મહારાષ્ટ્રની ટ્રેડિશનલ રત્નાગિરિ તથા દેવગઢ જેવી જ આફ્રિકન આફૂસ મુંબઈમાં

08 November, 2020 07:43 AM IST  |  Mumbai | Rohit Parikh

મહારાષ્ટ્રની ટ્રેડિશનલ રત્નાગિરિ તથા દેવગઢ જેવી જ આફ્રિકન આફૂસ મુંબઈમાં

નવી મુંબઈમાં આવી પહોંચેલી આફ્રિકન આફૂસ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ રત્નાગિરિ તથા દેવગઢ જેવા સ્વાદની સાઉથ આફ્રિકાની આફૂસ કેરી નવી મુંબઈની માર્કેટમાં આવી ગઈ છે. આ અઠવાડિયામાં આ આફૂસ નવી મુંબઈના એક એક્સ્પોર્ટરે માર્કેટમાં મગાવી હતી, પરંતુ ઓછી કેરીની પેટીઓ આવી હોવાથી એ તરત જ માર્કેટમાંથી અદૃશ્ય થઈ ગઈ હતી. અમુક વેપારીઓને એની ફક્ત ઝલક જ જોવા મળી હતી. હવે પછી મંગળવારે બીજી પેટીઓ માર્કેટમાં આવી જશે, ત્યાર બાદ તેના ભાવ જાહેર થશે. ગયા અઠવાડિયે આવેલી આફ્રિકન આફૂસના રીટેલ માર્કેટમાં ભાવ નવથી પંદર નંગના ૩૦૦૦થી ૩૬૦૦ રૂપિયા રહ્યા હતા.

સાઉથ આફ્રિકાની આફૂસની પેટીઓ નવી મુંબઈમાં આવેલી વાશીની એપીએમસી હૉલસેલ ફ્રૂટ માર્કેટમાં ગયા નવેમ્બરમાં પહેલાં અઠવાડિયામાં જ આવી ગઈ હતી. જેનો સ્વાદ રત્નાગિરિ તથા દેવગઢ આફૂસ કેરી જેવો જ હોવાથી મુંબઈના કેરીના સ્વાદરસિયાઓએ મહારાષ્ટ્રની આફૂસ માર્કેટમાં આવે એ પહેલાં જ માણવાની શરૂઆત કરી દીધી હતી. એ સમયે આફ્રિકન આફૂસ કેરીનો ભાવ ૧૮૦૦થી ૨૨૦૦ રૂપિયા ડઝનનો હતો.

કેરીની સીઝનની શરૂઆત જાન્યુઆરી મહિનાથી થાય છે, જ્યારે આફ્રિકન આફૂસ આપણા દેશની માર્કેટમાં ઑકટોબરથી આવવાની શરૂ થઈ જાય છે. આફ્રિકામાં આફૂસની સીઝન ઑકટોબરથી ડિસેમ્બર હોય છે. ફ્રૂટના વેપારીઓની જાણકારી પ્રમાણે આ આફૂસનું પ્રોડકશન યુરોપિયન-આફ્રિકન કંપની મલાવી મેન્ગોઝ લિમિટેડ કંપની દ્વારા આજથી દસ વર્ષ પહેલાં શરૂ થઈ ગયું હતું. એમ પણ કહેવાય છે કે આ કંપની રત્નાગિરિ અને દેવગઢ આફૂસના પ્લાન્ટસ મલાવીમાં લઈ ગઈ હતી. જ્યાં તેણે આ પ્લાન્ટસનું વાવેતર કરીને આફૂસ કેરીના ઉત્પાદનની શરૂઆત કરી હતી. આફ્રિકાના ઝામ્બિયા અને ટાન્ઝાનિયાની વચ્ચે આવેલા સાઉથ ઈસ્ટ આફ્રિકાના મલાવીમાં ૧૪૦૦ એકર જમીનમાં ત્યાંની લોકલ કેરીની સાથે આફૂસના પાકનું ઉત્પાદન થાય છે.

આપણા દેશમાં આફ્રિકન આફૂસ સૌથી પહેલાં ઑકટોબર ૨૦૧૮માં આવી હતી. જેની આયાત મુખ્યત્ત્વે પુણે અને નવી મુંબઈના ફ્રૂટના લિમિટેડ વેપારીઓ જ કરી રહ્યા છે. આ વેપારીઓનો દાવો છે કે આફ્રિકન આફૂસનો સ્વાદ ૯૯ ટકા રત્નાગિરિ અને દેવગઢની આફૂસ જેવો જ હોવાથી કેરીના સ્વાદરસિયાઓમાં આપણા દેશમાં કેરીની સીઝનની શરૂઆત થાય એના બે મહિના પહેલાં જ આફ્રિકન આફૂસની ડિમાન્ડ શરૂ થઈ જાય છે.

આપણી માર્કેટમાં સૌથી પહેલાં કોંકણ અને કેરળથી કેરી આવવાની શરૂઆત થાય છે એ વિશે વાશીની એપીએમસી હૉલસેલ ફ્રૂટ માર્કેટના અગ્રણી સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતમાં કેરીની સીઝન જાન્યુઆરીથી ઑગસ્ટ મહિના સુધી ચાલે છે. જેની શરૂઆત સાઉથથી નૉર્થ તરફ હોય છે. આફ્રિકન આફૂસની સૌથી પહેલી આયાત ૨૦૧૮ના ઑકટોબર મહિનામાં કરવામાં આવી હતી. હજુ એ સમયે શરૂઆત હોવાથી ફક્ત ૨૦ ટન માલવી આફૂસ આયાત કરવામાં આવી હતી. તેનો ટેસ્ટ માણ્યા પછી કેરીના રસિયાઓમાં આ કેરીની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે જેથી આ સીઝનમાં આ આફૂસ કેરી ૧૦૦ ટનથી વધુ આયાત થશે.

આ માર્કેટના કેરીના વેપારીઓએ આ બાબતની માહિતી આપતા ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે ભારતમાં ૪૦થી વધુ વેરાઇટીઝની કેરીઓના પાક હોવાથી વિદેશથી કેરીની આયાત વેપારીઓ કરતા નથી, પરંતુ કેરીની સીઝન ગરમીના દિવસોમાં એટલે કે જાન્યુઆરીથી શરૂ થાય છે, જ્યારે આફ્રિકન આફૂસ શિયાળામાં આવતી હોવાથી દેશની કેરી અને તેની વચ્ચે ઘર્ષણ થતું નથી. તેથી માલવીની કેરીની આયાતમાં વેપારીઓ રસ લઈ રહ્યા છે. આફ્રિકન આફૂસની આયાત માટે ઇન્ડિયન હાઈકમિશન સંપૂર્ણ સાથ-સહકાર આપી રહ્યું છે. માલવી આફૂસનું પૅકિંગ તેની સાઇઝ પર આધારિત છે. તેના બૉક્સ ૯, ૧૨, ૧૫ અથવા ૧૬ નંગ કેરીના હોય છે.

mumbai mumbai news maharashtra ratnagiri