નાશિકના લંપટ જ્યોતિષી અશોક ખરાતના ગુનાઓની માહિતા આપતા ૫૦થી વધારે ફોન આવ્યા પોલીસને

28 March, 2026 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વયંઘોષિત ગૉડમૅનનો ભોગ બનેલા લોકો માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે બે મોબાઇલ-નંબર જાહેર કર્યા હતા

અશોક ખરાતને તપાસ માટે લઈ જઈ રહેલા SITના ઑફિસરો

બળાત્કારના આરોપી અને સ્વયંઘોષિત ગૉડમૅન અશોક ખરાત સામે તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ તેના વિશે માહિતી શૅર કરવા અથવા તેના દ્વારા કરવામાં આવેલા કોઈ પણ ગુનાની જાણ કરવા કે ફરિયાદ કરવા માટે જે બે મોબાઇલ-નંબર ઇશ્યુ કર્યા હતા એને જોરદાર રિસ્પૉન્સ મળ્યો હતો. SITને છેલ્લા પાંચ દિવસમાં ૫૦થી વધુ ફોન મળ્યા છે જેમાં તેણે કરેલા ગુનાઓની માહિતી આપવામાં આવી છે અથવા એની જાણ કરવામાં આવી છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે જાતીય શોષણ, ખંડણી અને વાંધાજનક સામગ્રીના પ્રસાર અંગે અનેક ફરિયાદો મળ્યા બાદ પોલીસે અશોક ખરાત સામે અત્યાર સુધીમાં ૮ FIR નોંધ્યા છે.

SITએ ખાતરી આપી છે કે માહિતી આપનારાઓની અથવા ગુનાની જાણ કરનારાઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. SITએ ગઈ કાલે ફૉરેન્સિક સાયન્સ ટીમ સાથે નાશિકમાં અશોક ખરાતની ઑફિસની મુલાકાત લીધી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓની એક ટીમે તેની ઑફિસમાંથી ઘણા દસ્તાવેજો અને ફાઇલો, એક ડાયરી અને કાગળો જપ્ત કર્યાં હતાં.

મેં કોઈના પર જબરદસ્તી (બળાત્કાર) કરી નથી, જે થયું સંમતિથી થયું : અશોક ખરાત

અશોત ખરાતની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં અશોક ખરાતે પોતાને બચાવવા કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે. તેણે એમ કહ્યું છે કે ‘જે લોકોનું મેં ભલું કર્યું એ જ લોકો મારા પર હવે આક્ષેપ કરી રહ્યા છે. મહિલાઓ સાથે જે કર્યું એ વિધિનો જ એક ભાગ હતો. મેં કોઈના પર જબરદસ્તી (બળાત્કાર) કરી નથી, જે થયું એ સંમતિથી થયું.’

હથિયારનું લાઇસન્સ સસ્પેન્ડ

નાશિક જિલ્લા ઍડ્‍મિનિસ્ટ્રેશને તેનું વેપન લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે, કારણ કે તેની સામે અનેક કેસ હોવાથી તે લોકોને ધમકાવવા અને ડરાવવા માટે હથિયારોનો ઉપયોગ કરી શકે છે. સિન્નરના મીરગાંવના રહેવાસી અશોક ખરાતે ૨૦૧૨ની ૧૫ ઑક્ટોબરે રિવૉલ્વરનું લાઇસન્સ મેળવ્યું હતું જે ૨૦૨૪ની પહેલી જાન્યુઆરીએ રિન્યુ કરવામાં આવ્યું હતું, જેની વૅલિડિટી ડિસેમ્બર ૨૦૨૮ સુધી હતી. સરકારવાડા પોલીસ-સ્ટેશનમાં અશોક ખરાત સામે કેસ નોંધાયા બાદ પોલીસે તેની પાસેથી હથિયાર અને ગોળીઓ જપ્ત કર્યાં હતાં.

nashik Crime News political news maharashtra news maharashtra