શ્રદ્ધાના હત્યારાને ફાંસી અપાવવા પોલીસે કરી જડબેસલાક તૈયારી

23 January, 2023 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી પોલીસે તૈયાર કરી ૩૦૦૦ પાનાંની ચાર્જશીટ : આરોપીને સર્વોચ્ચ સજા થાય એ માટે શક્ય હોય એ તમામ પુરાવા ભેગા કર્યા : આ અઠવાડિયે કોર્ટમાં ચાર્જશીટને દાખલ કરવામાં આવે એવી શક્યતા

શ્રદ્ધા વાલકર અને આફતાબ પૂનાવાલા

મુંબઈ: મૂળ વસઈની શ્રદ્ધા વાલકરની તેના જ બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ કરેલી કરપીણ હત્યાની તપાસના કેસમાં દિલ્હી પોલીસે હવે ૩૦૦૦ પાનાંની ચાર્જશીટ તૈયાર કરી છે. એમાં ૧૦૦ કરતાં વધુ સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ; આફતાબની પૉલિગ્રાફ, નાર્કો અને ડીએનએ ટેસ્ટના રિપોર્ટ્સ અને અન્ય પુરાવાઓનો સમાવેશ કરાયો છે. જોકે આગળ જતાં કોઈ કાયદાકીય ગૂંચવણ ઊભી ન થાય અને કોઈ ત્રુટિ ન રહી જાય એ માટે એ ચાર્જશીટ કાયદાના પંડિતોને અભ્યાસ માટે અપાઈ છે. ટૂંક સમયમાં દિલ્હી પોલીસ એ ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરશે. આફતાબે પણ કબૂલ્યું છે કે તેણે શ્રદ્ધાની હત્યા કરી છે. જોકે તેણે એમ કહ્યું છે કે તેની અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો અને તેણે ઉશ્કેરાઈ જઈને તેની હત્યા કરી હતી.

દિલ્હી પોલીસે આ સંદર્ભે માહિતી આપતાં કહ્યું છે કે ‘શ્રદ્ધા હત્યાકાંડની ગંભીરતા જોતાં અમે આ કેસની ચાર્જશીટ બની શકે એટલી ચોકસાઈપૂવર્ક તૈયાર કરી છે. એટલું જ નહીં, ઘટના સાથે સંકળાયેલા મોટા ભાગના સવાલોના જવાબો આપ્યા છે. સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ્સ નોંધી આ કેસ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ જંગલમાંથી મળી આવેલાં હાડકાંની ડીએનએ ટેસ્ટ કરાવી એનો રિપોર્ટ અને આરોપી આફતાબની પૉલિગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટનો અહેવાલ પણ એમાં જોડ્યા છે.’

એ સિવાય ડિસેમ્બરમાં દિલ્હી પોલીસને શ્રદ્ધા અને આફતાબની એક ઑડિયો-ક્લિપ મળી હતી, જેમાં તે બંને ઝઘડી રહ્યાં હતાં. આ કેસમાં એ હત્યા કરવાનો ઇરાદો સ્થાપિત કરવા માટેનો મહત્ત્વનો પુરાવો બની શકે છે. વળી સીબીઆઇને કોર્ટ તરફથી એ ઑડિયો-ક્લિપને આફતાબના વૉઇસ સૅમ્પલ સાથે સરખાવી જોવાની પણ પરવાનગી મળી ગઈ છે, જે આ કેસમાં બહુ જ મહત્ત્વની કડી બની રહેશે. પોસ્ટમૉર્ટમ અંતર્ગત શ્રદ્ધાનાં ૨૩ હાડકાંની ચકાસણી કરવામાં આવી હતી. એની ડીએનએ ટેસ્ટ પણ કરાઈ છે જે તેના પિતાના સૅમ્પલ સાથે સરખાવી જોવાઈ હતી. એથી એ હાડકાં શ્રદ્ધાનાં હોવાનું સિદ્ધ થયું. ત્યાર બાદ એની એઇમ્સમાં પણ ચકાસણી કરાઈ હતી, જેમાં એ હાડકાં કરવતથી કાપવામાં આવ્યાં હોવાનું જણાઈ આવ્યું છે. હાડકાં પર કરવતનાં નિશાન મળી આવ્યાં છે. 

mumbai mumbai news vasai