બીજેપીના મત તોડવા ‌શિવસેનાએ હવે ગુજરાતી વિસ્તારોને ટાર્ગેટ કર્યા

11 January, 2021 09:38 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

બીજેપીના મત તોડવા ‌શિવસેનાએ હવે ગુજરાતી વિસ્તારોને ટાર્ગેટ કર્યા

ગઈ કાલે ગુજરાત ભવનમાં આયોજિત શિવસેના મેળાવડામાં ભેગા થયેલા વેપારીઓ

મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૨૨માં યોજાનારી ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વર્ષોથી બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ની વોટ-બૅન્ક ગણાતા ગુજરાતીઓને પોતાની બાજુ કરવા માટે શિવસેનાએ મોટી સંખ્યામાં તેમની ભરતી કરવાનું બીડું ઝડપ્યું છે અને એના જ ભાગરૂ‌પે ગઈ કાલે શિવસેનાએ ‘જલેબી ને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા’ કૅમ્પેન હેઠળ યોજેલા ગુજરાતીઓના સૌપ્રથમ મેળાવડામાં ૧૧ ગુજરાતીઓને ‘શિવબંધન’ બાંધીને પાર્ટીમાં પ્રવેશ આપ્યો હતો.

હવે પછી ગુજરાતીઓના ગઢ ગણાતા બોરીવલી, કાંદિવલી, મલાડ, પાર્લા, તળમુંબઈ, સાયન, માટુંગા, ઘાટકોપર અને મુલુંડમાં ગુજરાતીઓ સાથે મીટિંગ લઈને તેમને શિવસેનામાં જોડાવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે એવી જાહેરાત શિવસેનાના રાષ્ટ્રીય સંગઠક હેમરાજ શાહે કરી હતી. 

ઓશિવરાના લોટસ પેટ્રોલ પમ્પ સામે આવેલા ગુજરાતી સમાજ ભવનમાં શિવસેનાનાં વર્ષોથી નગરસેવક રહેલાં રાજુલ પટેલ, નગરસેવક અને હાલની પાલિકાની શિક્ષણ સમિતિનનાં અધ્યક્ષા સંધ્યા દોશી સહિત ગુજરાતી વેપારીઓ હાજર રહ્યાં હતાં.

હેમરાજ શાહે ઉપસ્થિતોને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘શિવસેના હવે પહેલાં જેવી નથી રહી, એમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ગુજરાતીઓએ ડર રાખવાની જરૂર નથી. મત ઇમ્પોર્ટન્ટ છે. જીએસટી અને નોટબંધીને કારણે વેપારીઓને બહુ નુકસાન થયું છે. વેપારમાં નુકસાની છે. શિવસેનામાં દરેક ધર્મ ને દરેક સમાજના લોકોને સ્થાન છે. અમે વેપારીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયાસ કરીશું. લોકોએ ધ્યાનમાં રાખવું કે કોરોનાના આ કપરા કાળમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લીધેલા સાવધાનીના પગલાને દુનિયાએ વખાણ્યું છે. હવે આપણે મુખ્ય પ્રધાન સાથે જોડાવાનું છે.’

શિવસેનાનાં નગરસેવિકા રાજુલ પટેલે કહ્યું કે ‘ગુજરાતીઓને શિવસેનામાં જોડાવાથી ક્યાંય ઓછું નહીં આવે. તેમને ક્યારેય પારકાપણું નહીં લાગે. મરાઠીઓ પાસે સરસ્વતી છે, ગુજરાતીઓ પાસે લક્ષ્મી છે. આપણે ગુજરાતીઓ મોદીને જોઈને બીજેપીને મત આપીએ છીએ, પણ બીજેપીએ ગુજરાતીઓને અન્યાય કર્યો છે. આટલાં વર્ષોમાં શું મળ્યું? જીએસટી અને  નોટબંધી. બોરીવલી, દહિસરમાં ગુજરાતીઓની મોટી વસ્તી હોવા છતાં બહારથી આવેલા સુનીલ રાણેને કેમ ટિકિટ અપાય છે? બીજેપી માત્ર ગુજરાતીઓનો ઉપયોગ કરે છે.’ 

જૈન સમાજના વિપુલ દોશીનાં પત્ની અને નગર સેવિકા સંધ્યા દોશીએ કહ્યું કે ‘રાજ્યમાં આ પહેલાં બીજેપીની સત્તા હતી. બીજેપીએ શું કર્યું અને શું ન કર્યું એ વિશે હું કાંઈ નહીં કહું, પણ હવે ગુજરાતીઓનું પણ માઇન્ડ સેટ બદલાઈ રહ્યું છે.’ 

mumbai mumbai news shiv sena