ઉદ્ધવ અને રાજ ઠાકરે જ યુતિ કરવી કે નહીં એનો નિર્ણય લેશે : સંજય રાઉત

23 June, 2025 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ ઠાકરે શું પગલું ભરશે એના વિશે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. રાજ ઠાકરેએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી (BJP)ને બહારથી સપોર્ટ આપ્યો હતો.

ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, સંજય રાઉત

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે યુતિ કરવી કે નહીં એનો નિર્ણય ઉદ્ધવ અને રાજ ઠાકરે જ લેશે અને આ બાબતે અન્ય કોઈ પણ બોલે તો એ અનુચિત ગણાશે એમ શિવસેના-UBTના નેતા સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું. એક બાજુ શિવસેના-UBTના નેતાઓ અને કાર્યકરો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે યુતિ થાય એ માટે રાજ ઠાકરે સુધી તેમની ભાવના પહોંચાડી રહ્યા છે ત્યારે બીજી બાજુ હાલમાં જ રાજ ઠાકરેએ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે એક હોટેલમાં કરેલી બેઠકે લોકોને અને રાજકીય નિરીક્ષકોને વિચારતા કરી મૂક્યા છે. હવે રાજ ઠાકરે શું પગલું ભરશે એના વિશે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. રાજ ઠાકરેએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી (BJP)ને બહારથી સપોર્ટ આપ્યો હતો.

સંજય રાઉતે કહ્યું હતું કે ‘MNSના જે લોકો યુતિની વિરુદ્ધમાં બોલી રહ્યા છે એ લોકો રાજકારણમાં બહુ મોડેથી જોડાયા છે. બીજા શું કહે છે એનો કોઈ અર્થ નથી. મેં વર્ષોથી ઠાકરે ભાઈઓને જોયા છે. મને ખબર છે કે શું થશે અને શું ‌નહીં થાય. એ બાબતે મારા કરતાં ‍કોઈને વધુ ખબર ન પડે. યુતિ બાબતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જ નેતા અને ભાઈઓ તરીકે નિર્ણય લેશે.’

shiv sena uddhav thackeray raj thackeray maharashtra navnirman sena sanjay raut maharashtra maharashtra news political news bharatiya janata party devendra fadnavis Lok Sabha Election 2024 Lok Sabha news mumbai mumbai news