સીએસના સ્ટુડન્ટે સી-લિન્ક પરથી લગાવી મોતની છલાંગ

13 July, 2019 12:40 PM IST  |  મુંબઈ | જયદીપ ગણાત્રા

સીએસના સ્ટુડન્ટે સી-લિન્ક પરથી લગાવી મોતની છલાંગ

સીલિન્ક

મુલુંડમાં રહીને સીએસનું ભણી રહેલા ૨૪ વર્ષના કચ્છી યુવકે બાંદરા-વરલી સી લિન્ક પરથી દરિયામાં પડતું મૂકીને આત્મહત્યા કર્યાની ચોંકાવનારી ઘટના શુક્રવારે બની હતી. ટૅક્સીમાં જઈ રહેલા યુવકે સામાન ભૂલી ગયો હોવાનું કહી ટૅક્સી પાછી વાળવાનું કહ્યા બાદ અચાનક સી લિન્કની રેલિંગ પર ચડીને મોતની છલાંગ લગાવી હતી. યુવકને શોધવા માટે કોસ્ટગાર્ડના હેલિકૉપ્ટરથી મોડી સાંજ સુધી પ્રયાસ થયા હતા, પણ ત્યાર બાદ અંધારું થતાં શોધખોળ મુલતવી રખાઈ હતી. વરલી પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. ટૅક્સીમાંથી મળેલાં પર્સ અને મોબાઇલના આધારે કૂદકો મારનાર યુવકની ઓળખ થઈ હતી. બે દિવસ પહેલાં સીએસ ભણી રહેલો યુવક એક સીએ ફર્મમાં નોકરી પર લાગ્યો હતો.

પોલીસે જણાવ્યા મુજબ મુલુંડમાં મસિયાઈ ભાઈ સાથે હૉસ્ટેલમાં રહીને સીએસનું ભણી રહેલા ૨૪ વર્ષના પાર્થ સોમાણીએ શુક્રવારે બપોરે બાંદરાથી વરલી જવા માટે ટૅક્સી પકડી હતી. બાંદરા-વરલી સી લિન્ક પૂરો થયા બાદ ટૅક્સીવાળાને તેણે સામાન ભૂલી ગયો હોવાનું કહીને ટૅક્સી વાળવાનું કહ્યું હતું. ટૅક્સી જ્યારે પાછી ફરી રહી હતી ત્યારે સી લિન્ક પર થોડો ટ્રાફિક હોવાને કારણે ટૅક્સી ધીમી ચાલી રહી હતી એ વખતે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાનું કહીને પાર્થ ટૅક્સીમાંથી બહાર આવ્યો હતો અને તેણે સીધી દરિયામાં છલાંગ મારી દીધી હતી.

પાર્થની ઓળખ કઈ રીતે થઈ એ વિશે વરલીના સિનિયર ઇન્સ્પેક્ટર સુખલાલ વર્પેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાર્થ સોમાણી જે ટૅક્સીમાં સી લિન્ક પર ગયો હતો એનો નંબર સીસીટીવી કૅમેરાની મદદથી મેળવીને અમે ટૅક્સીવાળાને શોધી કાઢ્યો હતો. ટૅક્સીમાંથી અમને પાર્થનું પર્સ અને મોબાઇલ હાથ લાગ્યાં હતાં જેના આધારે સી લિન્ક પરથી દરિયામાં કૂદકો મારનાર યુવક પાર્થ હોવાની જાણ થઈ હતી. અમે તેના માસિયાઈ ભાઈનો સંપર્ક કરીને કચ્છમાં રહેતાં માતા-પિતાને બનાવની જાણ કરી છે. પાર્થ ત્રણ વર્ષ પહેલાં સીએસનું ભણવા મુંબઈ આવ્યો હતો. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને પાર્થે શા માટે આવું પગલું ભર્યું એની તપાસ કરી રહ્યા છીએ.’

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

દરિયામાં છલાંગ લગાવનાર પાર્થને શોધવા કોસ્ટગાર્ડના હેલિકૉપ્ટર દ્વારા પ્રયત્ન હાથ ધરાયા હતા. દરિયામાં ઓટ હોવાથી પાર્થને શોધવો મુશ્કેલ કામ નથી, એવું મરીન રિસર્ચ ઍન્ડ રેસ્ક્યુ સેન્ટરના કમાન્ડર ટી. આશિષે જણાવ્યું હતું. જોકે મોડી સાંજ સુધી પાર્થને શોધવામાં સફળતા નહોતી મળી. અંધારું થઈ ગયું હોવાને કારણે શોધખોળનું કાર્ય થંભાવી દેવામાં આવ્યું હોવાથી આજે ફરી શોધખોળ આગળ ધપશે.’ 

mumbai sea link