ કરી રહ્યો છે. ૩૫ જેટલી લાવારિસ ડેડ-બૉડીના અંતિમ સંસ્કાર તેણે કર્યા છે.    

કૉન્સ્ટેબલ સૂરજ ગલાન્ડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરૂઆતમાં પોસ્ટમૉર્ટમ કરવા જવા પહેલાં ભયનો અનુભવ થતો હતો, પરંતુ છેલ્લા થોડા સમયથી આ કામ કરી રહ્યો હોવાથી હવે બધું રેગ્યુલર લાગે છે. ગઈ કાલે જ બે ડેડ-બૉડીનાં મેં પોસ્ટમૉર્ટમ કરાવ્યાં હતાં. લાવારિસ ડેડ-બૉડી, મર્ડર, આત્મહત્યા જેવા અનેક કેસની ડેડ-બૉડીના પેપરવર્ક સાથે પોસ્ટમૉર્ટમ કરીને સંબં​ધીઓને આપવાનું અથવા કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચાડવાનું કામ હોય છે. ડેથ-સર્ટિફિકેટથી લઈને અનેક નાની બાબતો માટે લોકો મારો સંપર્ક કરતા હોય છે .એ તમામ મદદ હું તેમને કરી આપું છું. અમુક દિવસે તો એકસાથે પાંચથી ૭ સાત ડેડ-બૉડીનાં પોસ્ટમૉર્ટમ કરવાં પડે છે અને એમાં દિવસ-રાતનો સમય લાગી જતો હોય છે. એકસાથે વધુ પોસ્ટમૉર્ટમ કરાવવામાં ખૂબ મુશ્કેલ આવતી હોય છે, પરંતુ આ કામને હું ધર્મનું કામ માનું છું. પોલીસ વિભાગમાં આવીને લોકોની સેવા કરીએ એ સર્વોપરી ધર્મ છે અને એનાથી મને ખૂબ શાંતિ પણ મળે છે.’

અનેક કેસમાં સંબંધીઓ પણ પોસ્ટમૉર્ટમમાં રહેતા નથી એમ જણાવતાં સૂરજ ગલાન્ડેએ કહ્યું હતું કે ‘ટીબી, આગથી મરી જતા, એચઆઇવી, ઍક્સિડન્ટ, મર્ડર વગેરેમાં અનેક એવા કેસ પણ છે જ્યાં ડેડ-બૉડીના સંબંધીઓ પોસ્ટમૉર્ટમ વખતે જોવા પણ આવતા નથી. એટલે હું એકલો જ પોસ્ટમૉર્ટમ કરાવી લેતો હોઉં છું. ક્યારેક તો બેથી ત્રણ દિવસ પહેલાંની ડેડ-બૉડી હોય છે જેમાંથી ખૂબ દુર્ગંધ આવતી હોય છે. આવા કેસોમાં પરિવારજનો પણ આગળ આવતા નથી. લાવારિસ ડેડ-બૉડીને એક અઠવાડિયા સુધી રાખવી પડે છે. એના કોઈ વારિસ ન મળે તો અંતિમ સંસ્કાર પણ હું જ કરું છું. મારા સિનિયર અધિકારીઓની મદદથી હું આ કામ કરી શકું છું.’

mumbai mumbai news maharashtra preeti khuman-thakur coronavirus covid19 covid vaccine