આ દેખેં ઝરા, કિસ મેં કિતના હૈ દમ

05 October, 2022 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે આજે પોતાની સભામાં વધુ શિવસૈનિકો આવે એવા પ્રયાસ કર્યા છે ત્યારે મેદાનની ક્ષમતાની દૃષ્ટિએ જોઈએ તો શિવાજી પાર્ક કરતાં એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સમાં ત્રણગણા લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે

સ્ટેજ પર બાળાસાહેબનું ઍનિમેશન અને ૫૧ ફુટની તલવારની પૂજા (તસવીર : શાદાબ ખાન)

શિવસેનાની પરંપરાગત દશેરાસભા માટે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે તૈયારીઓ પૂરી કરી લીધી છે ત્યારે કોની સભામાં કેટલા લોકો આવશે અને કોણ સત્તાના સંઘર્ષમાં બાજી મારશે એના પર સૌની નજર છે. બંને માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે ત્યારે આ સભા માટે કોણે કેવી વ્યવસ્થા કરી છે અને શહેરમાં ટ્રાફિક સહિત બીજી કોઈ સમસ્યા ન સર્જાય એ માટે પોલીસે કેવો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે એ જોઈએ. બંને જૂથ પોતાની સભામાં વધુ શિવસૈનિકો આવશે એવો દાવો કરી રહ્યા છે. 

100

ઉદ્ધવ ઠાકરે જૂથે સિનિયર સિટિઝન અને મહિલાઓ માટે આટલી બસની વ્યવસ્થા કરી છે. બાકીના લોકોને મુંબઈ લાવવા પક્ષના નેતાઓને જવાબદારી સોંપી

37

એમએમઆરડીએ ગ્રાઉન્ડ્‌સ અને શિવાજી પાર્કમાં આટલી જગ્યાએ વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે

14000

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની દશેરાસભામાં પહોંચવા માટે રાજ્યભરમાંથી ૪૦૦૦ બસ અને ૧૦૦૦૦ કાર-ટેમ્પો મળીને આટલાં વાહનો મુંબઈમાં આવશે

1792

ઉદ્ધવ ઠાકરે જૂથે રાજ્યભરમાંથી શિવસૈનિકોને મુંબઈ લાવવા માટે આટલાં વાહનોની વ્યવસ્થા કરી

50000

ઉદ્ધવ ઠાકરેની શિવાજી પાર્કમાં આયોજિત સભામાં આટલા લોકો બહારથી આવવાની શક્યતા

10 કરોડ

એકનાથ શિંદે જૂથે રાજ્યભરમાંથી શિવસૈનિકોને મુંબઈ લાવવા માટે ૧૮૦૦ એસટી બસ બુક કરાવી છે જેના માટે આટલા કરોડ રૂપિયા કૅશ આપ્યા. જે સ્ટાફને ગણતાં 
બે દિવસ લાગ્યા.

20900

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની દશેરાસભાની સાથે આજે માતાની મૂર્તિનું વિસર્જન પણ થવાનું છે એને ધ્યાનમાં રાખીને મુંબઈમાં જબરદસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ૧૫,૨૦૦ પોલીસ કર્મચારી, ૩૨૦૦ પોલીસ અધિકારી, ૧૫૦૦ એસઆરપી જવાન અને ૧૦૦ હોમ ગાર્ડ્સ મળીને મુંબઈભરમાં આજે આટલા લોકો ખડેપગે રહેશે.

5151

મરાઠવાડા, વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી શિવસૈનિકોને મુંબઈ લાવવા માટે એકનાથ શિંદે જૂથે આટલાં વાહનોની વ્યવસ્થા કરી

250000

રાજ્યભરમાંથી દશેરાસભામાં મુંબઈ આવનારા શિવસૈનિકો માટે થાણેમાં આટલાંં ફૂડ-પૅકેટ તૈયાર કરાયાંં

200000

દશેરાસભા માટે બંને જૂથના આટલા લોકો રાજ્યભરમાંથી મુંબઈ આવવામાંની શક્યતા

નિવૃત્ત પોલીસ અધિકારીઓને કામે લગાડાયા

શિવાજી પાર્ક અને બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ્‌સમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શિવસૈનિકો આવવાના છે ત્યારે મુંબઈ પોલીસે કેટલાક નિવૃત્ત પોલીસ અધિકારીઓને કામે લગાડાયા હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં બંને જૂથના શિવસૈનિક સામસામે આવે નહીં અને આવી જાય તો સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસે તૈયારી કરી છે. 

ઉદ્ધવ ઠાકરે પહેલાં આદિત્ય ભાષણ કરશે

શિવાજી પાર્કમાં આયોજિત કરવામાં આવેલી ઉદ્ધવ ઠાકરે જૂથની દશેરાસભામાં પહેલી વખત યુવાસેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરે પહેલાં ભાષણ કરશે એવું જાણવા મળ્યું હતું. શિવસેનાની પારંપરિક દશેરાસભામાં શિવસેનાના સ્થાપક બાળાસાહેબ સિવાય કોઈ મોટા નેતાના ભાષણ નહોતા થતા. આથી પહેલી વખત શિવસેના-પ્રમુખની સાથે યુવાસેનાના પ્રમુખનાં ભાષણો થશે.

સ્ટેજ પર બાળાસાહેબનું ઍનિમેશન અને ૫૧ ફુટની તલવારની પૂજા

એકનાથ શિંદે જૂથે દશેરાસભામાં ઉદ્ધવ ઠાકરેને ચારે બાજુએથી ઘેરવા માટેનો મેગા પ્લાન બનાવ્યો છે. સ્ટેજ પર હોલોગ્રામ ટેક્નૉલૉજીના ઉપયોગથી બાળાસાહેબ ઠાકરેને ઍનિમેશનના રૂપમાં ઊભા કરવામાં આવશે. આથી સભામાં મંચની સામે બેસેલા લોકોને એવું લાગશે કે ખુદ બાળાસાહેબ તેમની સામે ઊભા છે. આ સિવાય દશેરાએ શસ્ત્રોની પૂજા કરાય છે એટલે ૫૧ ફુટ લાંબી તલવારનું પૂજન કરાશે. ઉપરાંત એકનાથ શિંદેના ભાષણ દરમ્યાન બાળાસાહેબ ઠાકરેના ભાષણની ૪૦ ક્લિપ દેખાડવામાં આવશે અને ઉદ્ધવ ઠાકરેએ સત્તા મેળવવા માટે બાળાસાહેબના વિચાર સાથે કેવી રીતે તડજોડ કરી હતી એ આ માધ્યમથી કહેવામાં આવશે. ઉદ્યોગપ્રધાન ઉદય સામંત એકનાથ શિંદેને ૧૨ ફુટ લાંબી તલવાર આપશે. ગિનેસ બુકમાં અત્યાર સુધી ૧૧ ફુટ લાંબી તલવારનો રેકૉર્ડ છે, જે તૂટી શકે છે.  

mumbai mumbai news maharashtra dussehra shiv sena eknath shinde uddhav thackeray