10 August, 2025 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર-SP)ના વડા શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણી પહેલાં મને બે જણ દિલ્હીમાં મળ્યા હતા અને કહ્યું હતું કે તેઓ મહા વિકાસ આઘાડીને ૨૮૮માંથી ૧૬૦ બેઠકો ગૅરન્ટી સાથે જિતાડી આપશે. શરદ પવારે કહ્યું હતું કે મેં એ બે જણને કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરાવી આપી હતી.
શરદ પવારે આ વાત ત્યારે કહી છે જ્યારે રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને ઇલેક્શન કમિશન પર આરોપ કરતાં કહ્યું છે કે BJP ઇલેક્શન કમિશન સાથે મળીને વોટચોરી કરે છે. શરદ પવારે કહ્યું હતું કે ‘૨૦૨૪માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ એ પહેલાં દિલ્હીમાં મને બે જણ મળ્યા હતા જેમણે ગૅરન્ટી આપી હતી કે તેઓ વિધાનસભાની ૨૮૮ બેઠકોમાં અમને ૧૬૦ બેઠકો જિતાડી આપશે. એટલે મેં તેમની મુલાકાત રાહુલ ગાંધી સાથે કરાવી હતી. રાહુલ ગાંધીએ એ વાતને મહત્ત્વ નહોતું આપ્યું. તેમનું એવું માનવું હતું કે આપણે વિરોધ પક્ષે આવી બાબતો સાથે સંકળાવું ન જોઈએ અને સીધું લોકો પાસે જવું જોઈએ. મેં પણ એ બન્ને જણની વાતને મહત્ત્વની ગણી નહોતી એથી તેમનાં નામ અને ઍડ્રેસ મારી પાસે નથી.’
રાહુલ ગાંધી અને શરદ પવાર જે બોલે છે એ સલીમ-જાવેદની સ્ક્રિપ્ટ જેવું લાગે છે: ફડણવીસ
BJPએ ઇલેક્શન કમિશન સાથે મળીને ગોલમાલ કરી છે એવા રાહુલ ગાંધીના આક્ષેપો બાદ શરદ પવારે કહ્યું છે કે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી પહેલાં દિલ્હીમાં બે માણસો તેમને મળ્યા હતા અને તેમણે આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને ૨૮૮માંથી ૧૬૦ બેઠક જિતાડી આપવાની ગૅરન્ટી આપી હતી. હવે એ સામે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો પછી શરદ પવારે હવે એ જ વાત કેમ કરી? આ પહેલાં જ્યારે રાહુલ ગાંધીએ EVM બદલ આક્ષેપ કર્યા હતા ત્યારે ક્યારેય શરદ પવારે તેમને સમર્થન આપ્યું નથી. કશો વાંધો નહીં, કશું પણ થાય પણ ભારતમાં ફ્રી અને ફેર ચૂંટણીઓ થઈ રહી છે. રાહુલ ગાંધી જે વાર્તાઓ કરે છે એ જોતાં એ સલીમ-જાવેદની સ્ક્રિપ્ટ જેવું જણાય છે અને હવે શરદ પવાર જે બોલી રહ્યા છે એ પણ લગભગ એ જ સ્ક્રિપ્ટનો ભાગ લાગે છે.’