રાજ્યે ડિજિટલ શિક્ષણ આપવા દૂરદર્શન, આકાશવાણીના સ્લોટ માગ્યા

30 May, 2020 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યે ડિજિટલ શિક્ષણ આપવા દૂરદર્શન, આકાશવાણીના સ્લોટ માગ્યા

કોરોનાના કેસ રોજેરોજ બહાર આવી રહ્યા છે ત્યારે ગિર્દી ન થાય અને વ્યવહાર પણ સચવાઈ રહે એ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. એમાં હવે જ્યારે જૂન મહિનો ચાલુ થઈ રહ્યો છે ત્યારે સ્કૂલો ખૂલશે કે નહીં એવો સવાલ ચર્ચાઈ રહ્યો હતો. આથી હવે રાજ્ય સરકાર બાળકોને સ્કૂલને બદલે ડિજિટલ શિક્ષણ આપવાનું વિચારી રહી છે. આ વર્ષે વિદ્યાર્થીઓને દૂરદર્શન અને આકાશવાણી પર ભણાવવા રાજ્ય સરકારે દૂરદર્શનના રોજના ૧૨ કલાક અને આકાશવાણી રેડિયોના ૨ કલાકનો સ્લોટ આપવાની માગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે. 

શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે આ બદલ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે રાજ્ય શૈક્ષણિક સંશોધન અને પ્રશિક્ષણ પરિષદે ડિજિટલ શિક્ષણના દૃષ્ટિકોણથી પ્રાથમિક અને માધ્યમિક ધોરણોના ૧૦૦૦ કલાક કરતાં વધુ કલાકોનું ડિજિટલ શિક્ષણ ઓલરેડી તૈયાર કરી રાખ્યું છે. એથી હવે પછીના શૈક્ષણિક વર્ષમાં દૂરદર્શન પર રોજના ૧૨ કલાક અને આકાશવાણી પર રોજના ૨ કલાકના પ્રસારણની રાજ્ય સરકારની તૈયારી છે.

વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે જો ઑનલાઇન શિક્ષણ આપવું હોય તો એના માટે લૅપટૉપ, કમ્પ્યુટર, ટેબલેટ કે મોબાઈલની જરૂર પડે છે. એટલું જ નહીં એ માટે ઇન્ટરનેટની સુવિધા પણ હોવી જોઈએ, પણ જો દૂરદર્શન પરથી એનુ પ્રસારણ કરાય તો ગામડાંના ગરીબ વિદ્યાર્થીઓ પણ તેનો લાભ લઈ શકે. એ માટે તેમને ઇન્ટરનેટના પૈસા ખર્ચવા ન પડે. આમ શૈક્ષિણક વર્ષમાં સ્કૂલ બંધ રહે તો પણ અભ્યાસ ચાલુ રહે એવા પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે.

coronavirus covid19 doordarshan maharashtra