ઘાટકોપરના જીરાવલ્લા દેરાસરમાં ફરી ચોરી

09 August, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધચક્રની ચોરી બાદ હવે ચાંદીનું કમળ ચોરાયું: પૂજા કર્યા બાદ ચાંદીની વસ્તુઓ કબાટમાં મૂકી, પણ લૉક કરવાનું ભુલાઈ ગયું એટલે થઈ ચોરી

ઘાટકોપર-ઈસ્ટમાં આવેલ પ્રતિષ્ઠિત શંખેશ્વર પાર્શ્વનાથ જીરાવલ્લા જૈન દેરાસર

ઘાટકોપર-ઈસ્ટમાં આવેલા પ્રતિષ્ઠિત શંખેશ્વર પાર્શ્વનાથ જીરાવલ્લા જૈન દેરાસરમાંથી પૂજા માટે વપરાતું આશરે બે લાખ રૂપિયાનું ચાંદીનું કમળ ચોરાઈ જવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે મંદિરમાં મૅનેજર તરીકે ફરજ બજાવતા ૬૦ વર્ષના કિરણ ગંગરે પંતનગર પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ગયા રવિવારે દેરાસરમાં ભક્તોની ભીડની વચ્ચે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે દેરાસરની અંદર તેમ જ બહાર લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ દેરાસરમાં આ વર્ષમાં ચોરીની આ બીજી ઘટના નોંધાઈ છે. જૂનમાં દેરાસરમાંથી સિદ્ધચક્ર યંત્રની ચોરી થઈ હતી.
કિરણ ગંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેરાસરમાં બીજી ઑગસ્ટે સવારે આઠથી બપોરે બે વાગ્યા દરમ્યાન વિશાળ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. સવારે પૂજાવિધિ માટે મંદિરના કર્મચારીએ નાની રૂમના કબાટમાંથી ચાંદીનો પાટલો, ચાંદીનું નારિયેળ અને ચાંદીનું કમળ બહાર કાઢ્યાં હતાં. પૂજા પૂરી થયા બાદ આ તમામ કીમતી વસ્તુઓ કબાટમાં મૂકી દેવામાં આવી હતી, પરંતુ કર્મચારી ભૂલથી કબાટ લૉક કરવાનું ભૂલી ગયો હતો. બીજા દિવસે એટલે કે ૩ ઑગસ્ટે સવારે ૮ વાગ્યે કર્મચારી પૂજાનો સામાન કાઢવા ગયો ત્યારે કબાટ ખુલ્લું જોવા મળ્યું હતું. તપાસ કરતાં ચાંદીનો પાટલો અને ચાંદીનું નારિયેળ સલામત મળી આવ્યાં હતાં, પરંતુ બે લાખ રૂપિયાનું આશરે એક કિલો વજન ધરાવતું ચાંદીનું કમળ ગાયબ હતું. અમે તાત્કાલિક સ્ટાફના સભ્યો સાથે સમગ્ર મંદિર પરિસરમાં બે દિવસ સુધી ચાંદીના કમળની શોધખોળ કરી હતી, પરંતુ એ ન મળી આવતાં ખુલ્લા કબાટનો લાભ ઉઠાવીને કોઈ અજ્ઞાત તસ્કરે એની ચોરી કરી હોવાની ખાતરી થઈ હતી. અંતે અમે પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

પોલીસ શું કહે છે?
આ સમગ્ર મામલે પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે રૂમમાં કબાટ રાખવામાં આવ્યું હતું એ ચોક્કસ વિસ્તારમાં CCTV કૅમેરા લાગેલા નથી. વધુમાં ચોરી રવિવારે થઈ હતી, જ્યારે અમારી પાસે આની ફરિયાદ ત્રણથી ૪ દિવસ પછી આવી હતી. રવિવારે ધાર્મિક કાર્યક્રમ હોવાથી દેરાસરમાં ભક્તોની ભારે ભીડ હતી, જેને કારણે ચોરી ક્યારે અને કઈ રીતે થઈ એની ચોક્કસ માહિતી મળી શકી નથી. હાલ અમે CCTV કૅમેરા વગરના આ કેસમાં ટેક્નિકલ એવિડન્સ અને કૉલ ડીટેલ્સ જેવા ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસ તેજ બનાવી છે.’

mumbai news mumbai jain community religious places Crime News mumbai crime news mumbai police