શંકરના દિવસે શંકરના ધામમાં પરલોક સિધાવ્યા

13 May, 2022 10:21 AM IST  |  Mumbai | Rohit Parikh

સોમવાર ભગવાન શંકરનો દિવસ કહેવાય છે અને એ જ દિવસે ચારધામની યાત્રા દરમિયાન ઉલ્હાસનગરના સિનિયર સિટિઝન જયંતીભાઈએ શિવતીર્થમાં દેહ છોડ્યો : જન્મ અને મરણની તારીખ ૯ રહી

પાંચમી મેએ હરિદ્વાર પહોંચેલા જયંતીભાઈ (જમણે) અને તેમના ભાઈનો પરિવાર

આપણામાં કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. એનો અર્થ એ છે કે માનવીનું મૃત્યુ એવા પવિત્ર સ્થાન પર થવું જોઈએ જેનાથી તેને કે તેના પરિવારને મૃત્યુનો અફસોસ ન રહે. ઉલ્હાસનગર કૅમ્પ-૪માં નિવૃત્ત જીવન જીવી રહેલા કચ્છી રાજગોર બ્રાહ્મણ ૭૦ વર્ષના જયંતીલાલ કરસનજી ઉગાણી (રાજગોર)નું ચારધામની યાત્રા દરમિયાન મોત થતાં ઉગાણી પરિવારને આંચકો જરૂર લાગ્યો, પરંતુ તેમના પરિવારજનો કહે છે કે અમને ભલે આઘાત આપી ગયા, પણ તેમનો જીવ શંકરના ધામમાં શંકરના દિવસે જવાથી એ તરી ગયો છે. 
જયંતીલાલ ઉગાણી તેમનાં પત્ની, ભાઈઓ અને ભત્રીજાઓ સહિત ૧૪ પરિવારજનો સાથે બુધવાર, ૪ મેએ ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આ પરિવારની ચારધામની યાત્રા શાંતિ અને સમતાપૂર્વક થઈ રહી હતી. યાત્રાપ્રવાસમાં કોઈને કોઈ તકલીફ નહોતી. બધા ખૂબ ખુશ હતા. જોકે તેઓ કેદારનાથથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે જયંતીભાઈને રુદ્રપ્રયાગમાં બ્રીધિંગ પ્રૉબ્લેમ શરૂ થયો હતો. રવિવાર, ૮ મેએ જયંતીભાઈને રુદ્રપ્રયાગની જિલ્લા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

મૂળ કચ્છ ભુજના મારા બનેવી જયંતીભાઈ સોમવાર, ૯ મેએ સાજા થઈ ગયા હતા અને તેમને રુદ્રપ્રયાગની જિલ્લા હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી એમ જણાવીને બીએમસીના નોકરી છોડીને ડોમ્બિવલીમાં નિવૃત્ત જીવન જીવી રહેલા જયંતીભાઈના સાળા કિશોર બાવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જયંતીભાઈ સૌથી પહેલાં નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં નોકરી કરતા હતા. ત્યાર પછી તેમના શેઠે કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી જયંતીભાઈ સાઇટ સુપરવાઇઝરની જવાબદારી સંભાળતા હતા. જયંતીભાઈને કોઈ સંતાન ન હોવાથી છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તેઓ ઉલ્હાસનગરમાં તેમનાં પત્ની ઇન્દુબહેન સાથે નિવૃત્ત જીવન જીવતા હતા. તેમને કોઈ જ શારીરિક તકલીફ નહોતી. બે વર્ષ પછી ચારધામની યાત્રા કરવા મળશે એવા ઉમંગ અને ઉલ્લાસ સાથે બુધવારે જયંતીભાઈ તેમનાં પત્ની અને ભાઈના પરિવાર મુંબઈથી ચારધામની યાત્રા કરવા નીકળ્યા હતા. કેદારનાથનાં દર્શન કરીને આખો પરિવાર રવિવારે સવારે હરિદ્વાર જવા નીચે ઊતરી રહ્યા હતો ત્યારે જયંતીભાઈને રુદ્રપ્રયાગમાં શ્વાસની તકલીફ શરૂ થઈ હતી. તરત જ તેમને રુદ્રપ્રયાગની જિલ્લા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા અને સોમવારે જયંતીભાઈ સ્વસ્થ અને સાજા થઈ ગયા હતા.’

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી જયંતીભાઈને કોઈ જ તકલીફ ન હોવાથી પરિવારજનોએ કરેલા ટેમ્પો ટ્રાવેલમાં સૌ હરિદ્વાર જવા નીકળ્યા હતા એમ જણાવીને કિશોર બાવાએ કહ્યું હતું કે ‘તેઓ હરિદ્વાર તરફ જવા નીકળી ગયા હતા, પરંતુ થોડા કિલોમીટર આગળ ગયા ત્યાં જયંતીભાઈને ફરીથી બ્રીધિંગ પ્રૉબ્લેમ થવા લાગ્યો હતો. તરત જ ટેમ્પો ટ્રાવેલ પાછો વાળી રુદ્રપ્રયાગની જિલ્લા હૉસ્પિટલમાં જયંતીભાઈને લઈ ગયા હતા, પરંતુ હૉસ્પિટલમાં પહોંચે એ પહેલાં જ જયંતીભાઈએ દેહ છોડી દીધો હતો.’

તેમને કોઈ જ શારીરિક તકલીફ નહોતી એમ જણાવીને કિશોર બાવાએ કહ્યું હતું કે ‘જયંતીભાઈની સ્લિમ બૉડી હતી. તેમને નાનપણથી બીડી પીવા સિવાય કોઈ બીજી આદત નહોતી. તેઓ ચારધામની યાત્રા કરવા જતા હતા ત્યારે અમે ઇન્દુબહેનને સલાહ આપી હતી કે તારું ધ્યાન રાખજે. અમને ઇન્દુબહેનની ચિંતા વધારે હતી. જયંતીભાઈના મૃત્યુથી ઇન્દુબહેન હેબતાઈ ગયાં હતાં. અમને એવું લાગે છે કે જયંતીભાઈની બીડી પીવાની આદતને કારણે તેમનાં ફેફસાં નબળાં પડી ગયાં હશે જેને કારણે ત્યાંની આબોહવામાં તેમને શ્વાસની તકલીફ થઈ હશે. શ્વાસની તકલીફને કારણે હાર્ટ પર વધુ પ્રેશર આવતાં તેમનું હાર્ટફેઇલ થયું હશે. બાકી તો તેઓ મુંબઈમાં એકદમ તંદુરસ્ત હતા. ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર જેવી કોઈ જ ફરિયાદ નહોતી.’ 
જયંતીભાઈને મૃત્યુના દિવસે ૬૯ વર્ષ ૧૦ મહિના પૂરા થયા હતા એમ જણાવીને કિશોર બાવાએ કહ્યું હતું કે ‘જયંતીભાઈની જન્મતારીખ ૯ જુલાઈ ૧૯૫૨ છે અને તેમની મૃત્યુતારીખ પણ ૯ મે ૨૦૨૨ની છે. આમ તેમની જન્મ અને મરણની તારીખ ૯ રહી. સોમવાર ભગવાન શંકરનો દિવસ અને એ જ દિવસે જયંતીભાઈએ શિવતીર્થમાં જ દેહ છોડ્યો એ ખરેખર ખૂબ જ ભાગ્યશાળી બની ગયા. તેમની અંતિમક્રિયા ૧૦ મેએ હરિદ્વારમાં ગંગા કિનારાની સામે સ્મશાનભૂમિ છે ત્યાં કરવામાં આવી હતી.’

અમને પરિવારજનોને જયંતીભાઈના મૃત્યુનો આઘાત જરૂર લાગ્યો છે એમ જણાવતાં કિશોર બાવાએ કહ્યું હતું કે ‘અમે અમારી જાતને આશ્વાસન એ રીતે આપીએ છીએ કે તેઓ ભલે અમને આઘાત આપી ગયા, પણ શિવના ગામમાં તેમણે દેહ છોડ્યો એટલે તેઓ તો તરી ગયા. તેઓ વૈકુંઠના દ્વારે ગયા છે.’

mumbai mumbai news ulhasnagar rohit parikh