સ્પેશ્યલ ચાઇલ્ડને શોધવા પોલીસની સ્પેશ્યલ મહેનત

22 May, 2022 07:40 AM IST  |  Mumbai | Mehul Jethva

માનસિક રીતે અક્ષમ ગુજરાતી કિશોર મમ્મી સાથે મૉલમાં ગયા પછી ગુમ થઈ ગયો : પોલીસે જબરદસ્ત મહેનત કરી તેને શોધીને પરિવારને સોંપ્યો

બોરીવલી પોલીસ સ્ટેશનમાં યશશ સાથે તેની મમ્મી અને પોલીસ અધિકારીઓ.


મુંબઈ ઃ કાંદિવલીમાં રહેતો માનસિક રીતે અક્ષમ ૧૪ વર્ષનો કિશોર તેની મમ્મી સાથે શુક્રવારે બોરીવલીના શિમ્પોલી રોડ પર આવેલા રિલાયન્સ મૉલમાં આવ્યો હતો. તેની મમ્મી ખરીદી કરી રહી હતી ત્યારે તે મૉલની બહાર નીકળી જતાં ગુમ થઈ ગયો હતો. કલાકો સુધી તેને શોધ્યા પછી પણ તેની કોઈ ભાળ ન મળતાં પરિવારે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે આ સ્પેશ્યલ ચાઇલ્ડને શોધવા જબરદસ્ત જહેમત લીધી હતી અને રાત્રે ૧૧.૩૦ વાગ્યે કાંદિવલીમાંથી બાળકને શોધીને તેના પરિવારને સોંપ્યો હતો.
કાંદિવલીના ચારકોપ સેક્ટર-૪માં રહેતાં સોનાલી શાહ સાસુ શર્મિષ્ઠાબહેન અને પુત્ર યશશ સાથે શુક્રવારે બોરીવલીના શિમ્પોલી રોડ પર આવેલા રિલાયન્સ મૉલમાં ખરીદી માટે આવ્યાં હતાં. એ દરમ્યાન માનસિક રીતે અક્ષમ યશશ શર્મિષ્ઠાબહેન સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર એક સ્ટોરમાં ગયો હતો. ત્યાંથી બહાર આવતી વખતે યશશ મૉલની બહાર નીકળી ગયો હતો. થોડી વાર પછી યશશની શોધ કરતાં તે મળ્યો નહોતો. તેને લખતાં-બોલતાં આવડતું ન હોવાથી સોનાલીબહેન અને પરિવારના બીજા સભ્યોએ કલાકો સુધી તેની શોધ મૉલની આસપાસના વિસ્તારોમાં કરી હતી. જોકે તેની કોઈ ભાળ ન મળતાં તેમણે બોરીવલી પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ લખાવી હતી. પોલીસે કિડનૅપિંગની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.
બોરીવલી પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સહાદેવ ડોલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ફરિયાદ નોંધીને આ સ્પેશ્યલ ચાઇલ્ડને શોધવા માટે બે ટીમ તૈયાર કરી હતી. એની સાથે તેનો ફોટો આસપાસનાં તમામ પોલીસ સ્ટેશનોમાં મોકલી આપ્યો હતો. અમારી એક ટીમે તમામ પોલીસ સ્ટેશનોના બીટ-માર્શલો અને અન્ય અધિકારીઓને વૉકી-ટૉકી પર બાળક વિશેનો મેસેજ આપી દીધો હતો. એ સાથે અમે બોરીવલીથી લઈને આસપાસના તમામ વિસ્તારોનાં ગાર્ડનો અને હૉસ્પિટલોની બાળક સંબંધી માહિતી જોઈ હતી. એમાં રાતે ૧૧.૩૦ વાગ્યે અમને મેસેજ મળ્યો હતો કે તે કિશોર કાંદિવલીમાં દેખાયો છે. એટલે અમારી એક ટીમ ત્યાં ગઈ હતી. ત્યાં એક ફર્નિચરવાળા યુવક પાસે તે કિશોરને જોઈને કાંદિવલીના એક સ્ટાફે તેને ઓળખી કાઢ્યો હતો. અમે તેને અમારા તાબામાં લઈને તેનાં માતા-પિતાને સોંપ્યો હતો.’
સોનાલી શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમણે ખરા દિલથી અમારા પુત્રની શોધ કરીને અમારો તેની સાથે ભેટો કરાવ્યો હતો.’

mumbai news mumbai police kandivli