વસઈ પોલીસે આફતાબની ધરપકડ ન કરતાં તેને દિલ્હી શા માટે જવા દીધો?

20 November, 2022 12:10 PM IST  |  Mumbai | Diwakar Sharma

એને કારણે તેને બાકી રહેલા પુરાવાઓનો નાશ કરવા માટે પૂરતો સમય મળી ગયો, કારણ કે પોલીસની પૂછપરછમાં શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના ટુકડા ફ્રિજમાં સંઘર્યા હોવાની અને સાઉથ દિલ્હીના મહરૌલીમાં એનો નિકાલ કર્યો એની વિગતો જણાવી હતી

ફાઇલ તસવીર

માણિકપુર પોલીસ ભલે પોતે લિવ-ઇન પાર્ટનરની હત્યા કરનારા આફતાબ પૂનાવાલાને પકડવામાં દિલ્હી પોલીસને મદદ કરી હોવાની બડાઈ મારતી હોય, પરંતુ હકીકત એ છે કે મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસે હત્યાના પુરાવાઓ સગેવગે કરવા માટે તેને પૂરતો સમય આપ્યો હતો.

શ્રદ્ધા વાલકરના નજીકના મિત્ર લક્ષ્મણ નાદરે ૧૪ સપ્ટેમ્બરે તેનો શ્રદ્ધા સાથેનો સંપર્ક તૂટી ગયો હોવાની જાણ તેના ભાઈ શ્રીજય વાલકરને કરી હતી. તેણે તેના પિતા વિકાસ વાલકરને આ બાબતની જાણ કરતાં તેમણે લક્ષ્મણ નાદર સાથે સ્પષ્ટતા કર્યા બાદ ૧૨ ઑક્ટોબરે માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વસઈની તપાસકર્તા ટીમને આફતાબ પૂનાવાલાએ ૨૦ મેથી શ્રદ્ધા વાલકર તેની સાથે ઝઘડો કરીને તેને છોડીને જતી રહી હોવાનું અને ૧૩ જૂને પોતાનો સામાન પાછો લેવા આવી હોવાનું જણાવ્યું હતું.

ફોન પર આફતાબ પૂનાવાલાના અસંતોષકારક જવાબ બાદ વસઈ પોલીસે તેને અહીં પહોંચવા જણાવ્યું હતું. નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં વસઈ પોલીસને મળેલા આફતાબ પાસેથી સચ્ચાઈ ઓકાવવા પોલીસે શરાબનો સહારો લીધો હતો અને શરાબના નશામાં આફતાબે વટાણા વેરી નાખ્યા હતા અને કેવી રીતે શ્રદ્ધાની ત્યાં કરીને તેના શરીરના ટુકડા કરી ફ્રિજમાં સંઘર્યા અને સાઉથ દિલ્હીના મહરૌલીમાં એનો નિકાલ કર્યો એની વિગતો ઓકી હતી.

જોકે વસઈની તપાસકર્તા ટીમે તરત વસઈમાં જ તેની ધરપકડ ન કરતાં તેને દિલ્હી જવા દીધો હતો, જ્યાં તેને બાકી રહેલા પુરાવાઓનો નાશ કરવા માટે પૂરતો સમય મળી ગયો હતો. જો આફતાબની ધરપકડ વસઈમાં જ કરીને તેને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હોત તો દિલ્હી પોલીસને મહરૌલીમાંથી શરીરના બાકી બચેલા ટુકડાઓ ભેગા કરવામાં થયેલી દોડધામ ઘણી ઓછી થઈ ગઈ હોત. આ બાબતે વરિષ્ઠ અધિકારીઓએ વિભાગીય તપાસ હાથ ધરવાની જરૂર છે.

mumbai mumbai news vasai mumbai police new delhi diwakar sharma