શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસની રાજ્યપાલની મુલાકાત લંબાવાઈ

17 November, 2019 10:36 AM IST  |  Mumbai

શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસની રાજ્યપાલની મુલાકાત લંબાવાઈ

ક્યારે બનશે સરકાર?

શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસના નેતાઓએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવાનો સમય માગ્યો હતો. ત્રણેય પક્ષના નેતાઓ બપોર બાદ ૪.૩૦ વાગ્યે રાજભવન પહોંચવાના હતા, પરંતુ આ મુલાકાત છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. એનસીપી અને શિવસેનાના નેતાઓએ આ વિશે કહ્યું હતું કે ટોચના નેતાઓ મુંબઈમાં હાજર ન હોવાથી તેઓ રાજ્યપાલને નહોતા મળી શક્યા. આથી આજે રાજ્યપાલને મળવાનો ફરી સમય લેવામાં આવશે.
ચોમાસા અને ચોમાસા બાદના કમોસમી વરસાદને લીધે રાજ્યના ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાથી તેમને તાત્કાલિક ધોરણે વળતર આપવા બાબતે શનિવારે ત્રણેય પક્ષના નેતાઓએ રાજ્યપાલને મળવાનો સમય માગ્યો હતો. સરકાર બનાવવાનો દાવો આ સમયે તેઓ કરવાના હતા કે નહીં એનો ખુલાસો કોઈએ નહોતો કર્યો, પરંતુ તેઓ આ વિશે રાજ્યપાલ સાથે ચર્ચા કરે એવી શક્યતા હતી.
શિવસેનાના વિધાનસભ્યોના નેતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે ત્રણેય પક્ષના ટોચના નેતાઓ અત્યારે રાજ્યમાં પડેલા લીલા દુષ્કાળમાં ખેડૂતોને થયેલા નુકસાનની ચકાસણી કરવા દોરા પર છે. ખેડૂતોને થયેલા નુકસાનનું પંચનામું ઝડપથી કરીને તેમને વળતર મળે એ માટેના તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આથી રાજ્યપાલને મળવા તેઓ મુંબઈમાં હાજર ન હોવાથી રાજભવન નહોતા ગયા. આ નેતાઓ મુંબઈ આવ્યા બાદ ફરીથી રાજ્યપાલને મળવાનો સમય લેવામાં આવશે.

nationalist congress party shiv sena