ન્યૂઝ શોર્ટમાં: દેવપોઢી એકાદશી-અષાઢી એકાદશીની ઉજવણી

26 July, 2026 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારે અષાઢી એકાદશી જેને દેવપોઢી એકાદશી પણ કહેવાય છે એની મુંબઈમાં જોશભેર ઉજવણી થઈ હતી

જોશભેર ઉજવણી

શનિવારે અષાઢી એકાદશી જેને દેવપોઢી એકાદશી પણ કહેવાય છે એની મુંબઈમાં જોશભેર ઉજવણી થઈ હતી. અષાઢી એકાદશીએ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં ૪ મહિના યોગનિદ્રામાં પોઢી જાય છે એવી માન્યતા હિન્દુ ધર્મમાં છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ એની ઉજવણી થઈ હતી અને પાલખી પણ નીકળી હતી. વસઈના કૌશિક દિલીપ નામના આર્ટિસ્ટે મોરપીંછ પર ફક્ત ૩૦ જ મિનિટમાં ભગવાન વિઠ્ઠલનું સુંદર ચિત્ર બનાવ્યું હતું. બીજી બાજુ બાંદરા-ઈસ્ટના કલાનગરમાં અષાઢી એકાદશીની પાલખી કાઢવામાં આવી હતી.

થાણેની સુધરાઈ દ્વારા પૂરગ્રસ્ત દહાણુમાં રાહતટીમ રવાના

પાલઘરને ધમરોળનાર વરસાદે હવે થોડો પોરો ખાધો છે અને ઉઘાડ નીકળ્યો છે ત્યારે સૌથી મહત્ત્વ કામનું ત્યાં સફાઈ કરવાનું છે. અનેક જગ્યાએ પાણી ભરાયાં હોવાથી ઘણું નુકસાન પણ થયું છે. રોગચાળો ફાટી ન નીકળે એટલા માટે પ્રશાસન હવે ત્યાં સાફસફાઈને અને જંતુનાશક દવાના છંટકાવને અગ્રતા આપી રહ્યું છે. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા શનિવારે પૂર પછીની સફાઈ અને રોગનિવારણ કામગીરીમાં મદદ કરવા માટે પાલઘર જિલ્લાના દહાણુ માટે ૨૧૫ સભ્યોની એક ખાસ રાહત અને સ્વચ્છતા ટીમ રવાના કરવામાં આવી હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું.છેલ્લા ૩ દિવસથી ભારે વરસાદને કારણે દહાણુ તાલુકામાં પરિવહન અને જાહેર માળખાકીય સુવિધાઓ ખોરવાઈ ગઈ છે. કોસ્ટલ હાઇવેનો ભાગ ધોવાઈ ગયો છે અને સ્થાનિક સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ના બસડેપોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે.

વિવાદાસ્પદ નકશા સાથે નેપાલ બહાર પાડશે ૧ રૂપિયાનો નવો સિક્કો

નેપાલ સરકાર વિવાદાસ્પદ સત્તાવાર નકશા સાથે એક રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવાની તૈયારીમાં છે. નવા સિક્કાની ડિઝાઇનને નેપાલના મંત્રીમંડળે મંજૂરી આપી છે. આ નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોને પણ નેપાલના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

આજે લાડવાડીમાં લાડ જ્ઞાતિના ચૂંટાયેલા નવા પદાધિકારીઓ અને સમિતિ સદસ્યોની સોગંદવિધિ

આજે રવિવારે ૨૬ જુલાઈએ મુંબઈની લાડ જ્ઞાતિમાં સૌપ્રથમ વાર ચૂંટાયેલા ૩ પદાધિકારીઓ અને સર્વે વહીવટદાર સમિતિ સદસ્યોની સંપૂર્ણ લોકશાહી પરંપરાનુસાર પોતાના હોદ્દા તેમ જ જ્ઞાતિના બંધારણ પરત્વે ફરજો, નિષ્ઠા, વફાદારી અને ગુપ્તતાની સોગંદવિધિ કરવામાં આવશે. અનેક જ્ઞાતિજનોની હાજરીમાં અગ્રણી જ્ઞાતિજન અને જ્ઞાતિશ્રેષ્ઠી સંદીપ અતીત સોગંદવિધિ કરાવશે. સાંજના છ વાગ્યે સોગંદવિધિ સમારંભમાં સૌપ્રથમ સર્વે જ્ઞાતિજનો વાડીમાં​ બિરાજમાન સિંહવાહિની શ્રી પદમાક્ષી મંદિરમાં દર્શન કરશે. ત્યાર બાદ રાષ્ટ્રગીતનું ગાન, દીપપ્રાગટ્ય અને સોગંદવિધિ થશે. જ્ઞાતિના ઇતિહાસમાં આ પ્રકારની સોગંદવિધિ સૌપ્રથમ વાર યોજાઈ રહી છે.

mumbai news mumbai religious places culture news thane nepal