ડોમ્બિવલીમાં શનિ-રવિવારે દુકાનો ખુલ્લી રહેશે

11 September, 2020 09:30 AM IST  |  Mumbai | Mumbai correspondent

ડોમ્બિવલીમાં શનિ-રવિવારે દુકાનો ખુલ્લી રહેશે

પ્રતીકાત્મક તસવીર

ચાર મહિનાના કડક લૉકડાઉન બાદ સરકારે અનેક વ્યવસાયને ખોલવાની પરવાનગી આપી છે ત્યારે ડોમ્બિવલી-કલ્યાણમાં અનેક વેપારીઓ એક ખોટા મેસેજથી પરેશાનીમાં મુકાયા હતા. ગુરુવારે કલ્યાણ અને ડોમ્બિવલીમા કેડીએમસીનો એક પરિપત્ર વાઇરલ થયો હતો, જેમાં તમામ દુકાનોને શનિ-રવિવારે બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો હતો, પણ આ વાત ખોટી હોવાનું કેડીએમસીના કમિશનરે જણાવ્યું હતું અને કહ્યું હતું કે આવા મેસેજ વાઇરલ કરનાર સામે કાનૂની પગલાં લેવામાં આવશે.
લૉકડાઉન હોવાથી અનેક લોકો ઘરે બેસીને કામ કરી રહ્યા છે ત્યારે અનેક લોકો આવા ફેક મેસેજથી લોકોને પરેશાન કરી રહ્યા છે. ગઈ કાલે સવારે ડોમ્બિવલી અને કલ્યાણના અનેક વેપારીઓને સોશ્યલ મીડિયા દ્વારા એક મેસેજ સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો, જેમાં કેડીએમસીનો ઉલ્લેખ કરીને જણાસાયું હતું કે હાલમાં કોરોનાના કેસ વધવાથી તમામ દુકાનો શનિ-રવિવારે બંધ રાખવી પડશે. જો કોઈ કાયદાનો ભંગ કરશે તો તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં વેપારમાં મંદી છે અને ઉપરથી આવા આ મેસેજથી અનેક વેપારીઓમાં ભયનું વાતાવરણ પેદા થયું હતું. જોકે આ મેસેજ તદ્દન ખોટો છે.
કલ્યાણ-ડોમ્બિવલીના મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય સૂર્યવંશીએ કહ્યું કે પાલિકા તરફથી કોઈ પરિપત્ર દુકાનોને બંધ રાખવા માટે આપવામાં આવ્યો નથી. લોકો ટાઇમપાસ કરવા માટે આવાં કામ કરતા હોય છે. આ સંબંધે પોલીસને જાણ કરવામાં આવી છે. તેઓ આ મેસેજ વાઇરલ કરનારને શોધી રહ્યા છે.

dombivli mumbai mumbai news