22 March, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રોજેક્ટ માટે કાપવામાં આવનારાં મૅન્ગ્રોવ્ઝની સામે ત્રણગણાં મૅન્ગ્રોવ્ઝ રોપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ૧૮,૨૬૩ કરોડ રૂપિયાના વર્સોવા-ભાઈંદર કોસ્ટલ રોડ પ્રોજેક્ટની આડે આવતાં લગભગ ૪૬,૦૦૦ મૅન્ગ્રોવ્ઝ કાપવાની મંજૂરી આપી છે. જોકે સાથે જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને ૧૦ વર્ષ પહેલાં અથવા સાથે-સાથે જ એ કપાયેલાં મૅન્ગ્રોવ્ઝ સામે કરવામાં આવનારા વનીકરણની સ્થિતિ પર વાર્ષિક ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાના બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પ્રોજેક્ટને મંજૂરી આપવાના હાઈ કોર્ટના ૧૨ ડિસેમ્બરના આદેશ સામે અપીલ દાખલ કરવાનો ઇનકાર કરતાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે કહ્યું હતું કે ‘પ્રોજેક્ટના જાહેર લાભ વિશે કોઈ શંકા નથી. એનાથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભીડ ઓછી થશે. આ કોસ્ટલ રોડનું બાંધકામ મુંબઈના રહેવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પર્યાવરણ અને સંરક્ષણની પદ્ધતિઓ સાથે ચેડાં ન થાય એ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ હોવા છતાં આપણે દરેક વિકાસલક્ષી પ્રોજેક્ટને રોકી શકતા નથી.’
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે આગામી ૧૦ વર્ષ માટે હાઈ કોર્ટના નિર્દેશ મુજબ વાર્ષિક ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવામાં આવશે જેથી એ કપાયેલાં મૅન્ગ્રોવ્ઝ સામે રોપવામાં આવેલાં મૅન્ગ્રોવ્ઝનો વિકાસ અને માવજત લેવાઈ રહી છે એ બાબતે ખાતરી થઈ શકે. તાડોબા અનામત જંગલની નજીક અને પ્રોજેક્ટ-સ્થળથી ૧૦ કિલોમીટર દૂર મૅન્ગ્રોવ્ઝનું ફરી વાવેતર કરવામાં આવશે.
ચમકારા
પ્રોજેક્ટ માટે ૪૫,૬૭૫ મૅન્ગ્રોવ્ઝ કાપવાં પડશે.
કુલ ૧૦૪ હેક્ટરના આ પ્રોજેક્ટમાં ૮૪.૨ હેક્ટરને અસર થશે.
વળતર તરીકે સામે ૧,૩૭,૦૨૫ મૅન્ગ્રોવ્ઝ રોપવામાં આવશે
ભાઈંદરમાં ૩૦ હેક્ટરમાં નવાં મૅન્ગ્રોવ્ઝ રોપવામાં આવશે
એ સિવાય ચંદ્રપુરના તાડોબા પાસે ૧૦૩ હેક્ટરમાં ઝાડ રોપવામાં આવશે.
સ્ટેટ મૅન્ગ્રોવ્ઝ સેલ ૬૮ હેક્ટરમાં ૩૬,૯૨૫ મૅન્ગ્રોવ્ઝ રોપશે.