મુંબઈ: શું શીતલ દામાને ગટર ગળી ગઈ?

05 October, 2020 07:31 AM IST  |  Mumbai | Rohit Parikh

મુંબઈ: શું શીતલ દામાને ગટર ગળી ગઈ?

અસલ્ફા રહેતી ગુમ થયેલી શીતલ દામા.

અસલ્ફા વિલેજમાં રહેતી ૩૨ વર્ષની શીતલ જિતેશ દામા શુક્રવારે સાંજે અનાજ દળાવવા ગઈ હતી, પણ ત્યાંથી ગુમ થઈ જતાં અસલ્ફા વિલેજમાં અને ભાનુશાલી સમાજમાં ચકચાર ફેલાઈ ગઈ છે. ચક્કીની નજીક આવેલી એક ગટર પાસેથી લોટની થેલી મળતાં તેના પરિવારને કદાચ શીતલ એ ગટરમાં તણાઈ ગઈ હોવી જોઈએ એવી શંકા છે, પરંતુ ગઈ કાલે રાત સુધી તેનો પરિવાર અને ફાયરબ્રિગેડ તેને શોધવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

ચક્કી પાસેની ખુલ્લી ગટર

સંયુક્ત પરિવારમાં રહેતી શીતલ ગઈ કાલે સાંજે ૬ વાગ્યે તેના ઘર નજીક આવેલી એક ચક્કીમાં અનાજ દળાવવા ગઈ હતી. શીતલ ગયા પછી વરસાદ શરૂ થઈ ગયો હતો. અંદાજે સાંજે ૭.૨૦ વાગ્યે શીતલના ૮ વર્ષના દીકરાએ શીતલના મોબાઇલ પર ફોન કરીને વરસાદ હોવાથી ઘરે પાછી આવી જવા કહ્યું હતું, પણ શીતલ ૮ વાગ્યા સુધી ઘરે પાછી નહોતી આવી એટલે ફરીથી દીકરાએ મમ્મીને ફોન કર્યો હતો, પરંતુ એ સમયે તેનો ફોન લાગતો નહોતો. તેને દોઢ વર્ષની દીકરી પણ છે. તેના હસબન્ડ જિતેશ દાદરની કપડાંની એક દુકાનમાં નોકરી કરે છે.

ગટર પાસેથી મળેલી લોટની થેલી 

આ બાબતે માહિતી આપતાં ભાનુશાલી સમાજના અગ્રણી મહેન્દ્ર ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાત પડ્યા છતાં શીતલ પાછી ન ફરતાં તેના પરિવારે શીતલને શોધવા માટે ચારે બાજુ દોડાદોડ કરી મૂકી હતી. પરિવારજનોએ રાજાવાડી હૉસ્પિટલ અને અન્ય સ્થળોએ તેને શોધવાની જહેમત ઉઠાવી હતી, પણ તેનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. વહેલી સવારે શીતલ ગુમ થયાના સમાચાર સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.

આ બાબતે વધુ માહિતી આપતાં મહેન્દ્ર ભાનુશાલીએ કહ્યું કે ‘સવારે ૬ વાગ્યે અમને ચક્કીની નજીક એક ખુલ્લી ગટર પાસે લોટની થેલી મળી હતી. ત્યાર પછી અમને શંકા ગઈ કે શીતલ કદાચ ખુલ્લા મેઇન હોલમાંથી પડીને ગટરમાં તણાઈ ગઈ હોઈ શકે. એટલે અમે સવારથી ગટરમાંથી શીતલને શોધવાના પ્રયત્ન આદર્યા હતા, પણ રાતે આઠ વાગ્યા સુધી અમારી અને ફાયરબ્રિગેડની જહેમત પછી પણ અમે તેને શોધવામાં નિષ્ફળ રહ્યા હતા.’

ગટરમાં પાણીનો એટલો બધો ફોર્સ હતો કે અમારે માટે ગટરની અંદરની બાજુએ તેને શોધવી શક્ય નહોતી. રાત પડી ગઈ હોવા છતાં અમારી શોધખોળ ચાલુ છે. - મહેન્દ્ર ભાનુશાલી, સમાજના આગેવાન

ghatkopar mumbai mumbai news