કેટલાક પક્ષો સ્વબળની વાતો કરે છે, અમે પણ કરીશું : ઉદ્ધવ ઠાકરે

20 June, 2021 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેનાના પંચાવનમા સ્થાપના દિવસે કૉન્ગ્રેસ અને બીજેપીને સંભળાવ્યું : દરેકને પોતાની તાકાત વધારવાનો અધિકાર હોવાનું પણ કહ્યું

ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના પંચાવનમા સ્થાપનદિન નિમિત્તે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે સ્વબળનો રાગ આલાપી રહેલા સાથી પક્ષ કૉન્ગ્રેસ અને બીજેપીને સંભળાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘કેટલાક દિવસથી મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ કૉન્ગ્રેસ દ્વારા સ્વબળની વાતો કહેવાઈ રહી છે. અમે પણ પાછળ નહીં હટીએ. તાકાત તો કમાવી જ પડે. જોકે સ્વબળ એટલે શું? સ્વબળ માત્ર ચૂંટણી લડવા પૂરતું જ નહીં. સ્વબળ અભિમાન અને સ્વાભિમાનનું હોવું જોઈએ. સ્વબળ પર લડવું એ અમારો અધિકાર છે.’ 
બીજેપીનું નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરેએ ટોણો માર્યો હતો કે ‘કેટલાક લોકોને સત્તા ગુમાવવાથી પેટમાં દુ:ખી રહ્યું છે. તેમને દવા આપનારો હું કંઈ ડૉક્ટર નથી, પણ હું તેમને રાજકીય દવા જરૂર આપીશ.’ 
શિવસેનાના પક્ષપ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે તેમના પક્ષના સ્થાપના દિવસના ભાષણમાં કહ્યું હતું કે ‘કોરોનાના સંકટમાં પણ કરાતું રાજકારણ એ રાજકારણનું વિકૃતીકરણ છે. અનુભવ ન હોવા છતાં મેં આહ્‌વાન સ્વીકાર્યું. આ કામ માટે મારી પ્રશંસા થઈ રહી છે, પરંતુ તમારા સહયોગ વિના આ કામ શક્ય નહોતું. સંકટના સમયમાં પ્રશાસને ખૂબ મહેનત કરી અને જનતાએ પણ ભરપૂર સાથ આપ્યો છે.’ 
શિવસેનાએ એનસીપી અને કૉન્ગ્રેસ સાથે મળીને સરકારની સ્થાપના કર્યા બાદથી બીજેપી દ્વારા સતત હિન્દુત્વના મુદે શિવસેનાની ટીકા કરાઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેએ બીજેપીનું નામ લીધા વિના જવાબ આપતાં કહ્યું હતું કે ‘હિન્દુ એ કોઈની પેટન્ટ નથી. હિન્દુત્વ અમારા હૃદયમાં છે. હાથમાં સત્તા ન આવી એટલે તેઓ અમને નિશાન બનાવી રહ્યા છે. બંગાળી માણસોએ તેમના મત યોગ્ય રીતે વ્યક્ત કરીને પ્રાદેશિક અસ્મિતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણો દેશ વિવિધતાથી ભરેલો છે. કોઈ તાકાત સ્થાનિક પક્ષ કે લોકોને અવગણી ન શકે.’
કૉન્ગ્રેસના સ્વબળના સતત કરાઈ રહેલા રટણ વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘અમે પણ સ્વબળે મેદાનમાં ઊતરી શકીએ છીએ. તાકાત તો વધારવી જ જોઈએ. સમય આવ્યે અમે પણ આ બાબતે નિર્ણય લઈશું.’ 
ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ હોવા છતાં કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે અને મુંબઈ કૉન્ગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપ દ્વારા સ્વતંત્ર ચૂંટણી લડવાનો રાગ આલોપવામાં આવી રહ્યો છે એના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

mumbai news Mumbai shiv sena bharatiya janata party uddhav thackeray