ઇન્સ્પેક્ટરે કરેલી મારપીટના વિરોધમાં બોરીવલીના ૪૦૦ વકીલોએ કામ બંધ કર્યું

17 March, 2023 04:27 PM IST  |  Mumbai | Prakash Bambhroliya

અકસ્માતના મામલામાં ક્લાયન્ટના જામીન માટે વકીલ કાંદિવલી ગયા ત્યારે ઇન્સ્પેક્ટરે લાફા માર્યા : મામલાની ફરિયાદ ન લેતાં વકીલોએ વિરોધ દર્શાવ્યો

બોરીવલી કોર્ટમાં વકીલોએ પોલીસની મનમાનીના વિરોધમાં કામ બંધ કર્યું હતું

બોરીવલી કોર્ટમાં વકીલોના વિરોધ બાદ તેમના સપોર્ટમાં બાંદરા કોર્ટના વકીલો પણ આવ્યા છે. ગઈ કાલે બાંદરા, મઝગાંવ અને વિક્રોલી બાર અસોસિએશને ઍડિશનલ ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટને લેટર લખીને કહ્યું હતું કે કાંદિવલી પોલીસે વકીલ પર હાથ ઉપાડ્યો હોવાથી એના વિરોધમાં આજે અમે કોર્ટમાં હાજર નહીં રહીએ.

બોરીવલીની કોર્ટમાં વકીલની પ્રૅક્ટિસ કરતા ગુજરાતી વકીલની એક પોલીસ ઇન્સ્પેક્ટરે મારપીટ કરવાના વિરોધમાં ગઈ કાલે બોરીવલી કોર્ટના ૪૦૦ જેટલા વકીલોએ કામકાજ બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મંગળવાર રાતે કાંદિવલી પોલીસ સ્ટેશનના પરિસરમાં વકીલની મારપીટ કરાયા બાદ પણ સંબંધિત ઇન્સ્પેક્ટર સામે કોઈ ફરિયાદ ન લેવાથી વકીલોએ પોલીસના વર્તનનો વિરોધ કર્યો હતો.

બોરીવલી કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા વકીલ પૃથ્વીરાજ સુરેન્દ્રસિંહ ઝાલાએ મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમ જ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને બુધવારે એક લેખિત ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં પૃથ્વીરાજ ઝાલાએ લખ્યું છે કે ‘મંગળવારે રાત્રે ૯ વાગ્યે મારા એક ક્લાયન્ટે તેના મિત્રના ઍક્સિડન્ટ મામલામાં જામીન મેળવાના માટે મને કૉલ કર્યા હતો એટલે હું ૯.૧૫ વાગ્યે કાંદિવલી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં એક મહિલા કર્મચારીએ ઓળખ આપવાનું કહેતાં મેં વકીલ તરીકેની ઓળખ આપી હતી. આથી મહિલા અધિકારીએ થોડી વાર બહાર બેસવાનું કહ્યું હતું. પંદરેક મિનિટ બાદ કોઈકે પોલીસ સ્ટેશનમાં બોલાવતાં હું અંદર ગયો હતો. મને પોલીસ સ્ટેશનની અંદર આવેલો જોઈને અહીં કાર્યરત અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ગીતે મારા તરફ ધસી આવ્યા હતા અને મારા પર હાથ ઉગામ્યો હતો. મહિલા પોલીસ કર્મચારીએ અંદર બોલાવ્યો હોવાનું અને વકીલ છું એમ કહ્યા બાદ તેણે મને બે વખત બે-બે લાફા ઝીંકી દીધા હતા. એટલું જ નહીં, ઇન્સ્પેક્ટરે ધમકી આપતાં કહ્યું હતું કે જા જેટલા વકીલોને લાવવા હોય લઈ આવ, મારી કૅબિનમાં આવ તને દેખાડું છું હું કોણ છું.’

પૃથ્વીરાજ ઝાલાએ ફરિયાદમાં આગળ નોંધ્યું છે કે ‘આ ઘટના બાદ મેં બાર કોર્ટ કમિટીના ઍડ્વોકેટ બિપિન દુબેને ફોન કરીને જાણ કરતાં તેઓ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. તેમણે કાંદિવલી પોલીસ સ્ટેશનના ડ્યુટી ઑફિસરને આ ઘટનાની માહિતી આપી હતી અને કોઈ ઇન્સ્પેક્ટર કેવી રીતે વકીલ પર હુમલો કરી શકે એ વિશે પૂછ્યું હતું. જોકે તેમણે કોઈ ખાસ રસ નહોતો દાખવ્યો. આ દરમ્યાન બીજા કેટલાક વકીલ કાંદિવલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અમે કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દિનકર જાધવની કૅબિનમાં ગયા હતા. આ સમયે મહિલા કર્મચારીએ અંદર આવીને અમારી માફી માગી હતી. હુમલો કરનારા ઇન્સ્પેક્ટર ગીતેને પણ કૅબિનમાં બોલાવ્યો હતો, પરંતુ તેણે ન તો માફી માગી કે ન તો શા માટે હુમલો કર્યો એ વિશે કંઈ કહ્યું હતું. લેખિતમાં માફી માગવાની પણ તેણે ના પાડી દીધી.’

ફરિયાદના અંતમાં વકીલે નોંધ્યું છે કે ‘કોઈ કારણ વગર મારા પર એક ઇન્સ્પેક્ટરે હુમલો કરવાથી માનસિક ત્રાસ થવાની સાથે હું અપમાનની લાગણી અનુભવી રહ્યો છું. આથી હુમલો કરનારા ઇન્સ્પેક્ટર સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.’

પૃથ્વીસિંહ ઝાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે આ ઘટના બાબતે માફી માગી લીધી હતી, પણ હુમલો કરનારા ઇન્સ્પેક્ટર ગીતેને હુમલો કરવાનો કોઈ અફસોસ જ નથી એવું વર્તન કરી રહ્યો છે. આથી તેની સામે કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરતી લેખિત ફરિયાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને કરી છે. બોરીવલી કોર્ટમાં કાર્યરત ૪૦૦ જેટલા વકીલોએ આ બનાવના વિરોધમાં એક દિવસ કામ બંધ રાખ્યું હતું. આ બંધના પડઘા વિધાનસભામાં પણ પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઝોન ૧૧ના ડેપ્યુટી પોલીસ કમિશનર અજયકુમાર બંસલે આ મામલાની તપાસ કરવા માટે સાત દિવસનો સમય માગ્યો છે. બાદમાં પણ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી નહીં કરાય તો અમે આગળનો નિર્ણય લઈશું.’

mumbai mumbai news borivali mumbai police prakash bambhrolia