સાયન ફ્લાયઓવરનું સમારકામ ૨૦ જૂન સુધીના સાત વીક-એન્ડ સુધી ચાલશે

09 May, 2022 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વીક-એન્ડના સમારકામ દરમ્યાન આ સમય દરમ્યાન વાહનોને રસ્તામાં ઊભાં ન રાખવાની સૂચનાઓ જારી કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)એ સાયન ફ્લાયઓવરનું બે દિવસ રિપેરિંગ કર્યા બાદ આજે સવારથી એ વાહનવ્યવહાર માટે ફરી શરૂ કરી દેવાયો છે. રિપેરિંગ ૨૦ જૂન સુધી દર વીક-એન્ડમાં હાથ ધરાવાનું હોવાથી શનિવાર અને રવિવાર માટે અહીંના ટ્રાફિકને બીજે વાળવામાં આવ્યો છે. પહેલા વીક-એન્ડમાં રિપેરિંગ કરાયા બાદ હજી સાત વીક-એન્ડ એ સુધી ચાલશે.

ટ્રાફિક પોલીસે આપેલી માહિતી મુજબ સાયન ફ્લાયઓવરમાં સમારકામ હાથ ધરાવવાનું હોવાથી ૨૦ જૂન સુધી એટલે કે ૭ મેથી ૧૯ જૂન સુધીનાં ૮ અઠવાડિયાંના વીક-એન્ડ સુધી વાહનવ્યવહાર માટે એ બંધ કરવામાં આવશે. પહેલા વીક-એન્ડનું કામ થઈ ગયા બાદ આજથી આવતા શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધી અહીં રાબેતા મુજબ વાહનવ્યવહાર ચાલુ રહેશે.

વીક-એન્ડના સમારકામ દરમ્યાન આ સમય દરમ્યાન વાહનોને રસ્તામાં ઊભાં ન રાખવાની સૂચનાઓ જારી કરવામાં આવી છે.

આગામી સાત વીક-એન્ડ સુધી ઉત્તર તરફનાં વાહનોને ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગમાં તો મુંબઈ ડૉક અથવા દક્ષિણ મુંબઈ તરફથી આવતાં વાહનોને અરોરા જંક્શન પરથી રાઇટ ટર્ન લઈને ચાર લેન અને બાદમાં રાઇટ ટર્ન લઈને વડાલા બ્રિજ, બરકત અલી નાકા, છત્રપતિ શિવાજી ચોક, બરકત અલી દરગાહ રોડ (શિવડી-ચેમ્બુર લિન્ક રોડ), ભક્તિ પાર્ક-વડાલા-અણિક ડેપોથી આહુજા બ્રિજ તરફ વાળવામાં આવ્યો છે.

આવી જ રીતે દક્ષિણ મુંબઈથી આવતાં વાહનોને અરોરા જંક્શનથી જમણે વાળવામાં આવશે. માઝગાવ, રે રોડ, કાલાચૌકી, ફોર-લેન રોડ તરફથી ડાબે વળીને વડાલા બ્રિજ અને ત્યાંથી બરકત અલી નાકા, શાંતિનગર, ભક્તિ પાર્ક, અણિક ડેપો, આહુજા બ્રિજ અને ત્યાંથી થાણે, નવી મુંબઈ તરફ જઈ શકાશે. 

mumbai mumbai news sion