મહારાષ્ટ્રનું જ નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ કરી દોઃ અબુ આઝમી

05 January, 2021 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રનું જ નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ કરી દોઃ અબુ આઝમી

અબુ આઝમી

ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવાના વિવાદમાં હવે સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ પણ ઝંપલાવ્યું છે. એક બાજુ શિવસેનાએ ઔરંગાબાદનું નામ બદલવાની જે ડિમાન્ડ કરી છે એને લઈને મહાવિકાસ આઘાડીના ત્રણ મુખ્ય પક્ષમાંના એક કૉન્ગ્રેસે નારાજગી વ્યક્ત કરતાં શિવસેના એને મનાવવામાં પડી છે ત્યાં આઘાડીના બીજા એક પક્ષના નેતાએ પણ વિરોધનો સૂર પુરાવતાં શિવસેના માટે નવી મોંકાણ ઊભી થઈ છે.

અબુ આઝમીએ શિવસેનાના આ પ્રસ્તાવ બાબતે ત્યાં સુધી કહી દીધું કે ઔરંગાબાદને સંભાજીનગર કરવાને બદલે મહારાષ્ટ્રનું જ નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ કરી દો. ત્યાં ન અટકતાં તેમણે રાયગઢનું નામ પણ બદલીને સંભાજીનગર કરવાની સલાહ શિવસેનાને આપી હતી.

જોકે ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે કોઈ શહેરનાં નામ બદલવાથી રાજ્યનો વિકાસ નથી થવાનો કે નથી ભૂખના માર્યા હેરાન થઈ રહેલા લોકોને કોઈ ફાયદો થવાનો.

આ બધા વચ્ચે ગઈ કાલે ફરી એક વાર શિવસેનાના નેતા સંજય રાઉતે પત્રકારોને કહ્યું હતું કે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ ઔરંગાબાદનું નામ વીસ વર્ષ પહેલાં જ સંભાજીનગર કરી દીધું હતું અને હવે તો ફક્ત એને કાયદાકીય સ્વરૂપ આપવાનું જ બાકી છે. તેમણે આશા વ્યકત કરી હતી કે અબુ આઝમી અને કૉન્ગ્રેસ સાથે આ મુદ્દે ચર્ચા કર્યા બાદ એનું નિરાકરણ થઈ જશે. આ મુદ્દો આગામી દિવસોમાં કેવો વળાંક લે છે એના પર રાજકીય પંડિતોની નજર છે.

mumbai mumbai news maharashtra abu azmi