આવી જીવદયાનો જોટો નહીં જડે : પુત્રનો જીવ લઈ લેનારને જ બચાવવા પિતાની મથામણ

03 June, 2022 08:32 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

પક્ષીનો જીવ બચાવવા જતાં કારની અડફેટે આવી ગયેલા પુત્રને ગુમાવ્યા બાદ પણ પિતા આરોપી ટૅક્સી-ડ્રાઇવરને પોલીસકેસથી મુક્ત કરવા કરી રહ્યા છે મહેનત. તેમનું કહેવું છે કે અમે તો અમારી વ્યક્તિ ગુમાવી દીધી છે, પણ જો ડ્રાઇવરને સજા થશે તો તેનો પરિવાર રઝળી પડશે

અમર જરીવાલા

બાંદરા-વરલી સી-લિન્ક પર સમડીને બચાવવાના પ્રયાસમાં સોમવારે જીવ ગુમાવનારા જીવદયાપ્રેમી અને ગુજરાતી બિઝનેસમૅન અમર જરીવાલાના મૃત્યુના મામલામાં વરલી પોલીસે ટક્કર મારનારા ટૅક્સીચાલક સામે એફઆઇઆર નોંધીને તપાસ હાથ ધરી છે. નોંધનીય વાત એ છે કે જીવદયાપ્રેમી અમર જરીવાલાનો પરિવાર ટૅક્સી-ડ્રાઇવર સામે કોઈ કેસ ચલાવવા માગતો ન હોવા છતાં પોલીસે રૅશ ડ્રાઇવિંગનો કેસ નોંધીને આ મામલે કોર્ટમાં આરોપનામું દાખલ કરવાનો નિર્ણય લીધો છે. પોલીસે આવો નિર્ણય લીધો હોવા છતાં અમર જરીવાલાનો પરિવાર ટૅક્સી ડ્રાઇવરની સામેનો આ કેસ કોઈક રીતે પાછો ખેંચાય એ માટેના પ્રયાસ કરી રહ્યો છે.

અમર જરીવાલાના પિતા મનીષભાઈએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમરનું મૃત્યુ ટૅક્સીની ટક્કર વાગવાથી થયું હોવાની જાણ થઈ ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે અમે તો અમારી વ્યક્તિ ગુમાવી દીધી છે, પરંતુ અકસ્માત કરનારાને જો સજા થશે તો તેનો પરિવાર રઝળી પડશે. એટલે અમે વરલી પોલીસના અધિકારીઓને વિનંતી કરી છે કે આ કેસને આગળ ન વધારો. જોકે પોલીસે એફઆઇઆર નોંધીને ટૅક્સી-ડ્રાઇવરની ધરપકડ કરી છે અને તેની સામે કેસ આગળ વધારશે એવું જાણવા મળ્યું છે. આથી અમે હવે આ કેસ આગળ ન વધે અને ટૅક્સી-ડ્રાઇવર મુશ્કેલીમાં ન મુકાય એ માટેના પ્રયાસ કરી રહ્યા છીએ. જરૂર પડશે તો અમારો આખો પરિવાર પોલીસને પત્ર લખીને ટૅક્સી-ડ્રાઇવરને માફી આપવાનું નિવેદન કરશે.’

આ પણ વાંચો : જીવદયા બની ગઈ જીવલેણ

વરલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અકસ્માત કરીને એક વ્યક્તિનો જીવ લેવાની સાથે બીજાને ગંભીર રીતે ઈજા પહોંચાડવાના આરોપસર વરલીમાં રહેતા ટૅક્સી-ડ્રાઇવર રવીન્દ્રકુમાર જયસ્વાલની ધરપકડ કરી છે. તેની સામે રૅશ ડ્રાઇવિંગ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર અમર જરીવાલાનો પરિવાર આરોપી સામે કોઈ પગલાં ન લેવા માગતો હોય તો પણ કાનૂની રીતે અમે તેની સામે કોર્ટમાં આરોપનામું દાખલ કરીશું. ગંભીર રીતે ઈજા પામેલો અમર જરીવાલાનો ડ્રાઇવર શ્યામ સુંદર કામત લીલાવતી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું ડૉક્ટરોએ કહ્યું છે.’

દક્ષિણ મુંબઈમાં આવેલા નેપિયન સી રોડ વિસ્તારમાં આવેલા શ્રીપાલનગરમાં રહેતા ૪૩ વર્ષના ગુજરાતી જૈન વેપારીનું સોમવારે બાંદરા-વરલી સી-લિન્ક રોડ પર એક ટૅક્સીએ ટક્કર મારતાં મૃત્યુ થયું હતું. કારના આગળના કાચ સાથે સમડી અથડાયા બાદ એ તરફડિયાં મારતી હતી એ જોઈને એને ઊંચકવા માટે રેડીમેડ ગાર્મેન્ટ્સના વેપારી અમર જરીવાલા અને તેમનો ડ્રાઇવર શ્યામ સુંદર કામત કારમાંથી ઊતર્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી કારે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગાર્મેન્ટના જૈન વેપારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના ડ્રાઇવરને ગંભીર ઈજા પહોંચી હતી.

mumbai mumbai news worli prakash bambhrolia