આઘાડી સરકાર લઘુમતીમાં મુકાઈ છે કે નહીં એ વિધાનસભામાં સિદ્ધ થઈ જશે : શરદ પવાર

24 June, 2022 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરદ પવારે વધુમાં કહ્યું હતું કે...

વાય. બી. ચવાણ ઑડિટોરિયમમાં એનસીપીના વિધાનસભ્યો સાથેની મીટિંગ પછી મીડિયાને સંબોધી રહેલા શરદ પવાર. (તસવીર : અતુલ કાંબળે)

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાનસભ્યોની સાથે બેઠક કર્યા બાદ રાષ્ટ્રવાદીના વડા શરદ પવારે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘રાજ્યની મહાવિકાસ આઘાડીની સરકાર લઘુમતીમાં છે કે નહીં એની જાણ વિધાનસભામાં ફ્લોર-ટેસ્ટ વખતે થશે. મને નથી લાગતું બળવાખોરોને સપોર્ટ કરી રહેલાઓ અહીં વિધાનસભામાં જ્યારે ફ્લોર-ટેસ્ટ થાય ત્યારે તેમને કંઈ મદદ કરી શકે, કારણ કે બહુમતી પુરવાર કરવા વિધાનસભ્યોએ અહીં આવવું જ પડશે.’  

શરદ પવારે વધુમાં કહ્યું હતું કે ‘અઢી વર્ષથી મહાવિકાસ આઘાડીની સરકારના ત્રણે પક્ષોએ સાથે મળીને ઉત્તમ કારભાર સંભાળ્યો છે. મને ખાતરી છે કે હાલની સરકાર બહુમત સિદ્ધ કરશે. બળવાખોર વિધાનસભ્યો જે દાવો કરી રહ્યા છે કે તેમને તેમના મતક્ષેત્રનો વિકાસ કરવા પૂરતું ફન્ડ ફાળવવામાં આવ્યું નથી એ હકીકત નથી. તેમણે જે નિર્ણય લીધો છે એનું પરિણામ તેમણે ભોગવવું પડશે. આપણા મહારાષ્ટ્રમાં પહેલાં પણ આવું બન્યું હતું. છગન ભુજબળ જ્યારે-જ્યારે છૂટા પડ્યા ત્યારે તેમની સાથે ૧૨થી ૧૫ જણ હતા. જોકે એ પછી જ્યારે ફેરચૂંટણી થઈ ત્યારે ભુજબ‍ળ અને અન્ય એકાદ-બેને બાદ કરતાં બધાનો પરાભવ થયો હતો. જે લોકો આસામ ગયા છે તેમની સાથે પણ આવું બની શકે છે.’  

દરમિયાન અજિત પવારને ગઈ કાલે એ પહેલાં જ્યારે એવું પુછાયું હતું કે શું એકનાથ ​શિંદેના બળવા પાછળ બીજેપીનો હાથ છે? ત્યારે તેમણે કહ્યું હતું કે શિંદેની બળવાખોરી પાછળ બીજેપી ન પણ હોય, મને એવું લાગતું નથી. તેમના આ નિવેદનથી શરદ પવાર તેમના પર પણ ખફા હતા. શરદ પવારે કહ્યું હતું કે ‘અજિત પવારે માત્ર મુંબઈની પરિસ્થિતિ જોઈને એવું કહ્યું હોઈ શકે. અહીંથી હકીકતમાં એટલા વિધાનસભ્યોને લઈ જવા અને તેમને બધાને એકસાથે રાખવા એની જાણ અજિત પવારને હતી, પણ અન્ય રાજ્યો વિશે મને વધુ જાણ છે. વળી સુરતમાં સી. આર. પાટીલે વ્યવસ્થા કરી અને આસામામાં પણ ત્યાંની સરકાર તેમને મદદ કરી રહી છે એથી આની પાછળ કોણ છે એ બહુ સ્પષ્ટ છે અને નામ લેવાની જરૂર નથી.’

mumbai mumbai news maharashtra shiv sena bharatiya janata party nationalist congress party sharad pawar uddhav thackeray