અભૂતપૂર્વ અસમંજસ

06 August, 2021 08:38 AM IST  |  Mumbai | Rohit Parikh

સીઈટીની એક્ઝામનાં પેપરો કેવાં હશે અને કેવી રીતે લેવાશે તથા એના પરિણામની તેમના ઍડ્‍‍મિશન પર કેવી અસર પડશે એની મૂંઝવણમાં છે સ્ટુડન્ટ્સ. આજે કોર્ટમાં અંતિમ સુનાવણી

અભૂતપૂર્વ અસમંજસ

રોહિત પરીખ
rohit.parikh@mid-day.com    
મુંબઈ : આ વર્ષમાં દસમા ધોરણના રિઝલ્ટ પછી એસએસસી, સીબીએસઈ કે આઇસીએસઈ બોર્ડના સ્ટુડન્ટ્સ સારા માર્કથી ઉત્તીર્ણ થયા પછી પણ મહારાષ્ટ્રમાં સીઈટીની એક્ઝામનાં પેપર કેવાં હશે અને એક્ઝામ કેવી રીતે લેવાશે અને એના પરિણામની તેમના ઍડ્‍‍મિશન પર કેવી અસર પડશે એની મૂંઝવણમાં બધા છે. 
આ સંજોગોમાં સીઈટી એક્ઝામનો મામલો અત્યારે કોર્ટમાં છે જેનો ફેંસલો આજે આવશે એમ લાગે છે. જોકે બુધવારે મહારાષ્ટ્રના ઍડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ કોર્ટમાં કહ્યું હતું કે ‘સીબીએસઈ, આઇસીએસઈ અને આઇજીસીએસઈ એજ્યુકેશન બોર્ડ તેમના ક્વેશ્ચનો મહારાષ્ટ્ર બોર્ડને મોકલી શકે છે. સીઈટીમાં ૨૫ માર્કનાં સાત ગ્રુપનાં પેપર્સ હશે. એમાંથી મૅથ્સ, સાયન્સ, સોશ્યલ સાયન્સ અને ઇંગ્લિશ એમ ચાર ગ્રુપનાં ક્વેશ્ચન પેપર એસએસસી બોર્ડના આધારે હશે. બાકીનાં ત્રણ ગ્રુપનાં પેપર બીજા બોર્ડના અભ્યાસક્રમના આધારે રાખવામાં આવશે. દરેક વિદ્યાર્થીએ આ સાત ગ્રુપમાંથી કોઈ પણ ચાર ગ્રુપનાં પેપર સૉલ્વ કરવાનાં રહેશે. રાજ્ય સરકારે અન્ય બોર્ડને તેમના તરફથી ૨૦૦ સૅમ્પલ ક્વેશ્ચન આપવાનું કહ્યું છે જેથી સ્ટેટ બોર્ડ એના આધારે સીઈટીનાં ક્વેશ્ચન પેપર તૈયાર કરશે.’ 
મહારાષ્ટ્રના ઍ્ડવોકેટ જનરલની સીઈટીના ક્વેશ્ચન પેપરની થિયરીની સામે પ્રત્યાઘાત આપતાં બોરીવલીના આઇસીએસઈ બોર્ડની સ્ટુડન્ટ ધ્વનિ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં બે વર્ષ પહેલાં જ સાયન્સ વિષય ડ્રૉપ કરી દીધો હતો. મારા માટે હવે સાયન્સ વિષયનો અભ્યાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. તદુપરાંત મારે અન્ય વિષયોનો પણ અભ્યાસ કરવો પડશે, કારણ કે હવે મારે એસએસસી બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે સીઈટીની એક્ઝામ આપવી પડશે. દોઢ વર્ષના એસએસસી બોર્ડના અભ્યાસક્રમને ફક્ત ૨૦ દિવસમાં પૂરો કરવો અત્યંત મુશ્કેલ અને તનાવપૂર્ણ બની રહેશે.’
આવો જ અભિપ્રાય આપતાં બોરીવલીની આઇસીએસઈ બોર્ડની મિષ્ટી કેયૂર સલોતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં નવમા ધોરણમાં જ ગણિત અને સાયન્સ અથવા તો ગણિત અને અર્થશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર-કૉમર્સના વિકલ્પમાંથી સાયન્સ છોડીને અર્થશાસ્ત્ર-ગણિત વિષયો પસંદ કર્યા હતા. બે વર્ષથી સાયન્સનો અભ્યાસ કર્યો જ નથી. અચાનક મારે સીઈટીની પરીક્ષામાં હવે સાયન્સની પરીક્ષા આપવી પડે તો પહેલા જ ઝાટકે હું ૨૫ માર્ક સાયન્સની પરીક્ષાના ગુમાવી દઈશ જે પેપરના એક-ચતુર્થાંશ છે. મેં ટેન્થમાં ૯૮.૪ ટકા માર્ક મેળવ્યા છે, પરંતુ એનો કોઈ ફાયદો મને એન્ટ્રન્સ એક્ઝામમાં જોવા નહીં મળે. હવે ફક્ત ૨૦ દિવસમાં એસએસસી બોર્ડના અભ્યાસક્રમનો અભ્યાસ કરવો શક્ય નથી. બાકીના ત્રણ વિષયનો અભ્યાસક્રમ પણ અલગ છે. મને ખબર નથી પડતી કે હવે શું કરવું? એક્ઝામ પહેલાં જ હું તો ટેન્શનમાં આવી ગઈ છું. કોઈ મને માર્ગદર્શન આપશે કે હવે મારે શું કરવું જોઈએ? હકારાત્મક પ્રતિભાવની રાહ જોઈ 
રહી છું.’ 
મહારાષ્ટ્ર રાજ્યે કોર્ટમાં જે રીતે સીઈટી એક્ઝામનાં પેપરો માટે સૂચનો કર્યાં છે એ રીતે જો પરીક્ષાનાં પેપરો તૈયાર થશે તો હું એના માટે તૈયાર છું એમ જણાવીને કુર્લાના સ્વયમ ધરોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એસએસસી બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે જો સીઈટીનાં પેપરો નીકળશે તો મને કોઈ મૂંઝવણ નથી, પરંતુ અત્યારે રાજ્ય સરકારના ઍડ્વોકેટ જનરલે મૅથ્સ, સાયન્સ, સોશ્યલ સાયન્સ અને ઇંગ્લિશનાં પેપરો એસએસીસી બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે તેમ જ બાકીના વિષયોનાં પેપરો અન્ય બોર્ડ પ્રમાણે નીકળશે એમ કહ્યું છે. જો આનાથી રિવર્ટ નિર્ણય લેવામાં આવે તો એસએસસી બોર્ડના મારા જેવા અનેક વિદ્યાર્થીઓનું ટેન્શન વધી જશે. બીજું, સીઈટીની એક્ઝામ સમયસર પૂરી થવી જોઈએ તેમ જ એનું પરિણામ પણ સમયસર આવવું જોઈએ. એ નિર્ણય પણ કોર્ટમાં લેવો જોઈએ જેથી અમારી ઇલેવન્થની સ્ટડી પર એની અસર ન થાય.’
મને તો લાગે છે કે પૅટર્ન કે અભ્યાસક્રમ ગમે એ હોય, એનાથી સીઈટીની એક્ઝામ આપનારા કોઈ સ્ટુડન્ટને કોઈ અસર થવી ન જોઈએ એમ જણાવતાં એસએસસી બોર્ડની ઘાટકોપરની સ્નેહા પ્રવીણ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બધા જ બોર્ડ વચ્ચે માત્ર તફાવત લેબલનો છે. મને તો વ્યક્તિગત લાગે છે કે દરેક બોર્ડ આપણને સમાન ગણિતનાં સમીકરણો અને સમાન રીતે સાયન્સના સિદ્ધાંતો શીખવાડે છે, કારણ કે સાર્વત્રિક એ સમાન છે. ફક્ત શિક્ષણની પદ્ધતિ અને અભ્યાસક્રમમાં મોટો તફાવત છે. એને ભણવામાં આવી કોઈ ગંભીર મુશ્કેલી કે મૂંઝવણ ન હોવી જોઈએ. સરકારની નવી જાહેરાતની કે નમૂનાનાં પેપરોની થોડી અસર પણ સ્ટુડન્ટ્સ પર ન થવી જોઈએ. સૌએ એને સકારત્મક રીતે લેવું જોઈએ. એનાથી સીઈટીની એક્ઝામનું ટેન્શન નહીં આવે. સીઈટી આપણા નૉલેજ અને આપણી સમજણની પરીક્ષા છે. મને એવું લાગતું નથી કે એમાં ગભરાવા જેવું કાંઈ હોય.’   
જો અભ્યાસક્રમ બીજા બોર્ડનો આવવાનો હોય એનો વાંધો નથી, પણ અમને આ બાબતનું સરકાર તરફથી કે એજ્યુકેશન બોર્ડ તરફથી માર્ગદર્શન મળવું જોઈએ એમ જણાવીને એસએસસી બોર્ડમાં ૯૦ ટકા માર્ક્સ સાથે પાસ થયેલી ઉર્વશી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એસએસીસી બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે સીઈટીની એક્ઝામની ફુલ તૈયારી છે. એની સાથે બીજા બોર્ડના અભ્યાસક્રમનાં પેપરો આવે એનો વિરોધ નથી, પરંતુ એના માટે અમને માર્ગદર્શન મળી શકે કે અમે લઈએ એટલો અમને સમય મળવો જોઈએ. અત્યારે બીજા બોર્ડની ફૉર્મ્યુલા, કન્સેપ્ટ કે મેથડની પ્રૅક્ટિસ કરવાનો અમારી પાસે સમય નથી. અમારા ગ્રુપમાંથી કોઈ પણ ૨૧ ઑગસ્ટ પછી સીઈટીની એક્ઝામ આપવા તૈયાર નથી, કારણ કે એની સીધી અસર અમારા ઇલેવન્થના અભ્યાસક્રમ અને ઍડ્‍‍મિશન પર થવાની પૂરી શક્યતા છે.’

Mumbai News Mumbai rohit parikh