ગુલાબી ફેસબુક ફ્રૉડના સિનિયર સિટિઝનો ઇઝી ટાગેર્ટ છે

20 June, 2019 07:30 AM IST  |  | પ્રકાશ બાંભરોલિયા

ગુલાબી ફેસબુક ફ્રૉડના સિનિયર સિટિઝનો ઇઝી ટાગેર્ટ છે

ફેસબુક ફ્રૉડમાં સિનિયર સિટિઝનો ઇઝી ટાગેર્ટ

આપણામાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. એમાં પણ જ્યારે  સ્ત્રી અને મોટી રકમની ગિફ્ટ મળતી હોય તો લોકો સાનભાન ભુલાવી દઈને પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે. આ બાબતને બંધબેસતો કિસ્સો મીરા રોડમાં બન્યો છે. રેલવેના નિવૃત્ત અધિકારીએ ફેસબુકના માધ્યમથી એક વિદેશી મહિલાના પ્રેમમાં પડીને તે સુંદરી તથા તેની પાસેના ૫૦ હજાર પાઉન્ડ એટલે કે અંદાજે ૮૯ લાખ રૂપિયા મેળવવા ૨૦ લાખ રૂપિયા ગુમાવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ ‘મીરા રોડમાં રહેતા ૫૯ વર્ષના એક નિવૃત્ત રેલવે અધિકારીની ૨૦૧૭માં ફેસબુકના માધ્યમથી કૅનેડામાં રહેતી જેની વિલ્યમ નામની મહિલા સાથે મિત્રતા થઈ હતી. ફેસબુકની મિત્રતા આગળ વધતાં બન્નેએ મોબાઇલ નંબર શૅર કરીને વાતચીત શરૂ કરી હતી. ચાલીસેક વર્ષની જેનીનો ફોટો જોયા બાદ રેલવેના સાહેબ તેના પ્રેમમાં પડી ગયા હતા.’

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક દિવસ જેનીએ પોતાના માટે ગિફ્ટ ખરીદી હોવાનું કહેતાં સાહેબ ખુશખુશાલ થઈ ગયા હતા. ગિફ્ટમાં જેનીએ લૅપટૉપ, ઘડિયાળ, આઈફોન અને ૫૦ હજાર પાઉન્ડનો ચૅક હોવાનું કહ્યું હતું. ગિફ્ટ આપવાની લાલચ આપ્યા બાદ જેની રેલવેના સાહેબ સાથે મોડી રાત સુધી પ્રેમના મેસેજ મોકલવાની સાથે ગપ્પા મારતી હતી. તેણે ગિફ્ટના ફોટો પણ વૉટ્સઍપમાં મોકલ્યા હતા તથા આ ગિફ્ટ પોતે કુરિયરથી મોકલી આપશે એમ કહ્યું હતું.

રેલવેના સાહેબ પોતાની પ્રેમજાળમાં સપડાયા હોવાનું જોયા બાદ એક મહિલાએ ફોન કરીને તેમને કહ્યું હતું કે અમારી કુરિયર કંપનીમાં તમારી ગિફ્ટ આવી છે. ગિફ્ટનું પાર્સલ છોડાવવા માટે તમારે ૩૩,૮૦૦ રૂપિયાનો ચાર્જ ભરવો પડશે. જેનીને આ વિશે પૂછતાં તેણે એક બૅન્કના ખાતામાં આ રકમ ભરવાનું કહેતાં સાહેબે ૮ મે, ૨૦૧૮ના રોજ એ ડિપોઝિટ કર્યા હતા અને રસીદનો ફોટો જેનીને વૉટ્સઍપ કર્યો હતો.

એ પછી કસ્ટમ ઑફિસમાંથી પાર્સલ છોડાવવા માટે રેલવેના સાહેબ પાસેથી જેનીએ ૨,૮૫,૦૦૦ રૂપિયા બીજી એક બૅન્કમાં ડિપોઝિટ કરાવ્યા હતા. ૫૦ હજાર પાઉન્ડ તથા વિદેશી સુંદરી મેળવવાની લાલચમાં સાહેબે એ પછી કસ્ટમ્સથી માંડીને વિવિધ સરકારી અધિકારીઓને કટકી આપવાને નામે ૬,૦૦,૦૦૦ લાખ, ૪,૫૦,૦૦૦ અને ૪,૪૭,૦૦૦ રૂપિયા વિવિધ બૅન્કમાં ડિપોઝિટ કરાવ્યા હતા. આ તમામ રકમ સાહેબે એક મહિનાના સમયગાળામાં ગુમાવી હતી.

કોઈ સામાન્ય માણસ આવી ભૂલ કરે તો સમજી શકાય, પણ ટોચના નિવૃત્ત અધિકારી અને પીઢ માણસ મહિલાની વાતમાં આવી જઈને એક-બે નહીં, પણ પાંચ વખત થર્ડ પાર્ટીના બૅન્ક-અકાઉન્ટમાં લાખો રૂપિયા ભરી દે એ ચોંકાવનારું છે. એથી પણ ચોંકાવનારી બાબત એ છે કે રેલવેના સાહેબે પોતાની સાથે પત્નીના રૂપિયા પણ લાલચમાં ગુમાવી દીધા છે.

નયાનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કૈલાશ બર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયામાં લોકો સરળતાથી રૂપિયા મેળવવાની લાલચમાં ફસાતા હોવાની અવેરનેસ ઝુંબેશ અમે અવારનવાર ચલાવીએ છીએ. આમ છતાં, લોકો કોઈ તમને શા માટે મોંઘી ગિફ્ટ આપવા માગે છે અને એનો ચાર્જ બૅન્કમાં ભરવાનું કેમ કહે છે એનો વિચાર નથી કરતા. ફેસબુક કે સોશ્યલ મીડિયામાં અજાણી વ્યક્તિ સાથે સંપર્ક કરતાં પહેલાં સૌએ સાવધાન રહેવું જોઈએ. કોઈની સાથે રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન કરતાં પહેલાં કોઈકની સલાહ લેવી જોઈએ. અમે આ મામલામાં જે બાર બૅન્ક-અકાઉન્ટમાં ફરિયાદીએ રૂપિયા ટ્રાન્સફર કે ડિપોઝિટ કર્યા છે એની વિગતો મેળવીને તપાસ હાથ ધરી છે.’

આઈજી, સાઇબર સિક્યૉરિટી બ્રિજેશ સિંહ શું કહે છે?

ફેસબુક જેવા સોશ્યલ મીડિયામાં કોઈ ફ્રેન્ડ વિદેશથી ગિફ્ટ મોકલવાનું કહે તો એનાથી બચવું જોઈએ. આ વિશે મહારાષ્ટ્ર પોલીસના સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (આઈજી, સાઇબર સિક્યૉરિટી) બ્રિજેશ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુંદર યુવતી દ્વારા ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ કોઈ પણ સોશ્યલ પ્લૅટફૉર્મ પર આવે તો એને અવગણવી જોઈએ. સાઇબર ગુનેગારો યુવતીઓના બોગસ આઇડી બનાવીને કોણ તેની જાળમાં ફસાઈ શકે છે એવા લોકોને ફ્રેન્ડશિપની રિક્વેસ્ટ મોકલે છે. તેઓ નિવૃત્ત પુરુષો પાસેથી રૂપિયા પડાવવા માટે એક ખાસ પ્રકારની મોડસ ઑપરેન્ડીથી છેતરપિંડી કરે છે. એનાથી બચવા માટે કોઈ બૅન્કમાં કૅશ ડિપોઝિટ કે ટ્રાન્સફર કરવાનું કહે તો એ ટાળવું. કોઈ લલચામણી ઑફર આપે તો તેને પ્રત્યક્ષ રીતે આવીને આપવાનું કહેવું એટલે તે વ્યક્તિ સાચી છે કે ખોટી એ જાણી શકાય છે. આથી કોઈ આવી માગણી કરે તો reportphising.in વેબસાઇટમાં ઑનલાઇન ફરિયાદ દ્વારા જે ફોન નંબર કે ઈ-મેઇલ કે બીજા આઇડીથી મેસેજ આવ્યો હોય એની વિગતો આપીને છેતરપિંડીનો ભોગ બનતા બચી શકાય છે.’

સિનિયર સિટિઝનો શું કહે છે?

અંધેરીમાં રહેતા ૬૯ વર્ષના ભૂપેન્દ્ર શાહ ફેસબુક-અકાઉન્ટ ધરાવે છે. કોઈકે ગિફ્ટની લાલચ આપવા વિશે કહે કે ‘ફેસબુકમાં અનેક વખત વિદેશી યુવતીઓ દ્વારા ફ્રેન્ડશિપની રિક્વેસ્ટ મળી છે. તેમના દ્વારા ગિફ્ટ આપવાની ઑફર પણ આવેલી, પરંતુ સદ્ભાગ્યે હું એનાથી બચી શક્યો છું. ઘણા નિવૃત્તો આવકને અભાવે મફતમાં ગિફ્ટ મેળવવાની લાલચમાં આવી જતા હોય છે.’

આ પણ વાંચો: આવતીકાલે બાળકને મૂકવા જાતે જવું પડશે, સ્કૂલવાન ચાલકોની હડતાળ

વિલે પાર્લેમાં રહેતા ૬૬ વર્ષના અનિલ જાની લાંબા સમયથી ફેસબુક-અકાઉન્ટનો ઉપયોગ કરે છે. તેઓ કહે છે કે ‘મને હજી સુધી મફતમાં વિદેશથી ગિફ્ટ આપવાની ઑફર કોઈએ કરી નથી, પરંતુ હું જાણું છું કે આ પ્રકારની ઑફર કરનારાઓ ફ્રૉડ હોય છે. તેઓ કંઈક આપવાને બદલે આપણી પાસેથી રૂપિયા પડાવી લે છે. આથી હું કાયમ સાવધ રહીને જ ફેસબુક સહિતના સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરું છું.’

facebook gujarati mid-day