રાજ્યમાં આજથી દસમા ધોરણની પરીક્ષા શરૂ

03 March, 2020 10:27 AM IST  |  Mumbai | Rachana Joshi

રાજ્યમાં આજથી દસમા ધોરણની પરીક્ષા શરૂ

પ્રતિકાત્મ તસવીર

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા લેવાતી દસમા ધોરણની લેખિત પરીક્ષા આજ (3 માર્ચ, મંગળવાર) થી શરૂ થઈ છે અને 23 માર્ચ સુધી ચાલશે. નવા અભ્યાસક્રમ મુજબ લેવાનારી પરીક્ષામાં આ વર્ષે 17,56,898 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 65,085 વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દરમ્યાન ગત વર્ષે દસમા ધોરણનું પરિણામ 70 ટકા ઓછું આવ્યું હોવાથી આ શૈક્ષણિક વર્ષથી ઇન્ટરનલ માર્કસ પદ્ધતિ ફરીથી શરૂ કરવામાં આવી છે. એટલે 80 માર્કસ લેખિત પરીક્ષાના અને 20 માર્કસ મૌખિક પરીક્ષાના છે.

રાજ્યના નવ વિભાગીય મંડળ દ્વારા નવા અભ્યાસક્રમને આધારે લેવાનારી SSC ની પરીક્ષામાં બેસનારા 17,56,898 વિદ્યાર્થીઓમાંથી 9,75,894 વિદ્યાર્થીઓ અને 7,89,894 વિદ્યાર્થીનીઓ છે. જેમાંથી 9,045 દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે. તેઓ સરકારના નિયમો મુજબ પરીક્ષા આપશે. આ વર્ષે રાજયમાંથી 110 તૃતીયપંથી વિદ્યાર્થીઓ પણ દસમા ધોરણની પરીક્ષા આપશે. રાજ્યના કુલ 4,979 કેન્દ્રો પરથી આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમાંથી 80 કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાં પોલીસનો કડક બંદોબસ્ત છે.

મુંબઈમાંથી આ વર્ષે 3,91,991 વિદ્યાર્થીઓએ SSC ની પરીક્ષા માટે નોંધણી કરાવી છે. જેમાં 2,12,524 વિદ્યાર્થીઓ અને 1,79,447 વિદ્યાર્થીનીઓનો સમાવેશ છે. મુંબઈમાં 1,024 પરીક્ષા કેન્દ્રો છે.

central board of secondary education mumbai maharashtra