મારા મૌનને કમજોરી ન સમજતાઃ ઉદ્ધવ ઠાકરે

13 September, 2020 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મારા મૌનને કમજોરી ન સમજતાઃ ઉદ્ધવ ઠાકરે

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે

બૉલીવુડ અભિનેત્રી કંગના રનોટ સાથેના વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યને સંબોધન કર્યું, જોકે ન તેમણે કંગના-શિવસેના વચ્ચે ચાલતા વિવાદની વાત કરી કે ન શિવસૈનિકો દ્વારા નેવીના ભૂતપૂર્વ ઓફિસરની મારપીટની વાત કરી.

તેમણે શરૂઆતમાં જ કહ્યું કે તે રાજનીતિ વિશે વાત નહીં કરે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી મે ઘણી મુસીબતોનો સામનો કર્યો છે અને આગળ પણ રાજનીતિક સાઈક્લોનનો સામનો કરતો રહીશ, પરંતુ મારા મૌનને કમજોરી ન સમજતા.

મરાઠા આરક્ષણ બાબતે ઠાકરેએ કહ્યું કે, વિધાનસભામાં બધાએ એકસાથે મળીને મરાઠા સમાજ માટે આરક્ષણની ઘોષણા કરી છે. પહેલા હાઈ કોર્ટમાં વિષય ગયો, પછી સુપ્રિમ કોર્ટમાં ગયો. મરાઠા આરક્ષણને સ્ટે આપવાની જરૂર નહોતી, તેમ છતાં સ્ટે આપવામાં આવ્યો. આ મુદ્દે દરેક નેતાઓ સાથે હું સંપર્કમાં છું.

કોરોના બાબતે તેમણે કહ્યું કે, આખા વિશ્વમાં એવુ લાગી રહ્યું છે કે કોરોનાનું બીજું મોજુ આવ્યુ છે. ગ્રામીણ ભાગમાં પણ કોરોનાનું સંક્રમણ થયું છે. તમે ખબરદાર રહેજો, અમે જવાબદારી પુરી કરી રહ્યા છીએ. અમૂક જવાબદારી તમે ઉપાડો, અમૂક અમે ઉપાડીએ. મહારાષ્ટ્રની સ્થિતિ હજી સંપૂર્ણ ખરાબ થઈ નથી.

તેમણે ‘મેરા પરિવાર મેરી જીમ્મેદારી’ પહેલ બાબતે વાત કરી. 15મી સપ્ટેમ્બરથી શરૂ થનારી આ પહેલા બાબતે ઠાકરેએ કહ્યું કે, જે પણ મહારાષ્ટ્રને પ્રેમ કરતો હશે તે આ જવાબદારીને સમજશે. માસ્ક જ આપણુ બ્લેક બેલ્ટ છે અને તે જ આપણી રક્ષા કરશે.

ભીડ હોય ત્યાં અવશ્ય માસ્ક પહેરો. જરૂર ન હોય તો ઘરની બહાર ન નિકળો. અમે પ્રયત્નો કરીશું કે આગામી દિવસોમાં દરેકના ઘરે જઈને અમે સ્વાસ્થ્યની જાણકારી મેળવી શકીએ. આ માટે મને દરેક વિધાનસભ્ય અને સંસદસભ્યોની મદદ જોઈશે. દરેકના ઘરે જઈને 55 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિનું આરોગ્ય જાણવામાં આવશે. હાલના સમયમાં પર્સનલ હાઈજીનને પાળવું જરૂરી છે. તો જ તમે કુટુંબને કોરોનાથી સુરક્ષિત રાખી શકશો. મારા પર આરોપ છે કે હું ઘરની બહાર નિકળતો નથી પણ હું ઘરેથી જ વીડિયો કોન્ફરન્સના માધ્યમે દરેક સ્થળે પહોંચવાનો પ્રયત્ન કરું છું.

uddhav thackeray