ડાયમન્ડ બજારમાં કહીં ખુશી કહીં ગમ

03 July, 2022 09:19 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

જીએસટી કાઉન્સિલે પહેલાં માત્ર ૦.૨૫ ટકા જ જીએસટી લેવાતો હતો એ વધારીને ૧.૫ ટકા કર્યો હોવાથી હવે વધુ પૈસા ચૂકવવા પડશે અને એની ડોમેસ્ટિક માર્કેટ પર નેગેટિવ અસર પડશે પણ નિકાસકારોને ફાયદો થશ

ડાયમન્ડ બજારમાં કહીં ખુશી કહીં ગમ

આપણામાં દિવાળી પછી લગ્નસરાની મોસમ ખૂલતી હોય છે અને લાભપાંચમથી લગ્ન લેવાતાં હોય છે. જોકે એની મુખ્ય ખરીદી જેમાં સોના-ચાંદી અને હીરા-જડિત દાગીનાનો સમાવેશ થાય છે એ જનરલી ચાર-છ મહિના પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. જોકે આ વખતે જો લિસ્ટમાં હીરાનાં ઘરેણાં હશે તો એ માટે વધુ પૈસા ચૂકવવાની તૈયારી રાખવી પડશે, કારણ કે હાલમાં જ જીએસટી કાઉન્સિલે હીરા પર પહેલાં માત્ર ૦.૨૫ ટકા જ જીએસટી લેવાતો હતો એ વધારીને ૧.૫ ટકા કરી દીધો છે. મુખ્ય વાત એ છે કે હીરા ઑલરેડી કૉસ્ટ્લી અને લક્ઝરી આઇટમ છે. એમાં એક ટકાનો પણ ફરક પડે તો રૂપિયામાં એનો ફરક મોટો હોય છે. એથી હવે હીરા (લૂ​ઝ) કે પછી હીરાનાં ઘરેણાં લેવાં હશે તો નાણાંની કોથળી ખુલ્લી મૂકી દેવી પડશે. 
ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)ના ભૂતપૂર્વ કમિટી મેમ્બર અમિત શાહે ‘મિડ-ડ’ને કહ્યું હતું કે ‘જે વેપારીઓ એક્સપોર્ટ કરે છે તેમને વાંધો નહીં આવે. તેમના પૈસા તો બે-ત્રણ મહિના જ્યાં સુધી ઇનપુટ ક્રેડિટ ન આવે ત્યાં સુધી અટવાયેલા રહેશે. ખરેખર જે ઇફેક્ટ પડવાની છે એ ડોમેસ્ટિક માર્કેટમાં પડશે. ડોમેસ્ટિક માર્કેટમાં લૂઝ હીરા કે પછી હીરાજડિત જ્વેલરી માટે હવે ગ્રાહકોએ વધુ પૈસા ચૂકવવા પડશે. અફકોર્સ, હીરાની કિંમત વધુ હોવાથી એ ફરક ટકામાં પણ મોટો પડે. જોકે મોંઘવારી બધે જ લાગે છે એટલે શરૂઆતમાં લોકો એ માટે થોડા ખચકાશે; પણ આગળ જતાં ટેવાઈ જશે અને જીએટીને કારણે વધેલી કિંમત આપતા થઈ જશે, પણ પૈસા વધુ ચૂકવવા પડશે એ હકીકત છે.’
 બીડીબીના અન્ય એક વેપારી ધર્મેશ ઝવેરીએ આ બાબતે કહ્યું હતું કે ‘જીએસટીને કારણે કૉસ્ટ વધશે એ સાચું, પણ ખરીદનાર એટલી તો તૈયારી રાખતો જ હોય છે. ૧૦ લાખની ખરીદી પર ૧૦,૦૦૦ રૂપિયા વધે તો એ તેમના માટે ગૌણ બની જાય છે. બીજું, હાલ લગ્નમાં ફૅન્સી જ્વેલરીનું ચલણ વધી ગયું છે અને એમાં મોટા ભાગે લૅબ ગ્રોન ડાયમન્ડ વપરાય છે. ઓરિજિનલ માઇન ડાયમન્ડ સમજો એક લાખનો હોય તો એની સામે એ જ રીતનો લૅબ ગ્રોન ડાયમન્ડ ૨૦થી ૩૦ હજાર રૂપિયામાં મળી જતો હોય છે. એથી એની કૉસ્ટ ઘટી જાય છે. બાકી જેને માઇન ડાયમન્ડ જ ખરદીવા હોય તે એકથી સવા ટકો વધુ આપીને પણ ખરીદશે. તેના માટે એ વધારો ખરો, પણ બહુ મોટો નહીં.’  

માર્કેટના અન્ય એક વેપારી દિલીપ શાહે કહ્યું હતું કે ‘થોડુંક રીઍક્શન તો આવશે જ. એક્સપોર્ટરોનું એવું હતું કે ઘણી વાર તો એ ૦.૨૫ ટકાનો ક્લેમ કરાતો જ નહોતો, પણ હવે એ ક્લેમ કરાશે. ઘણી એવી કંપનીઓ છે જેમણે એમના ટર્નઓવર પ્રમાણે કાં તો મહિને-મહિને અથવા ત્રણ મહિને જીએસટી ભરવો જ પડે. એથી હવે જીએસટી ભરાશે અને રીફન્ડ કે ઇનપુટ ક્રેડિટ માટે ક્લેમ પણ કરાશે. બીજું, ડો​મેસ્ટિકમાં જે એન્ડ-યુઝર છે તેમણે તો એ જીએસટીના પૈસા ચૂકવવાના જ છે. બધો ભાર આખરે તો કન્યાની કેડ પર જ આવવાનો છે. તેઓ થોડો વખત ખચકાશે, પણ આખરે તો એ ચૂકવવાના જ છે એ મન મનાવીને ખરીદી તો કરશે જ.’ 

 ખરેખર જે ઇફેક્ટ પડવાની છે એ ડોમેસ્ટિક માર્કેટમાં પડશે. ડોમેસ્ટિક માર્કેટમાં લૂઝ હીરા કે પછી હીરાજડિત જ્વેલરી માટે હવે ગ્રાહકોએ વધુ પૈસા ચૂકવવા પડશે. - અમિત શાહ, ભારત ડાયમન્ડ બુર્સના ભૂતપૂર્વ કમિટી મેમ્બર

ડાયમન્ડના એક્સપોર્ટર ખુશખુશાલ -રોહિત પરીખ

જીએસટી કાઉન્સિલે જીએસટીના દરોમાં ફેરફાર કરવાથી દેશભરની વેપારી આલમમાં જબરદસ્ત નારાજગી ફેલાયેલી છે એવા સમયે હીરાબજારમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો છે. ભારતની જેમ્સ ઍન્ડ જ્વેલરીના વેપારીઓની સર્વોચ્ચ સંસ્થા જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે સરકાર પાસે કટ અને પૉલિશ્ડ હીરા પર જીએસટી વધારીને ૧.૫ ટકા કરવાની અને ગ્રેડિંગ અને સર્ટિફિકેશન પર ૧૮ ટકા જીએસટીમાંથી ૧.૫ ટકા કરવાની માગણી કરી હતી જેથી તેમને ઇનપુટ ટૅક્સ ક્રેડિટ લેવામાં સરળતા પડે. જીએસટી કાઉન્સિલે આ માગણી મુજબ હીરાના જીએસટીના દરોને ૧.૫ ટકા તર્કસંગત કરવાથી હીરાબજારના વેપારીઓમાં ખુશાલી વ્યાપી છે. અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ એમ જણાવતાં જીજેઈપીસીના ચૅરમૅન કોલીન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કટ અને પૉલિશ્ડ હીરા પર જીએસટીનો દર ૦.૨૫ ટકામાંથી ૧.૫ ટકા તર્કસંગત બનાવવા માટે અમે નાણાપ્રધાનના આભારી છીએ. એક એવો અંદાજ છે કે અત્યારે ઇનપુટ ટૅક્સ ક્રેડિટમાં ૬૦૦ કરોડ રૂપિયા અટકાયેલા છે. નવા દરોથી હવે વધુ મૂડી રોકાશે નહીં અને અવરોધિત કાર્યકારી મૂડી મુક્ત થતાં હીરાઉદ્યોગના વિકાસને ઉત્તેજન મળશે. હવે અમે સરકારને વિનંતી કરીશું કે વેપારીઓના સંચિત જીએસટીનું રીફન્ડ મળે એ માટે એક પદ્ધતિ ઔપચારિક બનાવે.’

Mumbai mumbai news bakulesh trivedi rohit parikh