હું તેને મારા હાથમાં ઊંચકીને દોડ્યો, પણ ક્રિશા ન બચી શકી

24 January, 2023 07:50 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

સીપી ટૅન્કમાં ગ્રાઉન્ડ પ્લસ ૨૪ માળના બિલ્ડિંગના પંદરમા માળેથી પડેલા કૉન્ક્રીટના ટુકડાએ સાત વર્ષની ગુજરાતી દીકરી ક્રિશા પટેલના માથાનાં બે ફાડચાં કરી નાખ્યાં

ક્રિશા (જમણે) પર જે બિલ્ડિંગ પરથી સ્લૅબ પડ્યો એ સી.પી. ટૅન્કની ઇમારત.


મુંબઈ : તળ મુંબઈના સી. પી. ટૅન્ક વિસ્તારમાં આવેલી ખત્તરગલીમાં રવિવારે રાતે અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાંથી કાટમાળ પડતાં સાત વર્ષની ક્રિશા પટેલનું મોત થયું હતું. આ સંદર્ભે વી. પી. રોડ પોલીસે બિલ્ડર અને સાઇટ સુપરવાઇઝર સામે બેદરકારીનો અને સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી કરી શરૂ છે. 
અકસ્માતની આ ઘટના ખત્તરગલી (શ્રીકાંત પાલેકર માર્ગ)ના ગ્રાઉન્ડ પ્લસ ૨૪ માળના શ્રીપતિ જ્વેલ બિલ્ડિંગમાં રવિવારે રાતે ૧૦ વાગ્યે બની હતી. એમાં પંદરમા માળેથી પ્લાસ્ટરનો ભાગ તૂટી પડ્યો હતો અને એનો કાટમાળ નીચેથી પસાર થઈ રહેલી ક્રિશા પર પડતાં તે ગંભીર રીતે ઘવાઈ હતી. 

મૂળ મહેસાણા પાસેના ઇજપુરા ગામના હિતેશ પટેલ, તેમની પત્ની, પુત્ર અને પહેલા ધોરણમાં ભણતી દીકરી ક્રિશા રવિવારે રાતે નજીકમાં તેમના નવા ઘરમાં એક મહિના પછી રહેવા જવાનું હોવાથી ફર્નિચરનું કામકાજ કેટલે પહોંચ્યું એ જોવા નીકળ્યા હતા. જોકે તેમની એ ખુશી દુખમાં ફેલાઈ ગઈ હતી જ્યારે તેમના હાલના મકાનના પંદરમા માળેથી પડેલા કૉન્ક્રીટના ટુકડાએ ફૂલ જેવી ક્રિશાના માથાનાં બે ફાડચાં કરી નાખ્યાં હતાં. મધરાત બાદ સારવાર દરમિયાન હૉસ્પિટલમાં જ ક્રિશાનું મોત થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો અને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
   

ક્રિશાના પિતા હિતેશભાઈએ આ ઘટનાની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારું આંગડિયાનું કામકાજ છે અને સાથે જીરું અને વરિયાળીનું ટ્રેડિંગ પણ કરી લઉં છું. દોઢ વર્ષ પહેલાં જ અમે અમદાવાદથી મુંબઈ શિફ્ટ થયા છીએ. અહીં ભાડેથી રહેતા હતા. ક્રિશા સિક્કાનગરમાં આવેલી મૉર્ડન સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણતી હતી. અમે રાતે અમારું નવા ઘરમાં ચાલી રહેલું ફર્નિચરનું કામકાજ કેટલે પહોંચ્યું એ જોવા નીકળ્યા હતા. ત્યારે કૉન્ક્રીટનો મોટો ટુકડો ઉપરથી ક્રિશાના માથા પર પડ્યો હતો. એને કારણે તેનું માથું બે ભાગમાં ફાટી ગયું હતું અને મગજ બહાર આવી ગયું હતું. તરત જ હું તેને મારા હાથમાં જ ઊંચકીને દોડ્યો હતો અને એક ઍક્ટિવા પર પાછળ બેસી અમે તેને એચ. એન. હૉસ્પિટલ પહોંચાડી હતી, પણ મધરાત બાદ તેનું મૃત્યુ થયું હતું.’ 
આ બાબતની સ્થાનિક વી. પી. રોડ પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર એન્જિન અને ઍમ્બ્યુલન્સ તરત જ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં.  

આ પણ વાંચો:૮ કરોડની લાલચમાં ૪.૪૦ કરોડ ગુમાવ્યા  
    
મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ કાટમાળ હેઠળથી ક્રિશાને ગંભીર હાલતમાં બહાર કાઢી હતી અને તેને તરત જ સારવાર માટે નજીકની એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશનની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને આઇસીયુમાં રાખવામાં આવી હતી. મધરાત બાદ એક વાગ્યે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. 
વી. પી. રોડ પોલીસે આ સંદર્ભે ડેવલપર રાજેન્દ્ર ચતુર્વેદી અને સાઇટ સુપરવાઇઝર રાઘવજી પરમાર સામે એફઆઇઆર નોંધીને તેમની સામે કાર્યવાહી કરી હતી. વી. પી. રોડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કિશોર શિંદેએ કહ્યું હતું કે ‘મૃતક ક્રિશાનો પરિવાર એ જ કૉમ્પ્લેક્સમાં ભાડે રહેતો હતો. મકાનના કેટલાક માળ ચણાઈ ગયા છે અને ઉપરના માળનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યાંની એક નાની ગલીમાંથી ક્રિશા તેના પરિવાર સાથે પસાર થઈ રહી હતી. એ વખતે પંદરમા માળેથી પ્લાસ્ટર તૂટી પડ્યું હતું. બિલ્ડર દ્વારા પહેલા અને બીજા માળે સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી, પણ શક્ય છે કે વરસાદમાં એ સડી ગઈ હોય. એથી પંદરમા માળેથી પડેલા પ્લાસ્ટર અને કૉન્ક્રીટના ટુકડાને એ જાળી ઝીલી ન શકી અને એ વજનદાર ટુકડા જાળી તોડીને નીચેથી પસાર થઈ રહેલી ક્રિશાના માથા પર પડતાં તેને ગંભીર ઈજા થઈ હતી. અમે પહેલાં આરોપીઓ સામે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો, પણ બાળકીનું મોત થયા બાદ એફઆઇઆરમાં સદોષ મનુષ્યવધના ગુનાની કલમ ઉમેરીને હાલ આરોપીઓને નોટિસ મોકલાવવાની કાર્યવાહી કરી છે. કન્સ્ટ્રક્શન લાઇનમાં સબ-કૉન્ટ્રૅક્ટ પણ અપાતા હોય છે એથી એક્ઝૅક્ટ્લી કોની ભૂલ હતી એ વિશે હાલ અમારી તપાસ ચાલી રહી છે. ક્રિશાના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરીને તેનો મૃતદેહ અમે તેના પરિવારને સોંપ્યો છે.’ 

mumbai news gujarat