મુંબઈનો શ્વાસ રૂંધાશે...

26 July, 2022 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરે કૉલોનીમાં લીલોતરીનું નિકંદન કાઢવાનું શરૂ કરાતાં મુંબઈના બેહાલ થવાના છે: આના માટે રસ્તો બંધ કરાતાં મોટા પાયે પ્રોટેસ્ટ

આરે કૉલોનીમાં મેઇન રોડ પર વાહનોને રોકવામાં આવ્યાં હતાં (તસવીર : અનુરાગ આહિરે)

કોલાબા-બાંદરા-સીપ્ઝને જોડતી મુંબઈ મેટ્રો-૩નું કારશેડ આરે કૉલોનીમાં બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે પર્યાવરણપ્રેમીઓ દ્વારા એનો ખુલ્લો વિરોધ થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડે આરેમાં તેમની રેકના કોચ લઈ જવાના હોવાથી અને અન્ય મોટી વસ્તુઓ તથા પાર્ટ્સની હેરફેર કરવાની હોવાથી ગઈ કાલે ત્યાં જે વૃક્ષોની ડાળીઓ રસ્તા પર આવી રહી હતી એ અડચણરૂપ ન બને એ માટે બીએમસી સાથે મળીને એ તોડવાનું અને ટ્રિમ કરવાનું કામ હાથ પર લીધું હતું અને એ માટે આરે કૉલોનીનો ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. સ્થાનિક વનરાઇ પોલીસ સ્ટેશનની મદદથી ગઈ કાલે વાહનચાલકોને જેવીએલઆર (જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ) વાપરવાનું સૂચન કરાયું હતું. આ સમય દરમિયાન માત્ર સ્થાનિક લોકો જેઓ ત્યાં રહે છે તેમને જ અંદર આવવા-જવા દેવાતા હતા. જોકે એમ છતાં આરેમાં મેટ્રોનો વિરોધ કરી રહેલા ઍક્ટિવિસ્ટો એકઠા થઈ ગયા હતા અને એ કાર્યવાહીનો જોરદાર વિરોધ કર્યો હતો. પોલીસ અને સરકારી અધિકારીઓ સાથે પણ તેઓ બાખડી પડતાં બે ઍક્ટિવિસ્ટો તબરેઝ સૈયદ અને જયેશ ભીંસેને તાબામાં લઈને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

પર્યાવરણ બચાવવા માગતા ઍક્ટિવિસ્ટો દ્વારા વિરોધ થશે જ એવી સંભાવના હોવાથી પોલીસ દ્વારા આ બાબતે આગોતરાં પગલાં લેવાયાં હતાં. રવિવારે પણ ત્યાં ઍક્ટિવિસ્ટો દ્વારા પ્રદર્શન થયું હતું એટલે ત્યાં સોમવારે કોઈ અંતરાય ન આવે એ માટે ૧૪૪મી કલમ ત્યાં લાગુ કરાઈ હતી અને ૨૦ જેટલા ઍક્ટિવિસ્ટોને નોટિસ પણ મોકલવામાં આવી હતી.

મરોલ તરફથી આરેમાં આવવાના રસ્તા પર ગોરેગામ આરે એન્ટ્રી અને અન્ય બે-ત્રણ નાના એન્ટ્રી પૉઇન્ટ એમ બધે જ મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ હતી. વાહનો દ્વારા એ રસ્તાઓનો ઉપયોગ કરવા માગતા વાહનચાલકોને જ્યારે કહેવામાં આવતું કે તમારે વૈકલ્પિક રસ્તો વાપરવો પડશે ત્યારે તેઓ અકળાતા હતા અને પોલીસ સાથે જીભાજોડી પણ કરતા હતા.

mumbai mumbai news aarey colony save aarey mumbai metro