અમારી છાતી ફાડશો તો રામ જ દેખાશે : ચંદ્રકાંત પાટીલ

08 March, 2020 05:54 PM IST  |  Mumbai Desk

અમારી છાતી ફાડશો તો રામ જ દેખાશે : ચંદ્રકાંત પાટીલ

ચંદ્રકાંત પાટીલ

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અયોધ્યાની મુલાકાત માટે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જોરદાર ટીકા કરી છે. શિવસેનાએ અયોધ્યામાં જઈને રામ સાથેનો સંબંધ દેખાડવો પડે છે, જ્યારે અમારી છાતી ફાડીને જોશો તો રામ જ દેખાશે. આ પહેલાં બપોરે ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા પહોંચીને બીજેપી પર ટીકા કરતાં કહ્યું હતું કે બીજેપી એટલે હિન્દુત્વ નથી, શિવસેના બીજેપીથી દૂર ગઈ છે પણ હિન્દુત્વથી અળગી નથી થઈ.

મહા વિકાસ આઘાડી સરકારના ૧૦૦ દિવસ પૂરા થતાં મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે અયોધ્યા પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતની ટીકા બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કરી હતી.

તેમણે કહ્યું હતું કે શિવસેનાએ અયોધ્યા જઈને રામ સાથે સંબંધ હોવાનું દેખાડવું પડે છે. અમારી છાતી ફાડશો તો રામ જ દેખાશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ૧૯૨૫થી હિન્દુ રાષ્ટ્રની સાંસ્કૃતિક વિચારણા કરી છે. આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ઉદ્ધવ ઠાકરેને પહેલેથી મંજૂર હતો, પરંતુ હવે કૉન્ગ્રેસને પણ એ માન્ય થયો હોય તો એ સારી વાત છે એવો ટોણો માર્યો હતો. આવી રીતે પણ હિન્દુ રાષ્ટ્રવાદ સાકાર થયેલો જોવા મળી રહ્યો છે.

maharashtra shiv sena ayodhya uddhav thackeray