સુશાંત કેસમાં મહારાષ્ટ્ર વિરોધી રાજકારણ ખેલાય છે: સંજય રાઉત

10 August, 2020 07:05 AM IST  |  Mumbai | Agencies

સુશાંત કેસમાં મહારાષ્ટ્ર વિરોધી રાજકારણ ખેલાય છે: સંજય રાઉત

સંજય રાઉત

શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે ગઈ કાલે જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મહારાષ્ટ્ર વિરોધી રાજકારણ ખેલાઈ રહ્યું છે અને દબાણની રાજનીતિ ચાલે છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગઈ ૧૪ જૂને કરેલી આત્મહત્યાના કેસમાં બૉલીવુડનો સગાવાદ કારણભૂત હોવાની ચર્ચા ટાઢી પડ્યા પછી રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ બેફામ વાપરેલા પૈસા, સુશાંતની મૅનેજર દિશા સાલિયનની આત્મહત્યા અને રાજકીય નેતાઓની સંડોવણીના વિવાદો જાગ્યા હતા. એમાં શિવસેના તરફ આંગળી ચીંધવામાં આવતાં શિવસેના તરફથી પ્રત્યાઘાતો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

શિવસેનાના મુખપત્ર ‘સામના’ના ગઈ કાલના અંકમાં સાપ્તાહિક કટાર ‘રોખઠોક’માં લખ્યું હતું કે ‘સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની કમનસીબ ઘટનાને રાજકારણના દૃષ્ટિકોણથી મૂલવવી અયોગ્ય છે. એ પ્રકારની ગતિવિધિ મહારાષ્ટ્ર વિરોધી કાવતરું છે. દબાણની રાજનીતિ અજમાવવામાં આ દેશમાં કંઈ પણ બની શકે છે. સુશાંત કેસની સ્ક્રિપ્ટ પહેલેથી લખાઈ હોય એવું લાગે છે. બીજેપી મહાવિકાસ આઘાડીની સરકાર ઉથલાવી પાડવામાં નિષ્ફળ જતાં ન્યુઝ ચૅનલ્સ પર સરકાર વિરોધી કાદવ ઉછાળ પ્રવૃત્તિ કરે છે.

‘રોખઠોક’માં સંજય રાઉતે જણાવ્યું હતું કે ‘મુંબઈ પોલીસ વિશ્વનાં સૌથી બાહોશ પોલીસ તંત્રોમાંથી એક છે. શીના બોરા હત્યા કેસમાં ઘણાં મોટાં માથાં સંડોવાયેલાં હતાં અને એ બધાને જેલમાં મોકલવામાં આવ્યાં છે. એવી જ રીતે 26/11 આતંકવાદી હુમલાના કેસની તપાસ પણ મુંબઈ પોલીસે કરી હતી. આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં મુંબઈ પોલીસનું અપમાન અને મહારાષ્ટ્રની સ્વાયત્તતાનો ભંગ છે. પ્રથમદર્શી રીતે સુશાંતનો કેસ આપઘાતનો જણાતો હોય ત્યારે એને હત્યામાં ખપાવવાની મથામણ શા માટે કરવામાં આવે છે?

mumbai mumbai news maharashtra sanjay raut sushant singh rajput uddhav thackeray indian politics