સાયન્ટિસ્ટ્સે કોરોનાની નબળાઈ શોધી કાઢી

20 August, 2022 08:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઓમાઇક્રોનના સબ-વેરિઅન્ટ્સ સહિત કોરોનાના તમામ મુખ્ય વેરિઅન્ટ્સમાં આ કૉમન વીક સ્પૉટ છે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારી વધુ એક વખત ડરાવવા માંડી છે. ભારત સહિત અનેક દેશોમાં કેસની સંખ્યા વધી રહી છે. દરમ્યાન એક ઇન્ડો-કૅનેડિયન સાયન્ટિસ્ટના નેતૃત્વમાં સંશોધકોએ ગુડ ન્યુઝ આપ્યા છે. તેમનું કહેવું છે કે તેમણે કોરોનાના તમામ મુખ્ય વેરિઅન્ટ્સમાં એક કૉમન નબળાઈ શોધી કાઢી છે. કોરોનાના સૌથી વધારે ચેપી ઓમાઇક્રોનના સબ-વેરિઅન્ટ્સમાં પણ આ કૉમન વીક સ્પૉટ છે.  

કૅનેડાની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટી તેમ જ યુનિવર્સિટી ઑફ પીટ્સબર્ગ (યુએસ)ના સંશોધકોએ મળીને આ સ્ટડી કર્યો છે. જ્યાં કૅનેડિયન સંશોધકોનું નેતૃત્વ મેડિસિન ફેકલ્ટીના પ્રોફેસર ડૉ. શ્રીરામ સુબ્રમણ્યમે કર્યું હતું, જ્યારે અમેરિકા તરફથી ડૉ. મિટકો દિમિત્રોવ અને વેઇ લીએ સંશોધકોનું નેતૃત્વ કર્યું હતું. આ સંશોધકોનું કહેવું છે કે આ સ્ટડીથી ટાર્ગેટેડ ઍન્ટિબૉડી ટ્રીટમેન્ટની શક્યતા વધી ગઈ છે. સરળ શબ્દોમાં કહીએ તો સાયન્ટિસ્ટ્સે એવી ઍન્ટિબૉડીની ઓળખ કરી લીધી છે જે ઓમાઇક્રોન અને કોરોનાના અન્ય વેરિઅન્ટ્સને નિષ્ક્રિય કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે આ નવા સ્ટડીમાં ઓળખ કરવામાં આવેલી ‘માસ્ટર કી’ ઍન્ટિબૉડીનો જ એક ટુકડો છે જેને વીએચ એબી6 કહેવામાં આવે છે. એ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, કપ્પા, ઍપ્સિલોન અને ઓમાઇક્રોનની વિરુદ્ધ અસરકારક હોવાનું જોવા મળ્યું છે.

આ સાયન્ટિસ્ટ્સે ક્રાયો-ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીનો ઉપયોગ કરીને વાઇરસના સ્પાઇક પ્રોટીન પર આ વીક સ્પૉટની શોધ કરી છે, જે ઍપિટૉપ તરીકે ઓળખાય છે. ક્રાયો-ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીની વાત કરીએ તો એ પાવરફુલ ઇમેજિંગ ટેક્નિક છે. 

national news coronavirus covid19 Omicron Variant