૧૦૦ વર્ષના પ્રખર ગાંધીવાદીએ ગાંધીજયંતીએ લીધી વિદાય

03 October, 2025 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખી જિંદગી ગાંધીચીંધ્યા રાહે ચાલીને સમાજસેવા કરનારા ડૉ. જી. જી. પરીખ મૃત્યુ પછી પણ દેહદાન કરીને સામાજિક કાર્ય કરતા ગયા

પ્રખર ગાંધીવાદી સ્વતંત્રતાસેનાની અને સમાજસેવક ડૉ. ગુણવંતરાય ગણપતલાલ પરીખ

યોગાનુયોગ કહો કે ડેડિકેશન, પ્રખર ગાંધીવાદી સ્વતંત્રતાસેનાની અને સમાજસેવક ડૉ. ગુણવંતરાય ગણપતલાલ પરીખે એટલે કે ડૉ. જી. જી. પરીખે ગઈ કાલે ગાંધીજયંતીના દિવસે જ અંતિમ શ્વાસ લીધા હતા. સવારે ૫.૪૫ વાગ્યે નાના ચોકના નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું હતું. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તેઓ ૧૦૦ વર્ષના થયા હતા. તેઓ છેલ્લે સુધી ઍક્ટિવ હતા. 

જીવનભર સમાજસેવા કરનાર ડૉ. જી. જી. પરીખ મૃત્યુ પછી પણ સમાજસેવા કરતા ગયા હતા. તેમના મૃત્યુ પછી પરિવારે તેમનો મૃતદેહ જે. જે. હૉસ્પિટલને સોંપી દીધો હતો. તેઓ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં સ્ટુડન્ટ હતા ત્યારે ગાંધીજીની દોરવણી હેઠળ ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં સહભાગી થયા હતા. તેમણે ખાદી ઇન્ડસ્ટ્રી સહિત અનેક ક્ષેત્રે સામાજિક કાર્ય કર્યું હતું. ૧૯૪૨માં તેમની ધરપકડ પણ થઈ હતી. ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા તેમણે ૧૯૪૬માં મુંબઈમાં એનું સેન્ટર સ્થાપ્યું હતું.

મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈને એને જીવનમાં ઉતારનાર ડૉ. જી. જી. પરીખ અહિંસામાં માનતા હતા. તેમણે તેમનાં પત્ની મંગળાબહેન સાથે મળીને રાયગડના તારા ​વિલેજમાં આદિવાસી મહિલાઓના સશક્તીકરણ માટે વર્ષો પહેલાં યુસુફ મેહર અલી સેન્ટર સ્થાપ્યું હતું. તેઓ મુંબઈ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના ચૅરપર્સન રહ્યા હતા.

લોકશાહીના સમર્થક ડૉ. જી. જી. પરીખે આટલાં વર્ષોમાં દર ચૂંટણી વખતે મતદાન કર્યું હતું. મે ૨૦૨૪માં થયેલા ઇલેક્શન વખતે પણ તેઓ વ્હીલચૅરમાં બેસીને મત આપવા વોટિંગ-બૂથ પર પહોંચી ગયા હતા.

mumbai news mumbai mahatma gandhi gandhi jayanti celebrity death gujaratis of mumbai gujarati community news