21 July, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃત્યુ પામેલો અરુણ કોઠારી.
વસઈ-ઈસ્ટમાં શનિવારે સાંજે એક ભયાનક માર્ગ-અકસ્માતની ઘટના બની હતી. એમાં બેફામ ગતિએ આવી રહેલી એક ટ્રકે ઍક્ટિવા પર જઈ રહેલા ૩૦ વર્ષના અરુણ કોઠારીને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ચિંચપાડા ખાતે રહેતો અરુણ કોઠારી શનિવારે સાંજે કામ પતાવીને પોતાના ઍક્ટિવા પર ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે વસઈના વર્ધમાન નાકા પટેલ કમ્પાઉન્ડ ગેટ સામે હાઇવે પર આ અકસ્માત થયો હતો. પોલીસ ટ્રક-ડ્રાઇવરને શોધવા માટે હાઇવે વિસ્તાર અને નજીકની હોટેલમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી રહી છે.
અરુણના નાના ભાઈ વિકી કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે અરુણ પટેલ કમ્પાઉન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વર્ધમાન નાકા તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ટ્રકના ડ્રાઇવરે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અરુણના ઍક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે અરુણ રસ્તા પર ફંગોળાઈ ગયો હતો અને ટ્રકની ડાબી બાજુનું આગળનું વ્હીલ સીધું તેની કમર અને પગ પરથી ફરી વળ્યું હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. તાત્કાલિક તેને વિશ્વકર્મા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અરુણને ૬ વર્ષની પુત્રી છે. હાલમાં અમે તેના ભવિષ્યની ચિંતામાં છીએ.’