31 May, 2025 07:18 AM IST | Solapur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા સામે બુધવારે ૩૯ વર્ષના સોલાપુરવાસીએ આત્મદહનનો પ્રયાસ કર્યો હતો જેને બંગલા પર તહેનાત સિક્યૉરિટી ગાર્ડ્સ અને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.
સોલાપુરના અજિત મૈદગીએ તેની સમસ્યાની રજૂઆત મંત્રાલયમાં કરી હતી, પણ એનો કોઈ ઉકેલ ન આવી રહ્યો હોવાથી તેણે આખરે હતાશામાં સરી પડીને આત્મદહનનું પગલું ઉપાડ્યું હતું. તેણે બુધવારે ૩.૩૦ વાગ્યે વર્ષા બંગલા પર પહોંચીને સાથે લાવેલું પેટ્રોલ પોતાના પર નાખીને દીવાસળી ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષા બંગલા પર ડ્યુટી બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ અને સિક્યૉરિટી ગાર્ડ્સે તેને તરત જ એમ કરતાં રોકી લીધો હતો. મલબાર હિલ પોલીસ તેને તાબામાં લઈને પોલીસ-સ્ટેશન લઈ ગઈ હતી અને તેની સામે ગુનો નોંધીને તેણે આવું અંતિમ પગલું લેવાનો પ્રયાસ શા માટે કર્યો એની તપાસ ચાલુ કરી હતી.