બારામતીમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીનું શક્તિપ્રદર્શન: નણંદ-ભાભીએ એક જ દિવસે ઉમેદવારી નોંધાવી

19 April, 2024 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બારામતીમાં સુપ્રિયા સુળેએ ચોથી વખત તો તેમનાં ભાભી અને અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારે ગઈ કાલે ઉમેદવારી નોંધાવી

નણંદ-ભાભીએ એક જ દિવસે ઉમેદવારી નોંધાવી

લોકસભાની હૉટેસ્ટ બેઠક બારામતીમાં સુપ્રિયા સુળેએ ચોથી વખત તો તેમનાં ભાભી અને અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારે ગઈ કાલે ઉમેદવારી નોંધાવી ત્યારે બન્ને પક્ષો દ્વારા જુદી-જુદી જગ્યાએ સભાઓ યોજીને શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. સત્તાધારી પક્ષોની મહાયુતિ તરફથી આયોજિત કરવામાં આવેલી જાહેર સભામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બીજા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સુપ્રિયા સુળેએ ઉમેદવારીનું ફૉર્મ ભર્યું ત્યારે વિરોધ પક્ષોની મહાવિકાસ આઘાડીની સભા પણ પુણેમાં જ યોજવામાં આવી હતી જેમાં શરદ પવાર, કૉન્ગ્રેસના બાળાસાહેબ થોરાત અને વિશ્વ​જિત કદમ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

મહાયુતિના ઉમેદવાર તરીકે સુનેત્રા પવારે ઉમેદવારી ફૉર્મ ભર્યું એની સાથે અજિત પવારે પણ અલગથી ઉમેદવારી ફૉર્મ ભર્યું હતું. ફૉર્મની ચકાસણીમાં કોઈ મુશ્કેલી ઊભી થાય અને સુનેત્રા પવારની ઉમેદવારી રદ કરવામાં આવે તો તેમની જગ્યાએ અજિત પવાર ચૂંટણી લડી શકે એને ધ્યાનમાં રાખીને આ બૅકઅપ-પ્લાન કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

સુપ્રિયા પર ભાભી-ભત્રીજાનું પંચાવન લાખનું દેણું

શરદ પવારનાં પુત્રી અને ત્રણ વખતનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ ઉમેદવારી ફૉર્મની સાથે નોંધાવેલા સોગંદનામામાં જાહેર કર્યું છે કે તેમની પાસે ૧૪૨ કરોડ રૂપિયાની કુલ સંપત્ત‌િ છે. તેમના પર ભાઈ અજિત પવારના પુત્ર પાર્થ પવારનું ૨૦ લાખ રૂપિયા અને જેમની સામે તેઓ ચૂંટણી લડી રહ્યાં છે એ સુનેત્રા પવારનું ૩૫ લાખ રૂપિયાનું કર્જ છે. 

supriya sule ajit pawar nationalist congress party baramati Lok Sabha Election 2024 maharashtra maharashtra news